મિલકત - પારિવારિક ઝઘડામાં ભાભીની છરીના ઘા ઝીંકી દીયરે હત્યા કરી’તી

મિલકત - પારિવારિક ઝઘડામાં ભાભીની છરીના ઘા ઝીંકી દીયરે હત્યા કરી’તી
કપડાં - છરી - બાઈક કબજે
રાજકોટ, તા.8 : કોઠારિયા રોડ પરના દેવપરા-3માં રહેતા વીમા એજન્ટ ઉમેશભાઈ કડવા ભાઈ સરધારા નામના પટેલ યુવાનની પત્ની ભારતીબેન પડોશી લક્ષ્મીબેન સાથે સ્વાધ્યાયમાં જવા નીકળ્યા હતા ત્યારે કોઠારિયા રોડ પરના દિપ્તીનગરમાં ખીમજીભાઈ રાદડિયાનાં મકાનમાં ભાડે રહેતા સગા દીયર ચમન કડવાભાઈ સરધારા બાઇક લઈને ધસી આવ્યો હતો અને ભાભી ભારતીબેનને આંતરી છરીના ત્રણ ઘા ઝીંકી હત્યા કરી નાસી છુટયો હતો.
આ બનાવના પગલે નાસભાગ મચી ગઈ હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી તેમજ મૃતક ભારતીબેનના બીજા દીયર જીતેન્દ્રને જાણ થતાં પહોંચી ગયો હતો અને ઉમેશભાઈને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડયો હતો. પોલીસે ઉમેશભાઈ કડવાભાઈ સરધારાની ફરિયાદ પરથી હત્યારા દિપ્તીનગરમાં રહેતા અને સ્ટિલ રેલિંગ બનાવવાનું કારખાનું ધરાવતા ચમન સરધારા વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી અને લોહીવાળાં કપડાં - બાઇક અને છરી કબજે કર્યા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યારો ચમન સરધારા મૃતક ભાભી ભારતીબેન અને ભાઈ ઉમેશ વિરુદ્ધ વર્ષોથી મીલકતના મામલે પોલીસમાં અવારનવાર અરજીઓ કરતો હતો. ઉમેશભાઈનું જૂનું મકાન દેવપરા-3માં છે. જે સંયુક્ત માલિકીનું છે અને તેની માતાનાં નામનું છે. આ મામલે અવારનવાર માથાકૂટ થતી હતી. ચમન સાથે પરિવારજનોને સંબંધ પણ નથી. હત્યારા ચમન સરધારાની પૂછતાછ કરવામાં આવતા એવું જણાવ્યું હતું કે ભાઈ-ભાભી મકાનમાંથી ભાગ આપતા નહોતા અને માતાને મારકૂટ કરતા હતા તેમજ લગ્ન થવા દેતા ન હોવાનું રટણ કર્યું હતું. પોલીસે જરુરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer