‘દરેક બાળકમાં મને મારા સ્વ.પુત્ર પુજિતના દર્શન થાય છે’: રૂપાણી

‘દરેક બાળકમાં મને મારા સ્વ.પુત્ર પુજિતના દર્શન થાય છે’: રૂપાણી
ઝુંપડપટ્ટી વિસ્તારના બાળકો માટે આયોજિત ‘બાળસંગમ’ કાર્યક્રમનું મુખ્યમંત્રીના હસ્તે કરાયું ઉદ્ઘાટન
‘બાલવીર રીટન્ટસ’ના બાળનાયક દેવ જોષીની વિશેષ ઉપસ્થિતિ
રાજકોટ : શહેરના આયોજિત પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ‘મારા પુત્ર સ્વ.પુજીતના જન્મ દિવસે ટ્રસ્ટ દ્વારા ઝુંપડપટ્ટી વિસ્તારમાં કચરો વીણતા બાળકો એક દિવસ કિલ્લોલ કરે, આનંદ માણે તે માટે છેલ્લા 25 વર્ષથી એક દિવસ બાળ સંગમ દિવસ તરીકે ઉજવીએ છીએ. અમે દરેક બાળકોમાં પુજીતના દર્શન કરીએ છીએ. દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વ. પુજીતના જન્મદિને બાળ સંગમ વંચિત બાળકો માટે કર્યો છે.’
મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું કે, દરેક બાળકનું બાળપણ આનંદથી વીતવુ જોઇએ અને તે માટે વ્યવસ્થા કરવાની સમાજની ફરજ છે. આનંદીત બાળકોનો ભવિષ્યમાં ખૂબ સારો વિકાસ થઇ શકે. બાળ સંગમના કાર્યક્રમ થકી જ્ઞાન સાથે ગમ્મત મળે બાળકો આનંદિત થઇ જાય તેવો હેતુ રહેલો છે. શ્રી પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટની સ્થાપના 1995ના કચરો વીણતા બાળકો માટેના રેગપીકર્સ પ્રોજેકટ દ્વારા કરવામાં આવી હતી. બાળકો ઉપરાંત મહિલાઓના ઉત્કર્ષ માટે પણ અનેક પ્રવૃત્તિ ટ્રસ્ટ દ્વારા ચાલી રહી છે. જેમાં ગરીબ પરંતુ તેજસ્વી બાળકો માટેનો જ્ઞાનપ્રબોધીનીનો પણ સમાવેશ થાય છે.   
ફનવર્લ્ડ ખાતે આયોજિત બાળસંગમ કાર્યક્રમનું વિજય રૂપાણી અને તેમના પત્ની અને ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમા ઉદઘાટન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે બન્નેએ બાળકોને પ્રેમથી જમાડીને અધિકારીઓ-કાર્યકરોની સાથે પંગતમાં બેસી ભારતીય બેઠક મુજબ ભોજન લીધું હતું. કાર્યક્રમમાં સોની સબ ટીવી ચેનલ ઉપર ચાલી રહેલી બાળકોની  હિન્દી સિરિયલ બાલવીર રિટર્ન્સના બાળનાયક દેવ જોષી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં અને તેમણે બાળકો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો.
દેવ જોષીએ કહ્યું હતું કે, રોજીંદા જીવન કરતાં આજનો દશેરાનો દિવસ આપણા સૌ માટે ખાસ-વિશેષ દિવસ છે. આજે સ્વ. પુજીતના જન્મ દિનની સાથે સાથે  આજથી 12 વર્ષ પહેલા અમારો બાલવીરનો પ્રથમ શો પ્રસિધ્ધ થયો હતો. બાલવીર સિરિયલ અનેક સારા સંદેશ બાળકોને આપે છે. અહીં ઉપસ્થિત બાળકોના આનંદ-ખુશીએ સ્વ પુજિતભાઇને ખરા અર્થમાં
સ્મરણાંજલી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer