શામળાજી પોલીસે ટ્રકમાંથી રૂ.14.54 લાખનો 303 પેટી દારૂ ઝડપી પાડયો

શામળાજી પોલીસે ટ્રકમાંથી રૂ.14.54 લાખનો 303 પેટી દારૂ ઝડપી પાડયો
-ટ્રકચાલક ફરાર: લોખંડના પાઇપ-શરાબનો જથ્થો, ટ્રક મળી રૂ.38,86,136નો મુદ્દામાલ કબજે
મોડાસા, તા.8: રાજસ્થાનમાંથી રતનપુર ચેકપોસ્ટ પરથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ચોરખાના, માલસામાનની આડમાં સંતાડી બુટલેગરો દ્વારા ઘૂસાડવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે જે અંતર્ગત શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પાસે રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકિંગ હાથ ધરી ટ્રકમાંથી વિદેશી શરાબની 303 પેટી કિંમત રૂ.14,54,400નો દારૂનો જથ્થો લોખંડના પાઇપ, દવાના બોક્સ પાછળથી ઝડપી પાડયો હતો. ટ્રકચાલક ગાડી રસ્તા પર મૂકી નાશી છૂટયો હતો. પોલીસે લોખંડના પાઇપ-ટ્રક-દારૂ મળી રૂ.38,86,136નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ રતનપુર ચેકપોસ્ટ પોસ વેણપુર ગામની સીમમાં નાકાબંધી કરી રાજસ્થાન તરફથી આવતા નાનાં-મોટાં વાહનોનું શામળાજી પીએસઆઈ સંજય શર્માની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી ટ્રક આરજે-31-જીએ-6096 નંબરના ચાલકની અટકાયત કરી ક્લીનર ટ્રક મૂકી નાશી છૂટયો હતો. પોલીસે ટ્રકમાં તલાસી લેતાં દવાના બોક્સ, રોલ અને લોખંડની પાઇપો હટાવી નીચેથી વિદેશી દારૂની 303 પેટી, કુલ બોટલ નંગ 3636 કિંમત રૂ.14,54000 તેમજ લોખંડના પાઇપનો જથ્થો કિંમત રૂ.14,31,736 તથા ટ્રક કિંમત રૂ.10,00,000 મળી કુલ રૂ.38,86,136નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ટ્રક મૂકી નાશી છૂટનાર ક્લીનર - ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી શોધખોળ  હાથ ધરી છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer