રાજકોટના ‘બેઘર’ લોકોને મળશે ઘરનું ઘર: મુખ્યમંત્રી

રાજકોટના ‘બેઘર’ લોકોને મળશે ઘરનું ઘર: મુખ્યમંત્રી
ભૂતકાળમાં કોંગ્રેસે આવાસોના નામે લોકો સાથે છેતરપિંડી કરી હતી જ્યારે અમે વાસ્તવમાં આવાસો આપીશું: રૂપાણી
 
મનપાની સ્માર્ટઘર આવાસ યોજનાનું રામ, સીતા, લક્ષ્મણ નામકરણ
રાજકોટ, તા.8 : વિજયાદશમીના પાવન પર્વે આજરોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રાજકોટ મ્યુનિ.તંત્ર તથા ‘રૂડા’ના આશરે 229 કરોડના વિવિધ પ્રોજેક્ટનાં લોકાર્પણ અને ખાતમુર્હૂત કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જે લાભાર્થીઓને આજે આવાસ નથી મળ્યું તેઓ ચિંતા ન કરે, રાજકોટમાં ભવિષ્યમાં પણ આ પ્રકારની અનેક આવાસ યોજનાઓનું નિર્માણ થશે જ્યાં સુધી બેઘર લોકોને ઘરનું ઘર ન મળે ત્યાં સુધી આવા પ્રોજેક્ટ બનતાં રહેશે.
મવડી વિસ્તારમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટની બાજુમાં, પેન્ટાગોન એપાર્ટમેન્ટની સામે આવેલા મેદાનમાં જનમેદનીને સંબોધતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઝૂંપડપટ્ટીમાં રહેતા તેમજ ભાડે રહેતા ગરીબ લોકોને અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે, કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન મુજબ 2022 સુધીમાં તમામને ઘરનું ઘર મળી રહે તેવા અમારા પ્રયાસો છે. ભૂતકાળમાં કોંગ્રેસે રક્ષાબંધનના દિવસે આવાસના ફોર્મ છપાવીને લોકો સાથે મજાક કરી હતી જ્યારે અમે વાસ્તવમાં ગરીબોને આવાસ
આપીએ છીએ.
વોર્ડ નં.11માં મવડી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના સ્માર્ટ ઘર 1-2-3 હેઠળ નિર્માણ પામેલા આવાસોને ‘રામ’, ‘સીતા’ અને ‘લક્ષ્મણ’ નામકરણ કર્યા બાદ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, હવે શહેરના પોશ એરિયામાં પણ ગરીબોને પોતાનું પાકુ નવું સરનામું મળશે, તમામ સુવિધા સાથેના ગ્રીન આવાસનું નિર્માણ થશે. આ આવાસોમાં બાગબગીચા, આંગણવાડી, સ્કૂલ, શોપિંગ સેન્ટર, સોલાર રૂફટોપ સહિતની સગવડતાઓ ડેવલપ કરવામાં આવી છે. વિશ્વમાં વિકસતા શહેરોમાં રાજકોટ શહેર 1 થી 10માં સ્થાન ધરાવે છે, ભવિષ્યમાં આ શહેરમાં આધુનિક એરપોર્ટ, બસપોર્ટ, નવી સુપર સ્પેશિયલ હોસ્પિટલ, રેસકોર્સ-2, નવી જીઆઈડીસી વગેરે ડેવલપ થશે.
આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, મ્યુનિ.તંત્રએ અત્યાર સુધીમાં 24,700 જેટલા આવાસો બનાવ્યાં છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આશરે 11,000 આવાસોની કામગીરી ટૂક સમયમાં શરૂ થશે. આવાસ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં રૂ.361 કરોડની ગ્રાન્ટ મનપાને મળી છે. સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડે જણાવ્યું હતું કે, વર્ષ 2022 સુધીમાં શહેરનો એકપણ નાગરિક ઘરવિહોણો ન રહે તે દિશામાં મ્યુનિ.તંત્ર કામ કરી રહ્યાં છે
કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મ્યુનિ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠિયા, પૂર્વ મેયર ડો.જૈમન ઉપાધ્યાય, કમિશનર ઉદિત અગ્રવાલ, કલેક્ટર રૈમ્યા મોહન વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer