દિવાળીની ખરીદીના કરન્ટનો બજારમાં સદંતર અભાવ!

દિવાળીની ખરીદીના કરન્ટનો બજારમાં સદંતર અભાવ!
મધુ બારભાયા
રાજકોટ તા.8 : સામાન્યત: દશેરાની ખરીદી અને વેપાર એ દિવાળીના તહેવારોની તેજી-મંદીની પારાશીશી ગણાય છે તો તે મુજબ આ વર્ષે દશેરાની ખરીદી અગાઉનાં વર્ષોનાં પ્રમાણમાં નરમ રહી હતી અને તે દિવાળી નબળી જશે એવાં એંધાણ આપી જાય છે.
વાહનો : દિવાળી- દશેરાના પર્વ ઉપર લોકો મુખ્યત્વે જે ખર્ચ કરતા હોય છે તે સૌથી પ્રથમ વાહનો ઉપરનો ખર્ચ હોય છે પણ આ વર્ષે દશેરા ઉપર ટૂ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોની ખરીદી ઘણી નબળી રહી. લોકો પાસે વધારાના પૈસા જ નથી. લોન ઉપર માસિક હપ્તાથી વાહનો મળતા હોવા છતાં પણ લોકો વાહનોની ખરીદીથી દૂર રહ્યા. ડિલરોએ સ્ટોક કરી રાખ્યો હતો પણ માત્ર 30-3પ ટકા વાહનોનું જ બુકીંગ થતાં ડિલરોએ વસવસો વ્યકત કર્યો હતો. જય ગણેશ ફોર્ડના સંદીપભાઈએ કહ્યું કે, 1પ થી 18 ગાડીના બુકીંગ મળ્યા છે તો સુમન બજાજના સુરેશભાઈએ 2પ થી 30 ટુ વ્હીલર અને થ્રી વ્હીલરના બુકીંગ થયા હોવાનું જણાવ્યું હતું.
વ્હાઇટ ગૂડ્ઝ : તો બીજી તરફ રેફ્રીજરેટર અને એસી જેવા વ્હાઇટ ગૂડ્ઝમાં ભારે હરીફાઇ અને ભાવોમાં સ્પર્ધાત્મકતા હોવા છતાં અને અનેક પ્રલોભનો છતાં ઘરાકી બહુ સીમિત રહી છે. ઝીરો ડાઉન પેમેન્ટ અને રી ઇન્સ્ટોલેશન હોવા છતાં હજુ એસીમાં જોઇએ તેવી ઘરાકી નથી, તો ફ્રીજમાં તો નવા ઘરાક ઉપર જ આધાર રાખવો રહ્યો. જે લોકો પાસે ઓલરેડી ફ્રીજ છે તેઓ નવા ખરીદતા નથી.
એફએમસીજી અને ઇલેક્ટ્રોનિક્સ : ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગૂડ્ઝ અને ટીવી અને મોબાઇલ જેવા ઇલેક્ટ્રોનિક ગૂડ્ઝમાં પણ હાલની નાણાકીય ભીડમાં લોકો રસ નથી લેતા. આ ક્ષેત્રમાં ભારે સ્પર્ધા અને ભાવોમાં ડિસ્કાઉન્ટ હોવા છતાં ઘરાકી જોઇએ તેવી નથી.
કપડાં - જૂતા : તહેવારોમાં સૌથી વધુ ખરીદી વત્રો અને ફૂટવેરની થતી હોય છે પણ આ વખતે વત્રો અને કાપડમાં હજુ કરન્ડ આવ્યો નથી. તૈયાર કપડાની મૂળ માર્કેટ ધર્મેન્દ્ર રોડ હતી પણ હવે તો તમામ મુખ્ય માર્ગો ઉપર તૈયાર વત્રોની દુકાનો અને શો-રૂમો થઈ ગયા છે. પહેલા કરતા તૈયાર વત્રો ખરીદવાનું વલણ વધ્યું છે પણ છતાં હજુ તહેવારોની ઘરાકી જોઈએ તેવી નથી.
તો ફૂટવેરમાં બાટા અને ખાદીમ જેવી જાણીતી બ્રાન્ડો કરતાં ય સ્થાનિક બનાવટના ફૂટવેરની ઘરાકી સારી રહેતી હોય છે. પણ હજુ ધર્મેન્દ્ર રોડ અને આસપાસ ફૂટવેરમાં ઘરાકી જામી નથી.
કરીયાણું - ફરસાણ - મીઠાઇ : તહેવારો દરમિયાન અનાજ, કરિયાણાનાં કામકાજમાં તેજી આવતી હોય છે. લોકો ઘેર તહેવાર નિમિત્તે ફરસાણ - મીઠાઇ બનાવતા હોય છે. તેથી અનાજ- કરિયાણાનો વેપાર વધે છે પણ હજુ આ વેપારમાં ચમક જોવા નથી મળી. તો ફરસાણ અને મીઠાઇમાં દશેરાના કામકાજ હતાં પણ તે સિવાય ઊંચા ભાવના કારણે ફરસાણ અને મીઠાઇનું વેચાણ નરમ રહ્યું હતું.
સોના-ચાંદી
આપણે ત્યાં તહેવારો નિમિત્તે સોના-ચાંદીના સિક્કા અને હળવા દાગીનાની ખરીદી થતી હોય છે. ખાસ કરીને ધનતેરસ ઉપર અને પુષ્ય નક્ષત્રમાં આ વખતે સોના-ચાંદીના ઊંચા ભાવ અને લોકો પાસે નાણાંના અભાવથી સોના-ચાંદીની ખરીદી નરમ રહે તેવું લાગે છે.
અન્ય ખરીદી
તહેવારો નિમિત્તેની અન્ય ખરીદી જેવી કે રંગોળીના રંગો, છાપાની કોતરેલી ડીઝાઇન, રંગોળીનાં પુસ્તકો, દીવડા, મીણબત્તીઓ, ફટાકડા, તૈયાર સ્ટીકરો, ઇલેક્ટ્રિક લાઇટની સિરિઝો, ભગવાનની તસવીરની લાઇટિંગવાળી ફોટો ફ્રેમ, સુકામેવા, સાકર, સીંગદાણા આ બધી તહેવારને લગતી આઇટમોમાં હજુ વેપાર નથી. આમાં આવતી દશમ પછી આ બધી ચીજોની ઘરાકી નીકળે એમ લાગે છે.
એકંદર હજુ નોકરિયાત લોકોને દિવાળી બોનસ મળે પછી બજારમાં ખર્ચવાનાં નાણાં ઉપલબ્ધ થાય તો સામાન્ય વેપારી વર્ગ હાલ મંદીથી પીડાય છે. તેથી તેની પાસે પણ ખર્ચવાનાં વધારાનાં નાણાં નથી. આ એકંદર નાણાં ભીડ અને પૈસાની પ્રવાહિતાના અભાવે બજારો નિસ્તેજ છે અને ખરીદીના કરન્ટનો અભાવ છે.
વડોદરામાં કારનું વેંચાણ ઘટયું, બાઇકનું વધ્યું
દશેરાના પર્વે આજે વડોદરામાં મંદીના માહોલમાં પણ લોકોએ કાર અને ટુ-વ્હીલરની ખરીદી કરી હતી. જોકે મંદીનાં કારણે કારનું 25 ટકા ઓછું વેચાણ થયું હતું. ટુ-વ્હીલરમાં 25થી 30 ટકાનું વેચાણ વધ્યું હતું. વડોદરામાં આજે 8 હજારની આસપાસના ટુ-વ્હીલરનું વેચાણ થયું હતું. જ્યારે 600થી વધુ કારનું વેચાણ થયું હતું.
મારૂતિ, હુન્ડાઇ અને ફોર્ડ સહિતની વિવિધ કંપનીઓની અંદાજે 600થી વધુ કારનું વેચાણ થયું છે. જે ગત વર્ષે દશેરાના દિવસે થયેલા વેચાણની સરખામણીમાં 25 ટકા જેટલું ઓછું છે.
આ વખતે વ્હીકલ્સના ધંધામાં અસરની ધારણા કરી પરંતુ સરકાર દ્વારા આર્થિક સ્થિતિ સુધારવા માટે લેવાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણયોનાં કારણે ઓટો માર્કેટમાં ઘરાકી ખૂલી છે. દિવાળીમાં પણ ઓટો માર્કેટ સારું જ રહેશે.
--------------
રાજકોટવાસીઓ એક કરોડના જલેબી- સાટા મિઠાઇ ઝાપટી ગયાં
દર વર્ષે દશેરા આવે એટલે લોકોનો મિઠાઇ આરોગવાનો રસ જાગૃત થઈ જાય. એમાં પણ દશેરા ઉપર જલેબી અને મીઠા સાટાનું મહત્ત્વ કંઇ ઔર જ હોય છે. અલબત્ત ગાંઠિયા જેવા ફરસાણથી માંડી ઘારી ઉપર પણ લોકો પસંદગી ઉતારે છે. આ વર્ષે મંદીનો માહોલ છે અને પગારની તારીખ નથી એટલે મીઠાઇ - ફરસાણનું દશેરાનું વેચાણ નરમ રહેવાની દહેશત હતી. આમ છતાં અગ્રણી સુખડિયા લોકોના અંદાજ મુજબ આજે રાજકોટની પ્રજાએ જલેબી- મીઠા સાટા- જાંબુ- ઘારી- ગાંઠિયા અને અન્ય ફરસાણ મળીને અંદાજે એકાદ કરોડ રૂપિયાની ખાદ્ય સામગ્રી ખરીદી હતી.
------------
ટૂ વ્હીલર, ફોર વ્હીલર બંનેમાં મંદી
રાજકોટ સામાન્યત: દશેરા આવે ત્યારે ટૂ વ્હીલર અને ફોર વ્હીલરના ડીલરોને ત્યાં ઘરાકીનો જોર વધી જતું હોય છે. ઓટો ડીલરોને સામાન્યત: દશેરાએ ડીલવરી આપવા માટે વાહનોનું આગોતરું બુકિંગ થતું હોય છે. આ વખતે તો ફોર વ્હીલરમાં કેટલીક નવી વેરાયટીઓ રજૂ થઈ છે તો કેટલીક જાણીતી કંપનીઓના રનિંગ મોડેલો સુધારા સાથે રજૂ થયા છે. આમ છતાં ફોર વ્હીલરોમાં આગોતરું બુકિંગ સાવ ઓછું થયું છે. તો ટુ વ્હીલરના ડીલરોના જણાવ્યા મુજબ દર વર્ષે જે બુકિંગ અને વેચાણ હોય છે તેના કરતાં અર્ધો અર્ધ વેચાણ અને બુકિંગ થયું છે. દિવાળી ઉપર પણ આજ સ્થિતિ રહેવાના અણસાર છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer