કાશ્મીર મામલે પાક.ને ચીનનો ઠેંગો

કાશ્મીર મામલે પાક.ને ચીનનો ઠેંગો
ઝિનપીંગની ભારત યાત્રા પહેલા ચીનનાં પ્રવાસે ધસી ગયેલા ઈમરાનને નીચાજોણું: ચીને કહ્યું, દ્વિપક્ષી મામલો સંવાદથી ઉકેલો
 
નવીદિલ્હી, તા.8: ચીનનાં રાષ્ટ્રપતિ શી ઝિનપીંગ ભારતની યાત્રાએ આવે તે પૂર્વે જ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને તેનાં સદાબહાર દોસ્ત દેશ ચીને ઠેંગો બતાવી દીધો છે. અત્યાર સુધી ચીન કાશ્મીર વિવાદનો સંયુક્તરાષ્ટ્ર ઘોષણાપત્ર, સુરક્ષા પરિષદનાં ઠરાવો અને દ્વિપક્ષી કરારો અનુસાર જ ઉકેલ આવવો જોઈએ તેવો દુરાગ્રહ વ્યક્ત કરતું આવ્યું છે પણ હવે તેણે કહી દીધું છે કે આ મામલો બન્ને દેશે સંવાદ અને મસલતોથી દ્વિપક્ષી રાહે ઉકેલવો જોઈએ.
સમગ્ર વિશ્વમાં કોઈએ પણ કાશ્મીર મામલે હાથ ન ઝાલ્યા બાદ પાક.નાં પ્રધાનમંત્રી ઈમરાન ખાન ફરી એકવાર ચીન દોડી ગયા છે અને ઝિનપીંગની ભારત યાત્રા પહેલા તેમની કાન ભંભેરણી કરવાનાં પ્રયાસો પણ કરશે. જો કે ઈમરાનની આ કારી ફાવી નથી. કારણ કે ઈમરાન ચીનમાં મોજૂદ છે તેવા ટાણે જ ચીને સ્પષ્ટ કરી દીધું છે કે આ દ્વિપક્ષી બાબત છે.
ઈમરાન આ મુલાકાતમાં ઝિનપીંગ અને પ્રધાનમંત્રી લી કેક્વીઆંગ સહિતનાં શીર્ષસ્થ ચીની નેતૃત્વને મળવાનાં છે. આ વર્ષમાં ઈમરાનનો આ ત્રીજો ચીન પ્રવાસ છે. પાક.નાં સૈન્યપ્રમુખ જનરલ કમાર જાવેદ બાજવા પણ ચીની સેનામાં પોતાનાં સમકક્ષો સાથે ઉચ્ચસ્તરીય બેઠકો કરવાનાં છે.
જો કે આ વાટાઘાટોમાં કાશ્મીર મામલાની ચર્ચા કરવામાં આવી રહી છે કે નહીં તેવા સવાલનો જવાબ આપતાં ચીનનાં વિદેશ ખાતાનાં પ્રવક્તા ગેંગ શુઆંગે કહ્યું હતું કે, આ વિવાદમાં બીજિંગનું વલણ સાતત્યપૂર્ણ છે. ચીન દ્વારા ભારત અને પાક. બન્નેને કહેવામાં આવી રહ્યું છે કે કાશ્મીર મામલાનો વાટાઘાટ અને પારસ્પરિક વિશ્વાસથી ઉકેલ લાવવો જોઈએ. જે બન્ને રાષ્ટ્ર અને દુનિયાની મહત્વાકાંક્ષાઓને અનુરૂપ છે.  
--------------
મહિલા અધિકાર મુદ્દે પાકિસ્તાનને યુનોમાં તતડાવી નાખતું ભારત
નવી દિલ્હી, તા.8: જમ્મુ- કાશ્મીરમાં પોતાના રાજકીય ફાયદા માટે મહિલા અધિકારના મુદાનો “હથિયાર’’ની જેમ ઉપયોગ કરવા અંગે ભારતે પાકિસ્તાનને બરાબરનું તતડાવી નાંખ્યું હતું. ભારતે કહ્યું હતું કે એ દુ:ખની વાત છે કે આ મુદાને પકડીને પાકિસ્તાન પાયા વિનાની વાતો કરે છે. જ્યારે પાકિસ્તાનમાં મહિલાઓની “ઇજ્જત’’ના નામે ખૂબ ખરાબ સ્થિતિ છે અને મહિલાઓને આ સ્થિતિમાં લાવવાવાળાઓ સામે કોઇ કાર્યવાહી થતી નથી. યુનોમાં ભારતીય મિશનના પ્રથમ સચિવ પૌલોમી ત્રિપાઠીએ યુનોની મહાસભામાં “એડવાન્સમેન્સ ઓફ વીમેન’’ વિષય ઉપર બોલતા જણાવ્યું હતું કે યુનોની મહાસભાની પહેલી મહિલા પ્રમુખ વિજયાલક્ષ્મી પંડિતથી માંડીને ઇસરોની વૈજ્ઞાનિકો સુધી ભારતીય મહિલાઓ અનેક લોકો માટે પ્રેરણાનો ત્રોત બની છે.
સુ.શ્રી ત્રિપાઠીએ પાકિસ્તાનનું નામ લીધા વિના પ્રહારો કર્યા હતા. પણ તેણી ઇસ્લામાબાદની વર્તમાન પ્રતિનિધિ મલીહા લોધી દ્વારા જમ્મુ- કાશ્મીરમાં મહિલાઓની સ્થિતિ ઉપરના આક્ષેપોનો જવાબ આપી રહી હતી, લોધીએ સમિતિમાં જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં સંચાર વ્યવસ્થાના અભાવે મહિલાઓને મુશ્કેલી આવી રહી છે.
લોધીએ ન્યૂયોર્ક ટાઇમ્સના પ્રથમ પાના ઉપર એ મહિલાનો ફોટો છપાયો હતો કે જેના પુત્રને સર્પદંશ થયો હતો પણ  સંચારના અભાવે તેને બચાવી શકી નહોતી તેનો ઉલ્લેખ કર્યો હતો ત્રિપાઠીએ આના જવાબમાં કહ્યું હતું કે બીજાઓની જમીન ઉપર લાલચુ નજર રાખવાવાળો દેશ ખોટી ચિંતાની આડમાં પોતાના નાપાક ઇરાદાઓ છાવરે છે.
 
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer