મને દિગ્દર્શનમાં રસ નથી : સૈફ અલી ખાન

મને દિગ્દર્શનમાં રસ નથી : સૈફ અલી ખાન
સૈફ અલી ખાન ફરી પાછો બૉલીવૂડમાં છવાઇ ગયો છે અને તે પોતાની વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સની સફળતાનો પૂરેપૂરો લાભ ઉઠાવી રહ્યો છે. હાલમાં તેની પાસે વિવિધતાભર્યા પાત્રો છે અને તે તેમાં પોતાની અભિનયક્ષમતા ઝળકાવવામાં વ્યસ્ત છે. તેણે કહ્યું કે, મને કલાકાર તરીકે રહેવામાં જ આનંદ મળે છે. આમાં રસપ્રદ બાબાત એ છે કે તમે કોઈ ફિલ્મ સાથે જોડાઓ એટલે તમને પૈસા મળે છે. હા,ફિલ્મ બોક્સ અૉફિસ પર ચાલે છે કે નહીં તે બાબતની થોડી ચિંતા હોય છે છતાં ઝાઝું ગુમાવવાનું આવતું નથી. નિર્માતાએ ફિલ્મની સફળતાની ઝાઝી ચિંતા કરવાની હોય છે. હાલમાં કલાકાર તરીકે મારા જીવનનો શ્રેષ્ઠ તબક્કો ચાલે છે.
ટૂંક સમયમાં સૈફની ફિલ્મ લાલ કપ્તાન આવવાની છે. આમાં તે વેરની વસુલાત કરતો નાગા સાધુ બન્યો છે. આ ફિલ્મના દિગ્દર્શક નવદીપ સિંહ અને નિર્માતા આનંદ એલ. રાય છે. મુગલ સામ્રાજયનો અસ્ત અને અંગ્રેજ શાસનના ઉદય દરમિયાન બનતી ઘટનાઓ આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. સૈફ કહે છે કે મને ઇતિહાસ ગમે છે. આથી મેં આ ફિલ્મ પસંદ કરી હતી. આમાં મારી ભૂમિકા અત્યંત રસપ્રદ છે. આમાં પારલૌકિક રહસ્ય સાથે વેરની કથાને સાંકળી લેવામાં આવી છે. જોકે, આ પાત્ર ભજવતા મને ખૂબ મુશ્કેલી પડી હતી. રોજ તૈયાર થતાં બે કલાક લાગતા અને ધોમધખતા તાપમાં ઘોડેસવારી કરવાની રહેતી. વળી ગળામાં રુદ્રાક્ષની મળાઓના હારડા  પહેરવા પડતા જેના કારણે ડોક દુખી જતી હતી. સવારના પાંચ વાગ્યે ઊઠીને જવું પડતું અને સાંજે આવતા સુધીમાં તો હું અધમુઓ થઇ જતો હતો. આમાં વળી ઘોડેસવારી પણ ચોક્કસ રીતે કરવાની રહેતી જેમાં ખૂબ સંભાળવું પડતું હતું.
લાલ કપ્તાન બાદ સૈફની ફિલ્મ જવાની જાનેમન આવશે. આમાં એક પુરુષને મોડેથી ખબર પડે છે કે તે એક પુત્રીનો પિતા છે. ત્યાર બાદ તેની મનોસ્થિતિ કેવી થાય છે તે દર્શાવવાનું છે. આજકાલ કેટલાક કલાકારો નિર્માતા-દિગ્દર્શક બનતા જોવા મળે છે. આ વિશે પૂછતાં સૈફે કહ્યું કે, હું નિર્માતા તો બની ગયો છું. જવાની  જાનેમનમાં હું સહનિર્માતા છું. પરંતુ દિગ્દર્શક બનવામાં મને રસ નથી. દિગ્દર્શનના કામમાં બહુ મહેનત હોય છે અને ઘણો સમય આપવો પડે છે .જયારે મારે મારા પરિવાર સાથે સમય પસાર કરવો હોય છે આથી હું અભિનય કરીને સંતુષ્ટ છું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer