આતંકરૂપી રાવણનાં દહન માટે મળ્યું રાફેલ

આતંકરૂપી રાવણનાં દહન માટે મળ્યું રાફેલ
ફ્રાન્સમાં સંરક્ષણ મંત્રીને હસ્તાંતરિત કરાયું ઘાતક યુદ્ધ વિમાન: એરફોર્સ-ડે અને વિજયાદશમીનાં અનેરા સંયોગે રાજનાથ સિંહે શત્રપૂજન કરીને રાફેલમાં ભરી ઉડાન
 
પેરિસ, તા.8: આજે એક અનેરો સંયોગ રચાયો હતો. એક તરફ દેશમાં વિજયાદશમીની ધામધૂમથી ઉજવણી થઈ હતી તો બીજીબાજુ ભારતીય વાયુસેનાએ એરફોર્સ-ડે ઉજવ્યો હતો. આ બન્નેને સાંકળતી ત્રીજી ઘટના ફ્રાન્સમાં બની. ભારતને આજે આતંક અને દુશ્મનરૂપી રાવણો સામે વિજય સુનિશ્ચિત કરી શકે તેવું શક્તિશાળી યુદ્ધવિમાન રાફેલ મળી ગયું છે. જેનાથી ભારતીય વાયુસેના અનેકગણી વધુ તાકાતવાન બની જશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ રાફેલ વિમાન મેળવવા માટે ફ્રાન્સમાં હતાં અને આજે તેમને વિમાન સોંપવામાં આવ્યા બાદ તેમણે ભારતીય પરંપરા અનુસાર તેની વિધિવત શત્રપૂજા કરીને વિજયાદશમી પણ મનાવી હતી. તેમણે રાફેલ વિમાન ઉપર ઓમકાર પણ લખ્યો હતો અને પછી તેમાં ઉડાણ પણ ભરી હતી.
ભારતને મળેલા પ્રથમ રાફેલ વિમાનનું નામ વાયુસેના પ્રમુખ રાકેશ ભદોરિયાનાં નામે આરબી-001 રાખવામાં આવ્યું છે. રાજનાથ સિંહ આજે વાઈસ ચીફ માર્શલ હરજીત સિંહ અરોડા સાથે ફ્રાન્સનાં બોર્ડોક્સ સ્થિત એરબેઝ પર ગયા હતાં અને
ત્યાં તેમને રાફેલનું હસ્તાંતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાજનાથ સિંહે સંબોધન પણ કર્યુ હતું અને આજના દિવસને ઐતિહાસિક ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, આજે ભારતમાં દશેરા મનાવાય છે અને તેને બુરાઈ ઉપર ભલાઈની જીતનાં રૂપમાં જોવામાં આવે છે. આજે વાયુસેના દિન પણ છે અને આ દિવસે જ ભારતને રાફેલ મળ્યું છે. 23 સપ્ટેમ્બર 2016નાં રોજ તેનો કરાર થયો હતો અને સમયસર વિમાન ભારતને મળી રહ્યાની ખુશી છે. ભારતનું ધ્યાન વાયુસેનાની ક્ષમતા વિસ્તરણ ઉપર છે. ભારતીય વાયુસેનાનાં એરમેન ફ્રાન્સમાં વિમાન ઉડાડવાથી માંડીને સારસંભાળ સહિતની તાલીમ મેળવી રહ્યા છે.
આ પૂર્વે રાજનાથ ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંને પણ મળ્યા હતાં. તેમના વચ્ચે એલ્સી પેલેસમાં આશરે 3પ મિનિટ સુધી બેઠક ચાલી હતી. આ બેઠક બાદ સંરક્ષણ સચિવ અજય કુમારે જણાવ્યું હતું કે ભારત અને ફ્રાન્સ વચ્ચે બહુક્ષેત્રીય સંબંધો છે અને તેમાં પ્રગતિ પણ થઈ રહી છે. આજે બન્ને દેશ વચ્ચે થયેલો સંવાદ પણ રચનાત્મક દૃષ્ટિએ મહત્વનો રહ્યો છે. 
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer