‘કોઇપણ સમયે યુદ્ધ માટે સજ્જ’

‘કોઇપણ સમયે યુદ્ધ માટે સજ્જ’
હવાઇ શોમાં અભિનંદને ઉડાવ્યું મિગ-21

નવી દિલ્હી, તા. 8 : દેશના 87મા એરફોર્સ દિને નવા વાયુસેના વડા રાકેશકુમાર ભદૌરિયાએ કહ્યું કે, આતંકી હુમલાનો સામનો કરવા માટે સરકારનું જે વલણ હતું તેમાં હવે બદલાવ આવ્યો છે. બાલાકોટ એરસ્ટ્રાઇકનો ઉલ્લેખ કરતાં ભદૌરિયાએ કહ્યું કે તેની વ્યૂહાત્મક પ્રાસંગિક્તા આતંકવાદીઓને સજા આપવાના રાજકીય નેતૃત્વના સંકલ્પને દર્શાવે છે. તેમણે કહ્યું હતું કે, અમે કોઇપણ સમયે દ્ધુ માટે સજ્જ છીએ. હવાઇ કરતબ સમયે અભિનંદને મિગ-21ની ઉડાન ભરી ત્યારે રોમાંચિત લોકોએ તાળીઓ વગાડી તેનું અભિવાદન કર્યું હતું. ભારતીય હવાઇ દળના સ્થાપના દિવસની આજે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હવાઈ દળના વિમાનો અને હેલિકોપ્ટરોએ દિલધડક પરાક્રમો યોજીને રોમાંચક વાતાવરણ સર્જી દીધું હતું. ગાજિયાબાદના હિંડન એરબેઝ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સૌથી ખતરનાક યુદ્ધ હેલિકોપ્ટર અપાચેની ગર્જના સાંભળવા મળી હતી. આ ઉપરાંત ચીનુક હેલિકોપ્ટર, તેજસ વિમાન પણ જોવા મળ્યા હતા. મિગ-21 બાદ તેજસે પોતાના પરાક્રમો દર્શાવ્યા હતા. આ કાર્યક્રમમાં તમામનું ધ્યાન અભિનંદન વર્ધમાને ખેંચ્યું હતું. અભિનંદને મિગ-21 ઉડાવ્યું ત્યારે લોકો રોમંચિત થઇ ગયા હતા. બાલાકોટ હવાઈ હુમલામાં સામેલ રહેલી ટુકડીને સન્માનિત કરવામાં આવી હતી. હવાઈ દળના સ્થાપના દિવસ પ્રસંગે જવાનોને સંબોધતાં ભદોરિયાએ કહ્યું હતું કે, હવાઈ દળ દેશની સામે રહેલા પડકારોને સફળતાપૂર્વક પાર પાડવા માટે સંપૂર્ણપણે સજ્જ છે.
તેમણે ઉમેર્યું હતું કે, તમામ હવાઇ દળના જાંબાજો તરફથી તેઓ રાષ્ટ્રના લોકોને વિશ્વાસ અપાવવા માગે છે કે આસમાનમાં પણ દેશની સુરક્ષાને જાળવી રાખવા માટે અમારી સેના સંપૂર્ણપણે સજ્જ છે.  તેમણે કહ્યું હતું કે, પઠાણકોટમાં હવાઇ દળના હેડક્વાર્ટર પર થયેલા ત્રાસવાદી હુમલાને ધ્યાનમાં લઇને કોઇપણ પડકારને પહોંચી વળવા માટે હવાઇ દળના સ્થળોની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer