સૌથી વધુ ચંદ્ર ધરાવતો ગ્રહ શનિ

સૌથી વધુ ચંદ્ર ધરાવતો ગ્રહ શનિ
વોશિંગ્ટન, તા.8: શનિ ફરતે વીસ નવા ચંદ્ર હોવાનું શોધી કાઢવામાં આવ્યું છે અને તે સાથે વલયો ધરાવતા આ ગ્રહના ચંદ્રની કુલ સંખ્યા 82ની થયાનું વિજ્ઞાનીઓ જણાવે છે. ચંદ્રની સંખ્યા ધરાવવા બાબતે તે ગુરુના ગ્રહને ય ઓળંગી ગયો છે, જે 79 ચંદ્ર ધરાવે છે. શનિ એ સાચો મૂન કિંગ હોવાનું જાણી ખુશી થાય છે, એમ કાર્નેગી ઇન્સ્ટિટયુશન ફોર સાયન્સના ખગોળશાત્રી સ્કોટ શેપાર્ડે જણાવ્યું હતું.
ગુરુ પાસેના ચંદ્રની બહોળી સંખ્યાનું આશ્વાસન એ બાબતે છે કે આપણા સૌર મંડળનો સૌથી મોટો ગ્રહ ગુરુ સૌથી મોટો ચંદ્ર ધરાવે છે. ગુરુનો ગેનીમેડે નામનો ચંદ્ર પૃથ્વથી અર્ધા કદનો છે. તેનાથી વિપરીત શનિના ઉક્ત નવા વીસ ચંદ્ર  ટચુકડા કદના છે: તે દરેક ભાગ્યે જ પાંચ કિમીનો વ્યાસ ધરાવે છે.
શેપાર્ડ અને તેમની ટીમે શનિના આ નવા ચંદ્ર પકડી પાડવા હવાઈમાંના ટેલીસ્કોપનો ઉપયોગ કર્યો હતે. આશરે એકસો જેટલા તેથી ય નાના ચંદ્ર કદાચ શનિ ફરતે ભ્રમણ કરતા હશે, જે ખોળી કાઢવા હજી બાકી હોવાનું શેપાર્ડ જણાવે છે. ભવિષ્યમાં આથી ય ટચુકડા પદાર્થ જોવાને વધુ મોટા ટેલીસ્કોપની જરૂર પડશે એમ જણાવી શેપાર્ડ ઉમેરે છે કે શનિ વધુ દૂર આવેલો છે તે જોતાં ગુરુ કરતા શનિ ફરતેના લઘુ ચંદ્ર ખોળવાનું કપરું બને છે.
શનિના નવા ચંદ્ર પૈકીના 17 તો ગ્રહની વિરુદ્ધ દિશામાં ભ્રમણ કરે છે, જ્યારે બાકી ત્રણ શનિની દિશામાં જ ઘૂમી રહ્યા છે. તેઓ શનિથી એટલા દૂર છે કે એક ભ્રમણકક્ષા પૂર્ણ કરતા બેથી ત્રણ વર્ષ
લાગે છે.
આ ચંદ્રો એ ગ્રહ રચવામાં મદદરૂપ થતા પદાર્થના અવશેષના બનેલા છે, તેથી તેનો અભ્યાસ કરીને આપણે ગ્રહો શેના બન્યા છે તે જાણી શકશું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer