ગણેશોત્સવ બાદ મનપાએ લીધા ‘લાડુ’ના નમૂના !

ગણેશોત્સવ બાદ મનપાએ લીધા ‘લાડુ’ના નમૂના !
રાજકોટ તા.21 : મનપાની ફૂડ અને આરોગ્ય શાખાએ ગણેશ ઉત્સવની પૂર્ણાહુતિ બાદ હવે શહેરના વિવિધ સ્થળોએથી લાડુના નમૂના લેતા આશ્ચર્ય સર્જાયું છે.
શહેરમાં તાજેતરમાં જ ગણેશોત્સવની પૂર્ણાહુતિ થઈ છે. દુંદાળાદેવને સૌથી વધુ પસંદ એવા લાડુની પ્રસાદી ઠેર-ઠેર ધરવામાં આવી હતી અને હજારો લોકોએ એ પ્રસાદને આરોગ્યો હતો. લોકોના પેટમાં જે પ્રસાદ ગયો તે ખરેખર ખાવાલાયક હતો કે કેમ ? તે તો ભગવાન જ જાણે પરંતુ મોડે-મોડે હરકતમાં આવેલી મનપાની આરોગ્ય શાખાને છેક હવે શહેરના વિવિધ સ્થળોએથી મોતીચૂરના લાડુ સહિતની અન્ય ખાદ્ય સામગ્રીના નમૂના લેવાનું સુઝ્યું છે.
કોર્પોરેશનની યાદીમાં જણાવ્યાનુસાર ફૂડ અને આરોગ્ય શાખાની ટીમ દ્વારા તાજેતરમાં તાજેતરમાં જય બાલાજી ગૃહ ઉદ્યોગ, ઓમ ગૃહ ઉદ્યોગ, શિવ શિક્ત ગૃહ ઉદ્યોગ, સાક્ષી ગૃહ ઉદ્યોગ અને ગજાનંદ સોનપાપડી સહિતના પાંચ સ્થળોએથી મોતીચૂરના લાડુ તેમજ લીમડા ચોકમાં ગુરુકૃપા પેંડાવાળાને ત્યાંથી ચુરમાના લાડુના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગાંધીગ્રામના અરિહંત જાંબુ, નેમિનાથ સોસાયટીમાં લક્ષ્મી જાંબુ, વાણીયા વાડીમાં ગુરુકૃપા, શ્રીજી, શિવહરી, શિવ તેમજ શ્રદ્ધા સહિતની 8 દુકાનોમાંથી જાંબુના સેમ્પલ તથા રવેચી હોટેલમાંથી ભેંસના દૂધનો નમૂનો લઈને લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યો હતો.
ફરાળી ફૂલવડીનો નમૂનો ફેઈલ
રાજકોટ શહેરમાં દિવસેને દિવસે ખાદ્યવસ્તુઓમાં ભળેસેળનુ પ્રમાણ વધતું જઈ રહ્યું છે. નફો કમાવવાની લહાયમાં અમુક ધંધાર્થીઓ રીતસર જનઆરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે ત્યારે આવી જ એક ગુણવંતા વિહોણી ખાદ્યસામગ્રીના વેંચાણનો પર્દાફાશ થયો છે. તાજેતરમાં  મનપાની ફૂડ અને આરોગ્ય શાખા દ્વારા 150 ફૂટ રીંગ રોડ પર મહાદેવ માર્કાટિંગ નામની પેઢી દ્વારા બનાવવામાં આવતા ‘કટક બટક બ્રાન્ડ ફૂલવડી’નું સેમ્પલ લઇ વડોદરા ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું જ્યાં ફૂલવડીના પેકેટ પર બેચ નંબર તથા ન્યુટ્રિશન વેલ્યુ દર્શાવવામાં આવી ન હોય આ નમૂનો મિસબ્રાન્ડેડ હોવાનો રિપોર્ટ આવ્યો છે. આગામી દિવસોમાં સંબંધિત ધંધાર્થી સામે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ઓફ ઇન્ડિયાની જોગવાઈ અન્વયે દંડ અથવા કોર્ટ કેસ કરવામાં આવશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer