ગોંડલમાં એક કલાકમાં 3 ઈંચ: રામનગરમાં વીજળીથી યુવતીનું મૃત્યુ

ગોંડલમાં એક કલાકમાં 3 ઈંચ: રામનગરમાં વીજળીથી યુવતીનું મૃત્યુ
-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે છૂટીછવાઈ મેઘવર્ષા: ઉમેજમાં મકાન ધરાશાયી
 
રાજકોટ, તા.21: સૌરાષ્ટ્રમાં છૂટી છવાઈ છતાં તોફાની મેઘમહેર વરસી હતી. સાથે વીજળી પડવાની ઘટનાઓમાં એક યુવતીનું મૃત્યુ તથા શાળાના મકાનને નુકશાનના અહેવાલ છે. ઉમેજ ગામે એક મકાન ધરાશાયી થયું હતું. ગોંડલમાં 1 કલાકમાં 3 ઈંચ, અમરેલી જિલ્લામાં દોઢ ઈંચ વરસાદ પડયાનું જાણવા મળે છે.
અમરેલી: જિલ્લામાં આજે રાજુલા તેમજ ખાંભા પંથકમાં ધોધમાર દોઢ ઈંચ વરસાદ પડયો હતો. જ્યારે જાફરાબાદમાં પોણો ઈંચ અને અમરેલીમાં હળવા ઝાપટાં પડયાં હતાં.
ગોંડલ: ગઈકાલે બે ઈંચ વરસાદ પડયા બાદ આજે બપોરે એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ પડી જતાં કોલેજ ચોક, સેન્ટ્રલ સિનેમા, જે કે ચોક, ગુલમહોર રોડ, ખટારા સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાયા હતાં.
મોરબી : આજે સાંજે શહેરમાં વાદળછાંયા વાતાવરણ વચ્ચે 15 મિનિટ વરસેલા ઝાપટાએ રસ્તા ભીના કર્યા હતાં. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ઝાપટા પડયાના અહેવાલ છે.
ધોરાજી: બપોર સુધી ભારે ઉકળાટ અને ગરમી અનુભવાયા બાદ દોઢ થી અઢી વાગ્યા સુધીમાં ધોરાજી તેમજ આસપાસના વિસ્તારોમાં એક ઈંચ વરસાદ વરસી ગયો હતો.
ખંભાળિયા: દિવસભરના અસહ્ય બફારા બાદ સાંજે ઘટાટોપ વાદળો સાથે વરસાદી ઝાપટાં વરસતા માર્ગો પર પાણી ફરી વળ્યાં હતાં. પરંતુ સરકારી ચોપડે માત્ર 2 મીમી વરસાદ નોંધાયો હતો.
વીજળી પડતા મૃત્યુ
ખંભાળિયા નજીકના રામનગર વાડી વિસ્તારમાં રહેતા ક્રિષ્નાબહેન પરેશભાઈ રાઠોડ નામની 25 વર્ષની યુવતી પર વીજળી ત્રાટકતા તેનું મૃત્યુ થયું હતું.
ઉના: ગીર-સોમનાથ જિલ્લા પર આજે હળવી ભારે મેઘમહેર જોવા મળી હતી. દ્રોણેશ્વર ડેમ વધુ એક વખત છલકાયો હતો. રાવલ ડેમમાં પાણીની આવક ઉભરાઈ હતી. ઉનાના ગ્રામ્ય પંથકમાં જોરદાર વરસાદ પડયો હતો. જેમાં ઉમેજમાં એક મકાન ધરાશાયી થયાનું જાણવા મળે છે. જો કે કોઈ જાનહાની થઈ નથી.
લીલિયાના ભેસાણની શાળા પર વીજળી પડી: જાનહાની ટળી
અમરેલી જિલ્લાના સાવરકુંડલા-લીલિયા તાલુકાના ભેંસાણ ગામે પ્રાથમિક શાળામાં ચાલુ શિક્ષણકાર્યએ વીજળી પડી હતી. જો કે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ શાળાનું બિલ્ડીંગ ક્ષતિગ્રસ્ત થયું હતુ અને વીજ ઉપકરણો બળી ગયાં હતાં. સ્થાનિક ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત, જિલ્લા પંચાયત સદસ્ય ભેડા સહિત તંત્રએ સ્થળ મુલાકાત લીધી હતી.
બપોરે એકાદ વાગ્યા આસપાસ શિક્ષણ કાર્ય ચાલુ હતું તે સમયે ભારે ધડાકો થતા વિદ્યાર્થીઓ અને સ્કૂલ સ્ટાફ દોડીને બહાર નીકળી ગયો હતો. ચાલુ વરસાદે લીમડાના ઝાડ પરથી ધૂમાડો નીકળી રહ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા શિક્ષણઅધિકારીની કચેરી સહિત તંત્ર અને ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત અને અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય કેહુરભાઈ ભેડા સહિતના અગ્રણી દોડી આવ્યાં હતાં. કોઈ જાનહાની થઈ ન હતી.
જેસરમાં કાચું મકાન પડી જતાં એક જ પરિવારના પાંચને ઈજા
ગ્રામ પંચાયતે તાલુકા વિકાસ અધિકારીને પત્ર પાઠવી મુખ્ય બજારમાં આવેલું જેઠવા પદ્માબેન ધીરૂભાઈની માલિકીનું કાચું મકાન વરસાદના કારણે પડી જવાથી પાંચને ઈજા થઈ હતી.
આ કાચું મકાન ગઈકાલે રાત્રે પડી ગયું હતું, જેમાં પદ્માબેન ધીરૂભાઈ, ધીરૂભાઈ રવજીભાઈ, અનિતાબેન ધીરૂભાઈ, નરશીભાઈ ધીરૂભાઈ અને પરેશભાઈ ધીરૂભાઈને ઈજા થઈ હતી. આ ઈજાગ્રસ્તોને હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયા છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer