મગફળીનો પાક 32 લાખ ટન થશે

મગફળીનો પાક 32 લાખ ટન થશે
-વરાપ નીકળે તો ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન વધીને બમણું થવાની આશ
-ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટેક હોલ્ડરની બેઠકમાં ગાવિંદભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરાયો અંદાજ
 
 
રાજકોટ.તા. 21 : વરસાદ ખમૈયા કરે અને હવે તડકો નીકળે તો  ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન પાછલા વર્ષની સરખામણીમાં બમણું વધીને 32 લાખ ટન થઈ શકે એવું પૂર્વાનુમાન જીજીએન રિસર્ચના ચેરમેન ગાવિંદભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું હતું.  ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટેક હોલ્ડરનો એક કાર્યક્રમ રાજકોટમાં યોજાયો હતો, એમાં તેમણે દેશમાં કુલ 50 લાખ ટન મગફળી પાકશે એમ જણાવ્યું હતું.
ગાવિંદભાઈએ પાકના અંદાજ અંગે વધુમાં કહ્યું હતું કે, પાછલા વર્ષે 16 લાખ ટન મગફળી ગુજરાતમાં પાકી હતી. જ્યારે દેશમાં 37 લાખ ટન મગફળીનો પાક આવ્યો હતો. ગુજરાતમાં વરસાદ હજુ પણ ચાલુ છે, હજુ વધુ સમય ચાલુ રહે તો પાકમાં નુકસાન થઈ શકે. પાક 30 લાખ ટન સુધી સીમિત રહી શકે. પાકને હવે તડકાની જરૂર છે. તડકો નીકળે તો ગુજરાતનું ઉત્પાદન 32 લાખ ટન સુધી પણ પહોંચી શકે
એમ છે.
ઉલ્લેખનીય છેકે સૌરાષ્ટ્રના આગેવાન વેપારીઓ અને નિકાસકારોએ મગફળીના પાકનો અંદાજ 25-30 લાખ ટન આસપાસ આપ્યો છે. કેટલોક વર્ગ વધુ પડતા વરસાદને કારણે પાકને નુકસાન થવાનું કહીને પાકના 30 લાખ ટનના અંદાજ સાથે સહમત નથી. જોકે પાક પાછલા વર્ષ કરતા ઘણો વધારે રહેશે એ નક્કી માનવામાં
આવે છે.
આ વર્ષે વરસાદ/પાણી સારા થયા છે. નદીનાળાં છલકાઈ ગયા છે. પાણીની હવે અછત નથી ત્યારે ઉનાળુ મગફળીનો પાક પણ દેશમાં કુલ મળીને 15 લાખ ટન સુધી જઈ શકે છે. પાછલા વર્ષ માં 11 લાખ ટનનું ઉત્પાદન
થયું હતું.
તેમણે દેશમાં સોયાબીનના પાકનો અંદાજ 90 લાખ ટનનો આપ્યો હતો. પાછલા વર્ષે સોયાબીનનું ઉત્પાદન 103 લાખ ટનનું થયું હતું. રાયડાનો પાક પણ વધીને 80 લાખ ટન થવાની ધારણા તેમણે મૂકી હતી.
 
 
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer