ભારતીય ક્રિકેટરોનાં ભથ્થાં બે ગણાં વધ્યાં !

ભારતીય ક્રિકેટરોનાં ભથ્થાં બે ગણાં વધ્યાં !
  પ્રશાસક સમિતિનો ફેંસલો : રોજના 125ના સ્થાને 250 ડોલર : પસંદગીકારોના ભથ્થાંમાંયે વધારો
મુંબઈ, તા. 21 : વિદેશ પ્રવાસ પર ભારતીય ટીમના ક્રિકેટરોને મળતા દૈનિક ભથ્થાંમાં જંગી વધારો કરવાનો ફેંસલો કરાયો છે.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની પ્રશાસકોની સમિતિ (સીઓએ)એ ખેલાડીઓને વિદેશ પ્રવાસમાં મળતા દૈનિક ભથ્થાંમાં બમણો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો.
સમાંતરે ક્રિકેટરોને ભારતમાં રમાતી આંતરરાષ્ટ્રીય શ્રેણીઓમાં મળતા ભથ્થામાં પણ વધારો કરાયો છે.
પહેલા ભારતીય ખેલાડીઓને 100 ડોલરની ભારતીય કિંમતમાં ભથ્થા ચૂકવાતા, પરંતુ ડોલરની કિંમતમાં રોજના ઉતાર-ચડાવને ધ્યાને લેતાં ખેલાડીઓને રોજ 7500 રૂપિયા આપવાનો ફેંસલો કરાયો હતો. વિદેશ પ્રવાસોમાં રોજના 125 ડોલર અપાતા હતા, પરંતુ હવેથી 250 અમેરિકી ડોલર અપાશે. આ ખર્ચ બિઝનેસ ક્લાસની યાત્રા, રહેવા, લોન્ડ્રીના ખર્ચથી ઉપરાંતનો મળશે. ચાલુ સદીની શરૂઆતથી અત્યાર સુધીમાં ભારતીય ખેલાડીઓના દૈનિક ભથ્થામાં એક હજાર ગણો વધારો થઈ ચૂક્યો છે.
સાથોસાથ પસંદગીકારોના રોજનાં ભથ્થાંમાં પણ તેટલો જ વધારો કરાયો છે. અત્યાર સુધી 3500 રૂપિયા મળતા હતા. હવે બમણાથીયે વધુ એટલે કે, રોજના 7500 રૂપિયા મળશે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer