‘હાઉડી મોદી’ અમેરિકા સાથે વેપારનો સેતુ

‘હાઉડી મોદી’ અમેરિકા સાથે વેપારનો સેતુ
હ્યુસ્ટનમાં આજે રાત્રે મોદી સાથે ટ્રમ્પનું સંબોધન : તાણ દૂર કરવાના પગલાં જાહેર  થઇ શકે છે  : ભારતીયોમાં ઉત્સાહ
 
નવી દિલ્હી, તા. 21 : અમેરિકાના હ્યુસ્ટનમાં આવતીકાલે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘હાઉડી મોદી’ મેગા રેલીના  માધ્યમથી  50 હજારથી વધુ ભારતીય અમેરિકી સમુદાયના લોકોને સંબોધન કરશે, ત્યારે  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ  ટ્રમ્પ પણ તેમની સાથે મંચ પર જોડાશે. આ બેઠક બાદ વેપાર અંગે બંને દેશો વચ્ચે કોઇ ફેંસલો થઇ શકે છે.
ભારતીય સમય અનુસાર રવિવારની રાત્રે સાડા આઠ વાગ્યે ‘હાઉડી મોદી’ રેલીને ભારતના વડાપ્રધાન સંબોધન કરશે.
ભારત અને અમેરિકા વચ્ચે વેપારનાં ક્ષેત્રે તાજેતરમાં સંબંધોમાં વધેલી તાણને દૂર કરવાની દિશામાં મોદી અને ટ્રમ્પ કોઇ મોટાં પગલાંનું એલાન કરી શકે છે.
હકીકતમાં, અમેરિકા અને ભારત વચ્ચે એક સીમિત વેપાર સમજૂતીને લઇને ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચા બાદ થનારી સમજૂતી પર બંને નેતા સપ્ટેમ્બરના જ અંત સુધીમાં હસ્તાક્ષર કરી શકે છે.
રવિવારની રેલી અને મોદી-ટ્રમ્પની બેઠક બાદ અમેરિકાની ભારતમાં આવતી કેટલીક વસ્તુઓ પર શુલ્ક ઘટી શકે છે, તો કેટલીક ભારતીય વસ્તુની અમેરિકામાં નિકાસને મહત્ત્વ આપતી વ્યવસ્થા પુન: બહાલ થશે.
ટ્રમ્પે ભારત પાસેથી અમેરિકાની ટોચની કંપનીઓ માટે બહેતર વેપારની શરતની માંગ કરી છે. ગત વર્ષે અમેરિકાનો ભારત સાથે દ્વિપક્ષી વેપાર 142 અબજ ડોલરનો રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, જૂનમાં જાપાનમાં જી-20 અને પછી ફ્રાન્સમાં જી-7 બાદ તાજેતરના ગાળામાં મોદી અને ટ્રમ્પ વચ્ચે કાલે ત્રીજી મુલાકાત થશે. આ મુલાકાત પાકિસ્તાનને મોટા ઝટકા તરીકે જોવાય છે.
 
 
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer