વિક્રમ સાથે સંપર્કની કોઇ સંભાવના નથી : ઇસરોનું ધ્યાન હવે ગગનયાન ઉપર

વિક્રમ સાથે સંપર્કની કોઇ સંભાવના નથી : ઇસરોનું ધ્યાન હવે ગગનયાન ઉપર
-ચંદ્ર ઉપર ઘેરી રાત શરૂ થતાં વિક્રમની સ્થિતિ આવતા મહિને જાણવા મળશે
બેંગલુરુ, તા.21: ચંદ્રમાના દક્ષિણધ્રુવ વિસ્તારમાં હાલ કાળી ઘેરી રાત છવાઇ ગઇ છે. ભારતના મહત્વાકાંક્ષી ચંદ્ર મિશન ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમ સાથે સંપર્કની તમામ આશાઓ હાલ તો ખતમ થઇ ગઇ છે. વિક્રમ સાથે સંપર્ક તૂટયા બાદ 14 દિવસ સુધી લોકો ફરીથી સંપર્ક જોડવાની આશા રાખીને બેઠાં હતાં પણ શનિવારથી ચંદ્રમાં ઉપર રાત શરૂ થવાથી હવે સંપર્કની તમામ સંભાવનાઓ પૂરી થઇ ગઇ છે.
અનેક પ્રયાસો છતાં વિક્રમ સાથે સંપર્ક ન થવાથી હવે એ સવાલ લોકોના મનમાં જાગી રહ્યો છે કે ચંદ્રમાની સવારી ઉપર બેજાન પડેલા વિક્રમની સ્થિતિ શું હશે? ચંદ્રમાની સપાટી ઉપર શૂન્યથી નીચે માઇનસ 173 સેન્ટીગ્રેડ જેટલી જમાવી દેતી ઠંડી સહન કરીને વિક્રમની સ્થિતિ શું હશે? આ બધાં પ્રશ્નોનો જવાબ ‘નાસા’ આવતા  મહિને આપી શકે છે.
અમેરિકન અંતરીક્ષ એજન્સી ‘નાસા’ના લ્યુનાસ રીકોનસંસ ઓર્વિટર (એલઆરઓ)ના પ્રોજેકટ સાયન્ટીસ નોઆ ઇ પેટ્રોએ કહ્યું હતું કે, એલઆરઓ 17 સપ્ટેમ્બરે એ સ્થળ ઉપરથી પસાર થયું હતું જ્યાં વિક્રમ લેન્ડર ઉતર્યું હતું. ત્યારે ચંદ્રમા ઉપર સાંજ પડી રહી હતી અને અંધારાએ ચંદ્રના મોટા વિસ્તારને આવરી લીધો હતો. એલઆરઓએ લેન્ડિંગ સાઇટની તસવીર લીધી હતી પણ વિક્રમના પડવાની અસલ જગ્યાની ખબર નહોતી એટલે કેમેરો સ્પષ્ટ તસ્વીર લઇ શકયો નહોતો.
પેટ્રોએ જણાવ્યું હતું કે, હાલ તાજી લેટેસ્ટ તસ્વીરોની તપાસ ચાલી રહી છે. નાસાનું એલઆરઓ હવે 14મી ઓકટોબરે લેન્ડિંગ સાઇટ ઉપરથી ફરીથી પસાર થશે તે સમયે ચંદ્ર ઉપર દિવસ હશે અને સારી તસ્વીરો લઇ શકાશે. ‘નાસા’ 17 ઓકટોબરથી તસવીરોની તપાસ પછી જલ્દી તેનું પરિણામ વિશ્વને દર્શાવશે.
‘ઇસરો’ની સાથે સમગ્ર દેશને એવી આશા હતી કે લેન્ડર વિક્રમ સાથે સંપર્ક થઇ શકશે પણ શનિવારે બપોર બાદ ચંદ્ર ઉપર રાત પડવાની શરૂઆત સાથે જ બધી ઉમ્મીદો ખતમ થઇ ગઇ. ‘ઇસરો’ના વડા કે.સિવને પણ જણાવ્યું કે, વિક્રમ સાથે સંપર્ક નથી થઇ શકયો અને એજન્સીનું ધ્યાન હવે ભારતના સ્પેશ મિશન ‘ગગનયાન’ ઉપર છે. સિવનના આ નિવેદનથી એવું માની શકાય કે હવે વિક્રમ સાથે સંપર્કની કોઇ સંભાવના નથી.
 
 
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer