7 વર્ષમાં સીમા પર 90 સુરક્ષાકર્મી શહીદ

7 વર્ષમાં સીમા પર 90 સુરક્ષાકર્મી શહીદ
ગૃહમંત્રાલયે આપી માહિતી: કાશ્મીર સરહદે સાત વર્ષમાં 6942 વખત ગોળીબાર
નવી દિલ્હી, તા. 21 : સરહદ પર છેલ્લા સાત વર્ષમાં ગોળીબાર અને યુદ્ધવિરામ ભંગની કેટલી ઘટનાઓ બની તે સંબંધે મહત્ત્વની જાણકારી સામે આવી છે, જેને ગૃહમંત્રાલયે જાહેર કરી છે.
જાહેર થયેલી માહિતી મુજબ આ વર્ષમાં સીમપાર ગોળીબાર અને યુદ્ધવિરામ ભંગના 6942 મામલા સામે આવ્યા છે. આ ઘટનાઓમાં 90 સુરક્ષાકર્મી શહીદ અને 454 ઈજાગ્રસ્ત થયા હતા. આ જાણકારી ભારત સરકાર દ્વારા એક્ટિવિસ્ટ ડો. નૂતન ઠાકુરને આપવામાં આવી છે. તેમણે આ માહિતી આપી હતી.આપવામાં આવેલી માહિતી મુજબ વર્ષ 2013થી ઓગસ્ટ 2019ની વચ્ચે જમ્મુ કાશ્મીરની અંકુશરેખા તથા આંતરરાષ્ટ્રીય સીમા પર 6942 સીમાપારથી ગોળીબાર અને યુદ્ધવિરામ ભંગની ઘટનાઓ બની છે. નૂતને 2013થી અત્યાર સુધીમાં પાકિસ્તાન દ્વારા આંતરાષ્ટ્રીય સરહદ પર કરવામાં આવેલા હુમલા અને ગોળીબારની જાણકારી આપી હતી. ઘટનાઓમાં શહીદ અને ઈજાગ્રસ્ત થયેલા સુરક્ષાકર્મીઓની જાણકારી પણ માગવામાં આવી હતી. ગૃહમંત્રાલયના માહિતી અધિકારી સુલેખા દ્વારા આપવામાં આવેલી જાણકારીમાં એમ પણ બતાવવામાં આવ્યું કે, આ સમયમાં સેના તથા સીમા સુરક્ષા દળના 90 સુરક્ષાકર્મી શહીદ થયા, જ્યારે 454 ઈજાગ્રસ્ત થયા છે. સૌથી વધુ 2140 ઘટનાઓ વર્ષ 2018માં થઈ, જ્યારે ઓગસ્ટ 2019 સુધી 2047 અને વર્ષ 2017માં 971 હુમલા થયા.
 વર્ષ 2013માં 347 અને વર્ષ 2014માં 53 હુમલા થયા હતા.
સુરક્ષા કર્મચારીઓ માટે સૌથી ખરાબ વર્ષ 2018નું રહ્યું હતું. જેમાં 290 શહીદ થયા હતા.
 જ્યારે 116 ઈજાગ્રસ્ત થયા હતા. વર્ષ 2016માં 112 સુરક્ષાકર્મી તથા વર્ષ 2017માં અત્યાર સુધી 91 સુરક્ષાકર્મી હતાહત થયા હતા. વર્ષ 2013માં 38 તથા 2014માં 33 સુરક્ષાકર્મી શહીદ થયા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer