ધ્રાંગધ્રામાં ગર્ભ પરીક્ષણ કરતો તબીબ ઝડપાયો

જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓનો દરોડો
એજન્ટ મારફત કામ કરતો’તો
ધ્રાંગધ્રા, તા.ર1 : ધ્રાંગધ્રામાં ખાનગી હોસ્પિટલ ધરાવતા અને અગાઉ પણ ગર્ભ પરીક્ષણ સહિતના મામલે ચર્ચાસ્પદ બનેલા તબીબને જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરાવવા સબબ ઝડપી લીધો હતો. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત એવી છે કે, ધ્રાંગધ્રામાં હોસ્પિટલ ધરાવતો તબીબ પ્રજ્ઞેશ ખેડાવાલા તેની હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરાવતો હોવાની માહિતીના આધારે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી પી.કે. પરમાર તથા
સ્ટાફે છટકું ગોઠવ્યું હતું અને એક મહિલાને તૈયાર  કરી તબીબ પ્રજ્ઞેશ ખેડાવાલાની હોસ્પિટલે
ગર્ભ પરીક્ષણ માટે મોકલવામાં આવી હતી.
આથી તબીબ પ્રજ્ઞેશ ખેડાવાલાએ તેના એજન્ટને મળી લેવાની વાતચીત કરી હતી અને એજન્ટે રૂ.રર હજાર નક્કી કરી ગર્ભ પરીક્ષણ માટેનો સમય નક્કી કરી મહિલાને ગર્ભ પરીક્ષણ માટે બોલાવવામાં આવી હતી.
બાદમાં તબીબ પ્રજ્ઞેશ ખેડાવાલા દ્વારા મહિલાનુ ગર્ભ પરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી અને સ્ટાફે દરોડો પાડી તબીબ પ્રજ્ઞેશ ખેડાવાલાને ઝડપી લીધો હતો અને હોસ્પિટલમાં પરીક્ષણ મશીનને સીલ મારી દેવામાં આવ્યું હતું.
આ અંગે સૂત્રોના જણાવ્યા મુજબ તબીબ પ્રજ્ઞેશ ખેડાવાલ એક વર્ષ પહેલા પરપ્રાંતીય મહિલાની ડીલીવરી કરાવ્યા બાદ જન્મ થયેલા જીવીત બાળકને મૃત જાહેર કરી બાળકને પોતાના કબજામાં રાખ્યાના મામલે ફસાઇ ચુકયો છે તેમજ ઘણા સમયથી એજન્ટ મારફત આ કારોબાર ચલાવવામાં આવતો હતો. આ મામલે આરોગ્ય અધિકારી તથા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer