દરગાહ અને મંદિર પર બુલડોઝર ફરતા વેરાવળ અજંપો

દરગાહ અને મંદિર પર બુલડોઝર ફરતા વેરાવળ અજંપો
અનેક વખત નોટિસ આપી હનુમાનજી મંદિર અને દરગાહની પેશકદમી દૂર કરાતા લોકોમાં રોષ
વેરાવળ, તા.21: સંવેદનશીલ વેરાવળમાં શુક્રવારની મધ્યરાત્રીના પ્રાંત અધિકારીની આગેવાનીમાં તંત્રે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી દરગાહ અને હનુમાનજી મંદિર પર બુલડોઝર ફેરવી દેતાં આજે વ્હેલી સવારથી શહેરમાં અજંપાભર્યો માહોલ ફેલાયો હતો. સવારે ચોપાટી ખાતે એક તબક્કે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાતા સહેજમાં અટકી હતી. જો કે, તંત્રએ સંવેદનશીલ શહેરની કાયદો વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને લઈ સવારથી જ જિલ્લાભરની પોલીસ ખડકી દઇ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હોવાથી દિવસભર કોઇ અનિચ્છનીય ઘટના બની ન હતી. તો બપોર બાદ શહેરની અમુક બજારો અંશત: બંધ રહ્યા બાદ સાંજે ફરી ખુલી ગઇ હતી.
સંવેદનશીલ વેરાવળ-સોમનાથ શહેરમાં છેલ્લા ત્રણેક માસથી પ્રાંત અધિકારી નીતિન સંગવાને દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી શહેરમાં મુખ્ય માર્ગો પરની રેંકડીઓ, કેબીનો, ઓટલા અને છાપરા જેવી પેશકદમીઓ દૂર કરવાની કામગીરી કરાવી રહ્યા છે. આ કામગીરી અંતર્ગત અનેક પેશકદમી ધારકોને તંત્રએ અગાઉથી નોટિસ પાઠવી સ્વૈચ્છીક દૂર કરવા અપીલ કરી હતી. જેમાં અનેક ધાર્મિક સ્થળોએ પણ પેશકદમી થઇ હોય જે તમામને પણ તંત્રે નોટિસો પાઠવી અપીલ કરી હતી. દરમિયાન એકાએક શહેરમાં ચોપાટી ખાતે કોસ્ટગાર્ડની ઓફિસ સામે આવેલ દરગાહ અને કે.કે.મોરી સ્કૂલ પાછળ રીંગરોડ પરના હનુમાન મંદિર પર શુક્રવારની મધ્યરાત્રીના પેશકદમી દૂર કરવાના પ્રાંત અધિકારી સાંગવાનની આગેવાનીમાં બુલડોઝર ફેરવી દઇ બંન્ને ધાર્મિક સ્થળો જમીનદોસ્ત કરી દીધા હતાં. આ અંગેની જાણ થતાં હિન્દુ  અને મુસ્લિમ સમાજના સંગઠનોમાં ઉગ્ર રોષનો માહોલ છવાયેલો જોવા મળતો હતો. શહેરમાં તમામ શાળાઓમાં સવારની પાળીમાં સ્કૂલે ગયેલા બાળકોના વાલીઓને પરત લઇ જવા સ્કૂલ મેનેજમેન્ટ તરફથી જાણ કરી રજા આપી દેવાઇ હતી.
સંવેદનશીલ જોડિયા શહેરમાં બન્ને હિન્દુ-મુસ્લિમ સમાજના સંગઠનોમાં તંત્રે કરેલ કાર્યવાહી સામે ઉકળતાં ચરૂ સમાન ઉગ્ર રોષ પ્રવર્તેલ જોવા મળતો હતો. જેમાં ચોપાટીની દરગાહ ખાતે મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઇ દિવસભર બંદગી કરી રહ્યા હતા. તો હનુમાન મંદિરના સ્થળે હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઇ દિવસભર રામધૂન બોલાવી હતી. આજે સવારથી જ શહેરની બજારોમાં અજંપાભર્યો માહોલ પ્રવર્તેલ દરમિયાન બપોરે તંત્રની કામગીરી સામે બજારો બંધ અંશત: બંધ રહ્યા બાદ મોડી સાંજે ફરી ખુલી ગઇ હતી.
શહેરમાં કોઇ અનિચ્છીનીય ઘટના ન બને તે માટે પ્રાંત અધિકારીએ બંન્નેસમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક બોલાવેલી હતી. જો કે, બેઠકનો આગેવાનોએ બહિષ્કાર કર્યો હોય તેમ એકાદ સમાજના આગેવાનોને બાદ કરતા મોટાભાગના સમાજના આગેવાનો બેઠકમાં આવ્યા ન હતા.
સંવેદનશીલ જોડિયા શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં તે માટે જિલ્લાભરની પોલીસના ધાડેધાડાં ઉતારી દેવાયા હતા. જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી, એએસપી અમીત વસાવાએ અગમચેતીના ભાગરૂપે વ્હેલી સવારથી જ ડીમોલીસન કરાયેલા બંન્ને ધાર્મિક સ્થળો ઉપરાંત શહેરના સંવેદનશીલ પોઇન્ટો અને વિસ્તારોમાં પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઇ રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ ચાલુ કરાવ્યું હતું.
મજબુરીવશ ધાર્મિક દબાણો દૂર કરવા પડયા : નાયબ કલેકટર
આ બાબતે પ્રાંત અધિકારી નીતિન સાંગવાને જણાવેલું કે, દબાણોવાળા અનેક ધાર્મિક સ્થળોને તંત્રે અનેકવાર નોટિસો આપી સ્વૈચ્છીક રીતે દબાણ દૂર કરવા કહ્યું હતુ. તે અંગે બન્ને સમાજના આગેવાનો સાથે બેઠક પણ કરી હતી. તેમ છતાં એક પણ સ્થળે દબાણ દૂર ન થયું હોવાથી તંત્રને મજબુરીવશ દબાણો તોડી પાડવાની ફરજ પડી હતી. બન્ને શહેરમાં પેશકદમીવાળા 15 જેટલા ધાર્મિક સ્થળોને નોટિસ આપી હોય જેની સામે પણ ક્રમશ: કાર્યવાહી કરાશે.
માલેતુજારના ગેરકાયદે બાંધકામો સામે લાજ કાઢતું તંત્ર
અત્રે નોંઘનીય છે કે, સંવેદનશીલ શહેરમાં પ્રાંત અધિકારી છેલ્લા  ત્રણ માસથી ચાલી રહેલ દબાણ હટાવ ઝુંબેશ અંર્તગત ફકત નાના વર્ગના લોકોની આજીવીકા સમાન કેબીન-લારી, દુકાનોના ઓટલા-છાપરાઓ દૂર કરવાની કાર્યવાહી કરી રહ્યંy છે. તંત્ર વ્હાલા-દવલાની નીતિથી કાર્યવાહી કરતું હોવાનો લોકો આક્ષેપ કરતા જણાવતા કે, શહેરમાં માલેતુજાર લોકોના ખડકાયેલા 100 થી વધુ ગેરકાયદેસર કોમર્શીયલ બાંધકામોને ડીમોલેસ કરવામાં તંત્ર લાજ કાઢી રહ્યંy છે. આ ગેરકાયદેસર બાંધકામો સામે ટીપી અધિકારીએ એક વર્ષ પૂર્વે સ્પષ્ટ અભિપ્રાય આપી દીધો હોવા છતાં શું કામ કાર્યવાહી કરવામાં આવતી નથી?
શહેરની શાંતિભંગ કરતી કાર્યવાહી અંગે ધારાસભ્યની મુખ્યમંત્રીને રાવ
વેરાવળ-સોમનાથમાં હિન્દુ -મુસ્લિમ સમાજના લોકો ભાઇચારાથી શાંતિના માહોલમાં રહે છે. દરમિયાન ગતરાત્રીના સમયે નાયબ કલેકટરે હિન્દુ અને મુસ્લિમ સમાજના આસ્થાના પ્રતિક એવા મંદિર અને દરગાહને તોડી શહેરની શાંતિમાં ભંગ કરી લાગણી દુભાવી છે. નાયબ કલેક્ટર નાના-મોટા ધંધાર્થીઓ અને વેપારીઓના છાપરા, ઓટલા જેવા દબાણો દૂર કરી હેરાન કરી કાયદાના નામે ડરાવી રહ્યા છે. જેથી આવા અધિકારીઓ સામે કાયદાકીય પગલાં લેવા સોમનાથના કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મુખ્યમંત્રીને પત્ર લખી માંગણી કરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer