ફાયરમેનની ભરતીમાં પાસ થવું ‘ટફ’ !

ફાયરમેનની ભરતીમાં પાસ થવું  ‘ટફ’ !
માત્ર ધો.3ની શૈક્ષણિક લાયકાત ધરાવતી 15 જગ્યા માટે ઉમેદવારે પ્રેક્ટીકલ ટેસ્ટ પાસ કરવી એટલે લોઢાના ચણા ચાવવા !
મનપા પાસે 3400 અરજીઓ આવી : તા.28-29ના પરીક્ષા
જનકસિંહ ઝાલા
રાજકોટ તા.20 : મનપાના ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ માટે ક્લીનર કમ જુનિયર ફાયરમેનની ભરતી માટેની પ્રેક્ટીકલ ટેસ્ટ આગામી તા.28 અને 29ના રોજ રાખવામાં આવી છે ત્યારે આ પરીક્ષાને લઈને જબરદસ્ત હરીફાઈ રહેશે જો કે, જેટલુ ધારીએ એટલી આ પરીક્ષા સફળ નથી. કુલ 15 જગ્યા માટે ધો.3ની શૈક્ષણિક લાયકાત રાખવામાં આવી છે અને 3400 આસપાસ અરજીઓ પણ આવી ચૂકી છે. અગાઉથી તાલીમબદ્ધ ઉમેદવારોના પાસ થવાના ચાન્સ સૌથી વધુ છે.
મ્યુનિ.તંત્ર દ્વારા ઘણા વર્ષો સુધી ફાયરબ્રિગેડમાં ભરતી કરાઈ ન હતી પરંતુ સૂરતની ઘટના બાદ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ફાયરમેનની ભરતી માટે શૈક્ષણિક લાયકાત કરતા શરીર સૌષ્ઠવને વધુ મહત્વ આપવામાં આવે છે. પ્રેક્ટીકલ ટેસ્ટમાં ઓછામાં ઓછી 5.5 ઈંચ ઉંચાઈ અને 50 કિલો વજન તેમજ છાતી 32 થી 34 ઈંચ હોવી જરુરી છે. પરીક્ષાર્થીએ 100 મીટર સ્વીમીંગ લેન્થ 150 સેકન્ડ (2.50 મિનિટ)માં પાર કરવાની રહેશે જેમાં પરફોર્મન્સના આધારે 10થી 100 માર્કસનો સ્કોર નક્કી કરાશે. આ લેન્થ 100 સેકન્ડથી ઓછા સમયગાળામાં જો કોઈ પૂર્ણ કરે તો તેને પૂરેપૂરા 100 માર્કસ મળશે.
સ્વીમીંગ ઉપરાંત ડીપ ડાઈવિંગ ટેસ્ટ યોજાશે જેમાં બોર્ડ ઉપરથી જમ્પ મારીને 24 ફૂટ ઉંડા પુલમાં પોતે પાણીની ઈટ નાખીને તેને એક જ વારમાં લઈ આવવાની રહેશે. રોપ ક્લાઈમ્બિંગમાં 20 ફૂટ ઉંચાઈ રાખેલા ટાર્ગેટને હાથના આધારે ટચ કરવાનો રહેશે.પગનો આધાર લેનાર નાપાસ જાહેર કરાશે. આ ઉપરાંત હોઝ પાઈપ (નોઝલ સાથે) સાથે લઈને 20 સેકન્ડમાં 100 મીટરની દોડ પૂર્ણ કરવાની રહેશે જેમાં પણ પરફોન્સ આધારે 10 થી 100 ગુણ નક્કી કરાયાં છે. આ દોડ 11 સેકન્ડથી ઓછા સમયગાળામાં પૂર્ણ કરનારને પૂરા 100 માર્કસ મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ફાયરબ્રિગેડમાં ફિક્સમાં માસિક પગાર 19500 અને ત્યાર બાદ બાદમાં છઠ્ઠા અને સાતમાં પગાર પંચ મુજબ 18,000થી લઈને 56,900 સુધીનો બેઝીક પગાર ચૂકવાય છે. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે મ્યુનિ.કમિશનરની સૂચનાથી વીડિયો રેકોર્ડીગ થશે.
વ્યસનની આદતે યુવાઓનું શરીર સૌષ્ઠવ બગાડયું છે !
ફાયરબ્રિગેડના અધિકારીઓ જણાવે છે કે, 3400 આસપાસ કોલ લેટર મોકલવામાં આવ્યાં છે છતાં આ પરીક્ષા પાર કરનારાની સંખ્યા 200 આસપાસ જ રહેશે અને તેઓના ગુણાંકના આધારે મેરિટ નક્કી કરાશે. મેરીટ પછી તેઓને તાલીમ આપવાનું શરૂ કરાશે. અધિકારીઓએ સ્વીકાર્યુ હતું કે, આજના યુવાનોમાં વધતી જતી વ્યસનની આદતના કારણે નાની ઉંમરે જ તેઓ પોતાના શરીર સાથે અન્યાય કરી રહ્યાં છે અને એટલા માટે જ પ્રેક્ટીકલ સંખ્યા પાસ કરનારા ઉમેદવારો ઘટી રહ્યાં છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer