દીકરીઓને ખાલી હાથે જવા દેવાય !

દીકરીઓને ખાલી હાથે જવા દેવાય !
વિદ્યાર્થિનીઓને શ્રમજીવી દાદાનો અપાર પ્રેમ મળે છે
રાજકોટમાં નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે કાટખૂણે નીચે રોડ પર એક મોચી દાદા બેસે છે. સ્કૂલે આવતી બાળાઓના બુટ સાંધી દે, પોલીશ કરી દે. થેલા ફાટયા હોય તો સીવી દે, એવું છૂટક કામ કરી ગુજરાન ચલાવે ત્યાં પોલીશ કરાવવાને ભાવ 10 રૂપિયા !!! ખૂબ જ વ્યાજબી કહેવાય કેમ કે બધે 20 રૂપિયા થઇ ગયા છે. પૂછયું કેમ 10 રૂપિયા જ તો દાદાએ જે જવાબ આપ્યો તે સાંભળી હું છક થઇ જવાયું તેવો હતો. દાદા કહે કે આ દીકરીયું ભણવા આવી હોય તેની પાસે પોતાના વાપરવાના પૈસા માંડ હોય એમાં હું વધારે પૈસા લઉં તો એમને નાસ્તો, ભાગ લેવા કે વાપરવામાં ખૂટે એટલે હું 10 રૂપિયા જ લઉં છું. આ વાતચીત ચાલતી હતી. દાદાની ફિલસુફી સમજવાનો પ્રયાસ થતો હતો ત્યાં જ સ્કૂલ છૂટી અને એક પછી એક બાળાઓ આવતી જાય, દાદાને આત્મિયતા પૂર્વક રામ રામ કરતી જાય અને પાસે પડેલા ડબ્બામાંથી પીપર લેતી જાય.
આ કંઇક અલગ  હતું એટલે દાદાને પૂછયું કે આ શું છે ? દાદા હસતા હસતા કહે કે દીકરીઓને ખાલી હાથ થોડી જવા દેવાય, બધી દીકરીઓને રોજ અહીં પીપર ખાવાની ટેવ પડી ગઇ છે. દાદા શ્રમજીવી છે એ કોઇ એટલા અમીર નથી કે રોજ એક મોટી કોથળી ભરીને પીપર પૂરી કરી નાખે પણ તો ય એ છૂટથી પીપરની લહાણી કરે. દાદા પાસે પીપર પણ ના ખૂટે અને વ્હાલ પણ... અને છેલ્લે કહે શું સાથે લઇ જાવું છે ??? હવે આનો કોઇ જવાબ ખરો ! એમની ઉદારતાને સલામ... એમના મનોબળને પ્રણામ.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer