નિવૃત્ત પોલીસની પાર્ટીના દરોડામાં 30 પકડાયાં: દસ પીધેલા હતાં

નિવૃત્ત પોલીસની પાર્ટીના દરોડામાં 30 પકડાયાં: દસ પીધેલા હતાં
નિવૃત્ત ડીવાયએસપી, એએસઆઇ સહિતની ધરપકડ પછી જામીન પર: કોને બચાવવા પ્રયાસ ચાલે છે ?
રાજકોટ, તા. 20 : રાજકોટ નજીક કુવાડવા રોડ પર ક્રિષ્ના વોટર પાર્કની મહેફીલમાંથી નિવૃત્ત ડીવાયએસપી, એએસઆઇ, પોલીસમેન સહિત 30 પકડાયા હતાં. જો કે, માત્ર દસ શખસે જ નશો કર્યાનું ખુલ્યું હતું.જ્યારે પોલીસને જોઇને વોટર પાર્કની દીવાલ કૂદીને નાસી ગયેલા શખસોની ભાળ મેળવવા વોટર પાર્કના સીસીટીવી કેમેરાનું ડીવીઆર કબજે કરાયું છે. નાસી ગયેલા શખસો પૈકીના પાંચને શોધીને તેના લોહીના નમૂના લેવામાં આવ્યા છે. પકડાયેલા શખસોને કાર્યવાહી કર્યા બાદ જામીન પર છોડી દેવાયા હતાં. પાર્કના કર્મચારીઓની પૂછપરછ ચાલી રહી છે.
કુવાડવા રોડ પર ક્રિષ્ના વોટર પાર્કમાં એસઓજીના નિવૃત્ત એએસઆઇ રાજેન્દ્રસિંહ/રાજભા ખાનુભા વાઘેલાએ જન્મ દિવસ નિમિત્તે આપેલી પાર્ટીમાં દારૂ  મહેફીલ ચાલતી હોવાની ચોકકસ બાતમીના આધારે એસીપી એસ.આર. ટંડેલ, કુવાડવા રોડ પોલીસ મથકના ઇન્સ. પરમાર, બી ડિવીઝનના ઇન્સ. ફર્નાડીસ સહિતના કાફલાએ દરોડો પાડયો હતો. આ દરોડા દરમિયાન નિવૃત્ત ડીવાયએસપી ગૌત્તમ મનરૂપજી રાવલ, નિવૃત્ત એએસઆઇ રાજેન્દ્રસિંહ/રાજભા ખાનુભા વાઘેલા, ચંદુભા દેવુભા રાણા, નિર્મળસિંહ દિગ્વિજયસિંહ ઝાલા, ગજુભા જીલુભા રાણા, નિવૃત્ત પોલીસમેન કનકસિંહ જશવંતસિંહ ચૌહાણ સહિત 30 ઇસમો મળી આવ્યા હતાં. આ 30 પૈકીના  જયેન્દ્રસિંહ ભુપતસિંહ ગોહીલ, સુખદેવસિંહ નટવરસિંહ ચૌહાણ,  ભરત હરીશંકર ભરાડ, હર્ષદ હરીભાઇ ઝાલા, નિવૃત્ત આર્મીમેન કૃષ્ણરાજસિંહ દાદુભા જાડેજા, તખુભા રામસીંગ તલાટિયા, જયંતી લક્ષ્મણભાઇ તલસાણિયા, રમેશ ઘોઘાભાઇ સિંધવ, ચંદ્રકાંત અમરચંદભાઇ મહેતા અને રમણીક લક્ષ્મણભાઇ જીંજુવાડિયાએ નશો કર્યાનું ખુલ્યું હતું. બાકીના વીસે નશો કર્યો હતો કે કેમ ? તેની વિગતો મેળવવા માટે તેનું મેડિકલ ચેકઅપ કરાવીને બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં.  આ દરોડા દરમિયાન પંદરથી વધુ શખસ દીવાલ કુદીને નાસી ગયા હતાં. આ શખસોને શોધખોળ શરૂ કરવામાં આવી હતી. તે પૈકીના પાંચ અતુલ વ્રજલાલભાઇ જોબનપુત્રા,  જયેશ અનંતરાય કાચલિયા, હિતેષ ચંદ્રકાંતભાઇ ઠકકર, મુકુંદરાય દુર્લભજીભાઇ ચોટાઇ, અને મહેન્દ્રસિંહ ચંદુભા મળી આવ્યા હતાં. આ પાંચેયના બ્લડ સેમ્પલ લેવડાવવામાં આવ્યા હતાં. નાસી ગયેલા શખસોમાં વકીલ, વેપારીઓ અને ઓન ડયુટી પોલીસવાળા હોવાની ચર્ચા છે. આ પોલીસવાળાને બચાવવા માટે તેને ભગાડી દેવાયાની પણ વાત છે. આ કિસ્સામાં આશ્ચર્યની વાત એ છે કે, દરોડો પાડનાર પોલીસને દારૂની ભરેલી કે ખાલી  એકપણ બોટલ મળી આવી ન હતી.
દારૂ મહેફીલની તપાસ દરમિયાન વોટર પાર્કમાં એકસોથી વધુ લોકો માટે રસોઇ બનાવવામાં આવ્યાનું ખુલ્યું હતું. બાકીના શખસો કયાં ગયા? આ શખસો મહેફીલમાં હાજર હતા કે કેમ? વોટર પાર્કમાંથી  બિયરના ખાલી ટીન મળી આવ્યા હતાં. આ ટીન કોણ અને કયાંથી લાવ્યા હતાં? તેના સહિતની વિગતો મેળવવા માટે વોટર પાર્કના સીસીટીવી કેમેરાનું ડીવીઆરે કબજે લઇને તેના ફુટેજ મેળવવા પ્રયાસ ચાલી રહ્યા છે. નશો કરેલી હાલતમાં પકડાયેલ દસ શખસ પૈકીના કેટલાક પાસે દારૂ પીવા માટેની હેલ્થ પરમીટ હોવાનું ખુલ્યું છે. આ પરમીટની ખરાઇ કરવાની કામગીરી ચાલી રહી છે.
તટસ્થ તપાસ થશે: ઇન્ચાર્જ સીપી
વોટર પાર્કના દારૂના દરોડા અંગે તટસ્થ તપાસ કરાશે અને મહેફીલમાં જે કોઇ હાજર હશે તેની તથા દારૂ કયાંથી અને કેવી રીતે આવ્યા તેના સહિતના મુદ્દા અંગે તપાસ કરીને કાર્યવાહી કરાશે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer