ટેલિકોમ કંપનીમાં રોકણાના બહાને રૂ. 66 લાખની ઠગાઇ કરનાર શખસના 28 કરોડના ટ્રાન્જેકશન મળ્યા

દુબઇ ફરી આવેલા શખસની કરોડોની લેવડદેવડ અંગે આઈટી ખાતુ પણ તપાસમાં ઝૂંકાવશે
રાજકોટ, તા. 20 : ટેલિકોમ કંપનીમાં રોકાણ કરવાના બહાને રૂ. 66 લાખની ઠગાઇ કરવા અંગે પકડાયેલા અને રિમાન્ડ પર લેવાયેલા મૂળ જામનગરના દેવાંગ નિતીનભાઇ ચુડાસમાના બેંક ખાતાની તપાસ કરતાં રૂ. 28 કરોડ જેવા ટ્રાન્જેકશન થયાનું બહાર આવ્યું છે.
બોટાદ પંથકના વેપારી પ્રદીપભાઇ ખાચરને વધુ કમિશન આપવાની લાલચ આપીને પોતાની જુદી જુદી ટેલિકોમ કંપનીમાં રોકાણ કરાવીને રૂ. 66 લાખની છેતરપિંડી કરવા અંગે પકડાયેલા મૂળ જામનગરના ખંભાળિયા નાકા પાસેના નાગરપરાના વતની અને હાલ અહીના જામનગર રોડ પર શ્રીજી પાર્કમાં રહેતાં દેવાંગ નિતીનભાઇ ચુડાસમાની ક્રાઇમ બ્રાંચના સબ ઇન્સ. પી.એમ. ધાખડા અને તેની ટીમે ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પકડાયેલ દેવાંગ એકસીસ, મહીન્દ્રા કોટક, આઇસીઆઇસી આઇ સહિતની પાંચથી વધુ બેંકમાં ખાતા ધરાવતો હોવાનું ખુલ્યું હતું. તેના બેંક ખાતાની  વિગતો મેળવતા પોલીસ ચોંકી ગઇ હતી. દેવાંગના બેંક ખાતામાં છેલ્લા બે વર્ષ દરમિયાન રૂ. 28 કરોડના ટ્રાન્જેકેશન થયાનું ખુલ્યું હતું.  દેવાંગે ત્રીસથી વધુ વ્યકિતઓ સાથે ઠગાઇ કર્યાની કબૂલાત આપી છે. પરંતુ તેના બેંકના ખાતાની વિગતો જોતા તેણે કેટલાય વેપારીઓને શિશામાં ઉતાર્યા હોવાની શકયતાં છે. તેના કબજે લેવાયેલા લેપટોપનું લોક ખોલાવીને સોફટવેરની મદદથી તેણે કેટલી વ્યકિતસાથે નાણાકીય વ્યવહાર કર્યા અને કેટલાસાથે છેતરપિંડી કર્યાની વિગતો મેળવવા પ્રયાસ ચાલી રહ્યા છે. રૂ. 28 કરોડના ટ્રાન્જેકશન અંગે આવકવેરા ખાતાને લેખીત જાણ કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે તેના પગલે આગામી દિવસોમાં દેવાંગ સામે આવકવેરા ખાતા દ્વારા પણ તપાસ શરૂ થશે. પોલીસના જણાવ્યા પ્રમાણે પારકે પૈસે લીલાલહેર કરતો આ શખસ દુબઇ સહિતના દેશમાં ફરી આવ્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer