બોડેલીમાં નિર્દયી પતિએ પત્ની અને બાળકને કેનાલમાં ફેંકી દીધા

બોડેલીમાં નિર્દયી પતિએ પત્ની અને બાળકને કેનાલમાં ફેંકી દીધા
પત્નીનું મૃત્યુ, દોઢ વર્ષના પુત્રની શોધખોળ ચાલુ

વડોદરા,તા.20: છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાનાં ભોરદા ગામેથી વાઘોડિયા તાલુકાનાં રાજપુરા ગામે પત્નીને પિયર લઈ જવાનું કહીને બાઈક પર દોઢ વર્ષનાં પુત્રને લઈને પતિ બોડેલી નજીક ઝાંખરપુરા કેનાલ બ્રિજ પર ઉભો રહ્યો અને પત્ની અને પુત્રને પાણીનાં ધસમસતા વહેણમાં ધક્કો મારી દીધો હતો. જે પૈકી પત્નીનો મૃતદેહ વાઘોડિયા તાલુકાનાં સરણેજ ગામેથી મળી આવ્યો હતો. જયારે બાળકની હજુ શોધખોળ ચાલી રહી છે. બોડેલી પોલીસે મૃતક મહિલાના પિતાની ફરિયાદને આધારે પતિની અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બોડેલી તાલુકાનાં ગુલાબ દામનાસિંહ પરમારનાં લગ્ન વાઘોડિયા તાલુકાનાં રાજપુરા ગામની જયા નામની યુવતી સાથે થયા હતા. તેઓને બે સંતાનોમાં સિદ્ધાર્થ ઉ.વ.13 અને દક્ષરાજ દોઢ વર્ષના બે પુત્રો પણ હતા. તા.16મીએ સવારે ગુલાબ બાઈક લઈને ભોરદાથી રાજપુરા જવાનું કહીને નીકળ્યો હતો. પત્ની જયા અને દોઢ વર્ષનાં પુત્ર દક્ષરાજને લઈને નીકળ્યો હતો. બોડેલી નજીક અલ્હાદપુરાનાં બ્રિજ પર થઈને ઝાંખરપુરા પાસે બાઈક ઉભું રાખીને પત્ની જયા અને પુત્ર દક્ષરાજને ધક્કો મારીને પાણીનાં ધસમસતા ઊંડા વહેણમાં ફેંકી દીધા હતા અને ક્રૂર પતિ ગુલાબ ઘરે જતો રહ્યો હતો. સાંજે ગુલાબનાં પિતાએ જયાનાં પિતા દોલતાસિંહને ફોન કરીને કહ્યું કે ગુલાબ, જયા બાઈક પર દક્ષરાજને લઈને નીકળ્યા છે. ત્યાં આવ્યા છે, તો જયાના પિતાએ ના પાડી હતી. બીજા દિવસે તા.17નાં રાજપુરાથી ભાડે ગાડી કરીને જયાનાં પિતા, કાકા અને ભાઈ ભોરદા આવ્યા અને જયા અને પુત્ર વિશે પૂછ્યું, તો ગુલાબ સ્પષ્ટ જવાબ આપતો ન હતો. ત્યારે પોલીસ પાસે લઈ જતા બનાવ સ્થળે કબૂલાતમાં કહ્યું કે, બોલાચાલી થતા પત્ની જયા અને દોઢ વર્ષનાં પુત્રને કેનાલમાં ધક્કો મારીને પાડી દીધા હતા. જેથી કેનાલમાં શોધખોળ શરૂ કરી અને છેક વાઘોડિયા તાલુકાનાં સરણેજ ગામે કેનાલમાંથી જયાનો મૃતદેહ મળી આવ્યો હતો. જરોદ પોલીસે મૃતદેહને પીએમ રૂમમાં મૂકી હતી અને બાળકની શોધખોળ હાથ ધરી હતી. પિતા દોલતાસિંહની ફરિયાદને આધારે બોડેલી પોલીસે આરોપી પતિ અને પિતા ગુલાબની પત્ની અને પુત્રનાં મોત બદલ અટક કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer