દુનિયા ઉપર નવી ભેદી બીમારીનો ખતરો

દુનિયા ઉપર નવી ભેદી બીમારીનો ખતરો
દુનિયા સાવધાન નહીં બને તો આ રોગચાળો પાંચથી આઠ કરોડ જીવ લેવા સક્ષમ !: સ્વાસ્થ્ય નિષ્ણાતોની ચેતવણી
નવીદિલ્હી, તા.20: વિશ્વનાં ખ્યાતનામ સ્વાસ્થ્ય નિષ્ણાતોએ ચેતવણી ઉચ્ચારતા કહ્યું છે કે, એક રહસ્યમય બીમારી તેજ રફ્તારથી ફેલાઈ રહી છે અને તેનાથી દુનિયા ખતરામાં મૂકાય શકે તેમ છે. આ સમિતિનાં અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, જો દુનિયા સમયસર તેની સામે સાવધાન નહી બને તો આ રોગચાળો મહામારી બનીને લાખો નહીં પણ પાંચથી આઠેક કરોડ જીવ લઈ શકે તેમ છે ! આજથી એક સૈકા પૂર્વે 1918માં સ્પેનિશ ફ્લૂએ કાળોકેર વર્તાવ્યો હતો. જેમાં પાંચ કરોડ મૃત્યુ થયા હતાં. આ નવા ભેદી રોગની સરખામણી તેની સાથે કરી શકાય તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્પેનિશ ફ્લૂએ ભારતમાં પણ 1918થી 1920 વચ્ચે 1.8 કરોડ લોકોને મોતનાં મુખમાં ધકેલી દીધા હતાં.
દુનિયાભરમાં ધ ગ્લોબલ પ્રીપેર્ડનેસ મોનિટરિંગ બોર્ડને આરોગ્યનાં ક્ષેત્રમાં વિશ્વાસપાત્ર નામ ગણવામાં આવે છે. તેમાં દુનિયાભરનાં હેલ્થ એક્સપર્ટ સામેલ છે. તેનાં અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, આ નવી ભેદી બીમારી ફક્ત ત્રણ જ દિવસમાં આખી દુનિયાને પોતાની ચપેટમાં લેવા સક્ષમ છે. તેનાં દ્વારા આ સ્થિતિને સ્વાસ્થ્ય સંબંધિત કટોકટી સમાન ગણાવવામાં આવી છે. આ ઘાતક ઈબોલા, ફ્લૂ અને સાર્સ જેવા રોગચાળા સમાન બીમારી હોવાનું કહેવાય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer