આખરે સ્વામી ચિન્મયાનંદની ધરપકડ

આખરે સ્વામી ચિન્મયાનંદની ધરપકડ
બળાત્કારના આરોપી ભાજપના નેતા 14 દી’ની કસ્ટડીમાં
છાત્રાને માલીશ માટે બોલાવી હોવાની કબૂલાત : સીટ
શાહજહાપુર / લખનૌ, તા. 20 : એક છાત્રાના જાતીય શોષણના આરોપી એવા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા સ્વામી ચિન્મયાનંદની આખરે આજે સવારે ઉત્તરપ્રદેશ પોલીસ અને ખાસ તપાસ ટીમે (સીટ) ધરપકડ કર્યા બાદ શાહજહાંપુરની અદાલતે ચિન્મયાનંદને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો. સીટના જણાવ્યા અનુસાર ચિન્મયાનંદે વિદ્યાર્થિનીને માલીશ કરવા માટે બોલાવી હોવાનું કબૂલ્યું છે અને એમ પણ કહ્યું છે કે મારા કૃત્ય બદલ હું શરમ અનુભવું છું.
પીડિતાએ આ મામલે વીડિયો જારી કર્યા બાદ યોગી સરકાર અને યુપી પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થયા હતા ત્યારે આજે પોલીસ અને સીટે ચિન્મયાનંદની તેમના નિવાસેથી જ ધરપકડ કરી હતી અને તેમને સઘન સુરક્ષા વચ્ચે ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયા હતા. અદાલતે તેમને 14 દિવસ માટે શાહજહાંપુરની જેલમાં મોકલી દીધા છે.
ઉત્તરપ્રદેશના ડીજીપીએ જણાવ્યું હતું કે, અમે આ મામલામાં વિલંબ કર્યો નથી, સાથે જ ચિન્મયાનંદને ખંડણી માટે ધમકીના આરોપમાં પોલીસે ત્રણ જણની ધરપકડ કરી છે. કોર્ટમાં રજૂ કરતાં પૂર્વે ચિન્મયાનંદની આરોગ્યની તપાસ થઇ હતી.
ઉલ્લેખનીય છે કે, કાયદાનો અભ્યાસ કરનારી છાત્રાએ ભાજપ નેતા પર બળાત્કારના આરોપ લગાવ્યા હતા અને ચિન્મયાનંદની ધરપકડ ન થાય તો આત્મદાહની ધમકી આપી હતી. પીડિતાએ અનેક વીડિયો જારી કરતાં પૂર્વ કેન્દ્રીય મંત્રીની મુસીબત વધી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer