આવતીકાલે અમેરિકા કહેશે ‘હાઉડી મોદી’

આવતીકાલે અમેરિકા કહેશે ‘હાઉડી મોદી’
ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદી એક મંચ ઉપર જોવા મળશે
નવી દિલ્હી, તા.20:  અમેરિકામાં વડાપ્રધાન નરેદ્ર મોદીના હાઉડી કાર્યક્રમને લઇને તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. આ કાર્યક્રમને લઇને અમેરિકા અને ભારતમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતીયો દ્વારા કાર્યક્રમમાં ભાગ લેવા માટે મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. આવતીકાલે ટેક્સાસના હ્યુસ્ટનમાં યોજાનારા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક મંચ ઉપર જોવા મળશે. મોદીની અમેરિકાની ઐતિહાસિક અને યાદગાર યાત્રા આજથી શરૂ થઇ રહી છે. જેમાં મહત્વની જાહેરાતો પણ થઈ શકે છે.
દુનિયામાં પ્રથમ વખત બે મોટી લોકશાહીના નેતા એક સાથે રેલી કરવાના છે. બીજી બાજુ એવા સંકેત મળી રહ્યા છે કે, ટ્રમ્પ પણ આ મહત્વની રેલીમાં કેટલાક મોટા પગલાની જાહેરાત કરી શકે છે. હાઉડી મોદી કાર્યક્રમમાં 50000થી પણ વધારે ભારતીય સમુદાયના લોકો સામેલ થાય તેવી શક્યતા છે. આ કાર્યક્રમ એવા સમયે યોજાઈ રહ્યો છે જ્યારે પાકિસ્તાન કાશ્મીરના મોરચા ઉપર જુઠ્ઠાણા ફેલાવવામાં વ્યસ્ત છે અને  પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પણ અમેરિકામાં છે.
કેલિફોર્નિયાથી વાશિંગ્ટન ડીસી પરત જતી વેળા ટ્રમ્પે પત્રકારોને પ્રશ્ન કર્યો હતો કે, ટેક્સાસમાં રેલી દરમિયાન જ્યારે ભારતીય વડાપ્રધાન સાથે રહેશે ત્યારે કોઇ મોટી જાહેરાત કરનાર છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા ટ્રમ્પે કહ્યું હતું કે, આવું શક્ય બની શકે છે. મોદી સાથે તેમના ખૂબ સારા સંબંધો રહેલા છે. જો કે, આ સંદર્ભમાં તેઓએ સ્પષ્ટ વાત કરી ન હતી. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ટેક્સાસમાં મોદી અને ટ્રમ્પની મુલાકાત પહેલા બંને દેશોના અધિકારી એક વેપાર સમજૂતિને આખરી ઓપ આપવાની કવાયતમાં છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer