મંદી સામે મોદી સરકારની ટેક્સ સ્ટ્રાઈક

મંદી સામે મોદી સરકારની ટેક્સ સ્ટ્રાઈક
કોર્પોરેટ ટેક્સમાં 10 ટકા ઘટાડો, વટહુકમ જારી કરી આવક વેરા ધારામાં કરાયા સુધારા
 
નવી દિલ્હી, તા. 20: આર્થિક વૃદ્ધિ દર છ વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચતા અર્થતંત્ર માટે સર્જાયેલી નાજૂક પરિસ્થિતિ સામે બાથ ભીડવા સરકાર આજે મૂડીરોકાણ પ્રોત્સાહિત કરવા નોંધનીય પગલું છે: રોજગાર સર્જનમાં મદદરૂપ થવા રોકાણોને પ્રોત્સાહિત કરી વૃદ્ધિદરને બળવત્તર બનાવવા કંપનીઓ માટેનો આવક વેરો આશરે દસ ટકા ઘટાડી 2પ.71 ટકા કર્યો છે અને નવી મેન્યુફેકચરીંગ પેઢીઓ માટે 17.01 ટકા જેવો નીચો દર ઓફર કર્યો છે. નાણાં મંત્રી નિર્મલા સીતારામને જણાવ્યુ હતું કે આવક વેરા ધારામાં સુધારો કરવાનો વટહુકમ જારી કરીને વેરાના દરોમાં આ ઘટાડો કરવામાં આવ્યો છે. ગોવામાં જીએસટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક મળવા પૂર્વે સરકારે આ હિંમતભર્યુ પગલું લીધું છે.
પત્રકારો સાથેની વાતચીતમાં મંત્રીએ કહ્યુ હતું કે વૃદ્ધિ અને રોકાણને વેગ આપવા આવક વેરામાં આમેજ કરાયેલી નવી જોગવાઈ 2020ના આર્થિક વર્ષથી લાગુ થશે. કોઈ પણ ઘરેલું કંપનીને, તે કોઈ પણ મુકિત/પ્રોત્સાહન લેશે નહીં તે શરતે 22 ટકા આવક વેરો ચૂકવવાના વિકલ્પની છૂટ રહેશે. સરચાર્જીસ અને ઉપકરો ગણતરીમાં લેતાં વાસ્તવમાં તે દર 2પ.17 ટકાનો રહેશે. હાલનો 30 ટકા કોર્પોરેટ વેરા દર વાસ્તવમાં 34.94 ટકાનો થવા જાય છે. આરબીઆઈના ગવર્નર શકિતકાન્ત દાસે કોર્પોરેટ વેરા કાપના આ પગલાને અર્થતંત્ર માટે અત્યંત હકારાત્મક એવું બાહોશ કદમ ગણાવ્યુ છે. કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યુ હતું કે ‘અર્થતંત્રના કાયાકલ્પ માટે સરકાર સતત પગલાં લેતી આવી હોવા છતાં આ પગલું સૌથી મોટું છે અને આ જાહેરાત અર્થતંત્રને જરૂરી એવી પુષ્ટી આપશે, જેની આપણે આશા રાખી રહ્યા હતા. આ પગલા વાટે સરકાર રૂ. 1.4પ લાખ કરોડની મહેસૂલી આવક જતી કરશે, જે કોલ ઈન્ડિયા, ઈન્ફોસિસ અને વિપ્રો જેવા કોર્પોરેટ્સને લાભકારી નીવડશે.’ જો કે કોંગ્રેસી નેતા જયરામ રમેશે કોર્પોરેટ વેરા દરમાંના ઘટાડાને આવકારતાં, તે પગલું રોકાણને પુન:જીવિત કરે તે વિશે શંકા વ્યકત કરી હતી.
અન્ય એક જાહેરાતમાં સીતારામને જણાવ્યુ હતું કે ઉત્પાદનમાં નવા રોકાણને આકર્ષવા અને મેઈક ઈન ઈન્ડિયાને પુષ્ટી આપવા આવક વેરા ધારામાં નવી જોગવાઈ આમેજ કરવામાં આવી છે, જે ’19ની 1 ઓકટોબર અથવા તે પછી દાખલ થનાર તેમ જ ઉત્પાદનમાં નવું રોકાણ કરનાર અને ’23ની 31 માર્ચ પહેલાં કાર્યરત થઈ જનાર કોઈ પણ કંપનીને 1પ ટકા આવક વેરો ચૂકવવાનો વિકલ્પ રહેશે. સરચાર્જીસ અને ઉપકર ગણતરીમાં લેતાં વાસ્તવિક દર 17.01 ટકાનો રહેશે (અને તે કંપની કોઈ પ્રોત્સાહન કે છૂટછાટ લેવાની ન હોય તે શરતે મળશે. આવી કંપનીઓએ મિનીમમ ઓલ્ટરનેટ ટેક્ષ ચૂકવવાનો રહેશે નહીં.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer