આમિર ખાન એકસો લોકેશન પર શૂટિંગ કરશે

અભિનેતા આમિર ખાનની આગામી ફિલ્મ લાલાસિંહ ચઢ્ઢા છે જે 1994માં હૉલીવૂડમાં બનેલી એવૉર્ડ વિજેતા ફિલ્મ ફોરેસ્ટ ગમ્પ પરથી બની રહી છે. આ ફિલ્મમાં અભિનય કરવા માટે આમિરે વીસ કિલો જેટલું વજન ઉતાર્યું છે તથા કેટલાક દૃશ્યોમાં તે પાઘડી પહેરેલો જોવા મળશે. ઉપરાંત તે એકસો જેટલા લોકેશન પર શૂટિંગ કરશે, જેથી ફિલ્મ એકદમ વાસ્તિવક લાગે. ફિલ્મની પટકથા અનુસાર આમિરના જીવનની જન્મથી પચાસની આસપાસની વય સુધીની જીવનયાત્રાને વણી લેવામાં આવી છે. આથી લાલાસિંહ જે જુદાજુદા સ્થળે જાય છે ત્યાં શૂટિંગ કરવાનો આગ્રહ આમિરે રાખ્યો છે. અભિનેતા સ્ટુડિયોમાં શૂટિંગ કરવામાં માનતો નથી. આથી તેણે પોતાની ટીમને ફિલ્મ માટે જરૂરી એકસો લોકેશન શોધી કાઢવાનું કહ્યું છે. દિલ્હી, ગુજરાત, મુંબઈ, કોલકાતા, બેંગાલુરુ અને હૈદરાબાદ ઉપરાંત પણ કેટલાય શહેરો છે જયાં આમિર પ્રથમ વાર શૂટિંગ કરશે. આજ સુધી કોઇ પણ હિન્દી ફિલ્મ માટે એકસો જેટલા લોકેશન પર શૂટિંગ કરવામાં આવ્યું નથી. આમિર આ સંપૂર્ણ પ્રક્રિયાને સુંદર રીતે સાંકળી લેવા માગે છે. આગામી દોઢ મહિના માટે આમિર લોકેશન નક્કી કરશે અને ત્યાર બાદ પહેલી નવેમ્બરથી શૂટિંગ શરૂ થશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer