5 સૌરાષ્ટ્રીઓને મળશે ફૂલછાબ એવોર્ડ

5 સૌરાષ્ટ્રીઓને મળશે ફૂલછાબ એવોર્ડ
રાજકોટ, તા. 20 : પ્રજાભિમુખ પત્રકારત્વની વિચારધારા ફૂલછાબના 99મા જન્મદિને બીજી ઓક્ટોબરે સમાજના વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરનારા પાંચ સૌરાષ્ટ્રવાસીઓનું શ્રી મોરારિબાપુના હસ્તે રાજકોટના હેમુગઢવી ઓડિટોરિયમમાં સન્માન કરવામાં આવશે. સમાજસેવા, સાહિત્ય-કલા, રમત ગમત, કૃષિ અને ઉદ્યોગ એમ પાંચ ક્ષેત્રમાં પ્રદાન કરનારા વ્યક્તિ વિશેષોનું સતત આઠ વર્ષથી સન્માન કરવામાં આવે છે અને આ વખતે નવમા વર્ષે પણ બહુમાન કરવામાં આવશે. આ વખતે જ્યુરી પેનલે વ્યક્તિ વિશેષોની પસંદગી કરી છે જેમાં સમાજ સેવા માટે રાજકોટના શ્રી અનુપમભાઈ દોશી, કૃષિ-પર્યાવરણ માટે બગસરાના સુડાવડ ગામના ખેડૂત શ્રી કિરીટભાઈ આસોદરીયા, ઉદ્યોગ માટે રાજકોટના બાન લેબ્સના એમ.ડી. શ્રી મૌલેશભાઈ પટેલ, કલા માટે રાજકોટના શ્રી કાંતિભાઈ સોનછત્રા અને રમત ગમત માટે ભાવનગરના ઉગતા યુવા ક્રિકેટર શ્રી હાર્વિક દેસાઈનો સમાવેશ થાય છે.
દર વર્ષે ફૂલછાબની પરંપરા મુજબ અખબારમાં જ એવોર્ડ માટેની અરજી મગાવવામાં આવતી હતી અને તેના આધારે એવોર્ડ સમિતિ પાંચ વ્યક્તિ વિશેષની ફૂલછાબ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવતી હતી. આ વખતે દરેક ક્ષેત્ર માટે જ્યુરી પેનલ બનાવવામાં આવી હતી અને આ પેનલ દ્વારા જ સન્માનિત વ્યક્તિઓની પસંદગી થઈ હતી. તા.2 ઓક્ટોબરે સાંજે પ:30 કલાકે રાજકોટના હેમુગઢવી ઓડિટોરીયમમાં શ્રી મોરારિબાપુની પાવક ઉપસ્થિતિમાં પાંચેય સૌરાષ્ટ્રીઓના પોંખણા કરવામાં આવશે. આ ગરીમાપૂર્ણ સમારોહના અધ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ચેરમેન શ્રી દામજીભાઈ શાહ, અતિથિ વિશેષ તરીકે સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અતુલભાઈ જોશી, જન્મભૂમિ જૂથના મેનેજીંગ એડિટર અને સીઈઓ શ્રી કુન્દનભાઈ વ્યાસ ઉપસ્થિત રહેશે. જેમની ફૂલછાબ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે તેમનો સંક્ષિપ્ત પરિચય મેળવીએ.
અનુપમભાઈ દોશી : સતત ત્રણ દાયકાથી સમાજ સેવા માટે દોડતા રહેતા અનુપમભાઈ દોશી મૂળ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના કર્મચારી છે પણ વિવેકાનંદ યુથ ક્લબની સ્થાપના કરીને તેમણે સમાજ સેવાની જ્યોત પ્રજ્વલિત કરી છે. જરૂરિયાત મંદોને અનાજ-દવા સહાય, રક્તદાન, ચક્ષુદાન, દેહદાન, વૃક્ષારોપણ, થેલેસેમિયા જાગૃતિ, ઉનાળામાં છાસ અને સ્લીપર વિતરણ, શિયાળામાં ધાબળા વિતરણ, શ્રેષ્ઠ શાળા એવોર્ડ આપવો, શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ આપવો, રાજકોટ રત્ન એવોર્ડ એનાયત કરવા, સાહિત્ય સેતુ, વાર તહેવારે જરૂરિયાત મંદોને વિવિધ વસ્તુઓ આપવી જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અનુપમભાઈ દોશી અને તેની ટીમ ચલાવી રહી છે. નિરાધાર વૃધ્ધોને આશ્રય આપવાના હેતુથી તેમણે દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ બે દાયકા પહેલાં ચાલુ કર્યો હતો.
કિરીટભાઈ આસોદરીયા : બગસરા તાલુકાના સુડાવડ ગામના વતની ખેડૂત કિરીટભાઈ આસોદરીયાએ ગાય આધારિત ખેતી અપનાવી ક્રાંતિકારી પગલું ભર્યું છે. અલગ અલગ શાકભાજી, વૃક્ષો અને કપાસનો પાક પણ ગૌ આધારિત ખાતર અને ગૌ આધારિત દવાઓ થકી ઉતારે છે. પદ્મશ્રી સુભાષ પાલેકરજીએ દર્શાવેલી ખેત પધ્ધતિ મુજબ કિરીટભાઈએ ખેતી કરવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને સરગવાના પાનમાંથી પાવડર બનાવ્યો છે અને આ પાવડરમાંથી છાસ, પાણીપુરીમાં છાંટવાનો મસાલો બનાવ્યો છે. પંખીઓ પોતાના ખેતરમાં આવે અને પાકમાં થતી જીવાતો ખાઈ જાય તેવું આયોજન પણ કિરીટભાઈએ કર્યું છે.
મૌલેશભાઈ પટેલ : ભારત જ નહીં, વિશ્વ ફલક ઉપર બાન લેબ્સનું નામ ગુંજે છે. 1999થી મૌલેશભાઈ પટેલ કંપનીના એમ.ડી. છે. એ સમયે કંપનીનું ટર્ન ઓવર બે કરોડનું જ હતું હવે કરોડ નહીં પણ કરોડોમાં કંપનીનું ટર્નઓવર છે. બાન લેબ્સ 60 થી વધારે પ્રોડક્ટ બનાવે છે. 3000 થી વધારે કર્મચારીઓ કામ કરે છે. રાજકોટ, શાપર, દેહરાદૂન અને હિમાચલ પ્રદેશમાં કંપનીના યુનિટ છે. તે ક્લબ યુવીના ચેરમેન છે અને સરગમ ક્લબમાં સેક્રેટરી છે. આ સિવાય ઊમિયાધામ સહિતની સૌરાષ્ટ્રની 4પ સંસ્થાઓ સાથે મૌલેશભાઈ જોડાયેલા છે.
કાંતિભાઈ સોનછત્રા : 90 વર્ષની જૈફ વયના કાંતિભાઈ સોનછત્રાએ સંગીતને જીવન સમર્પણ કરી દીધું છે. આ ઉંમરમાં પણ તેમના હાથ ઓર્ગન પર ફરે ત્યારે શાત્રીય સંગીત પણ નીકળે અને સિમ્ફની પણ નીકળે ! કાંતિભાઈ સોનછત્રા પાસે સંખ્યાબંધ વિદ્યાર્થીઓ તૈયાર થયા છે જેમાં સંગીતકાર પંકજ ભટ્ટ, બોલિવુડના બેકગ્રાઉન્ડ સ્કોરર અતુલ રાણીંગાનો પણ સમાવેશ થાય છે. કાંતિભાઈએ પિયાનો અને ઓરગનમાં પોતાની આગવી શૈલી વિકસાવી છે. સંગીતકાર નૌશાદ અને સંગીતકાર મદન મોહન પણ કાંતિભાઈની કલાના દિવાના હતા.
હાર્વિક દેસાઈ : ભાવનગરના વતની યુવા ક્રિકેટર હાર્વિક દેસાઈની પસંદગી કોલમ્બોમાં રમાયેલા યુથ એશિયા કપમાં ભારતની અન્ડર-19 ટીમમાં થઈ હતી. નેશનલ ક્રિકેટ એકેડેમી ખાતેના કોચીંગ કેમ્પ દરમિયાન રાહુલ દ્રવિડ અને અમોલ મઝુમદારે તેના બેટીંગના વીડિયોનું એનાલિસીસ કર્યું હતું. હાર્વિક દસ વર્ષની ઉંમરથી ક્રિકેટ રમે છે. નાનપણમાં પણ રમકડાંથી એ રમ્યો નથી. માત્ર બેટ અને બોલ જ સાથે રાખ્યા છે. હાર્વિકના પિતા મનોજભાઈ દેસાઈને ટેઈલરીંગની દુકાન છે અને પોતે પણ સારા ક્રિકેટ ખેલાડી છે. હાર્વિકનું ધ્યેય ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં પહેંચવાનું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer