અડધા સૌરાષ્ટ્રને ભીંજવતી ભાદરવી વર્ષા

અડધા સૌરાષ્ટ્રને ભીંજવતી ભાદરવી વર્ષા
રાજકોટ, તા. 20: સૌરાષ્ટ્ર ઉપર ઉતરી આવેલાં વરસાદના વધુ એક રાઉન્ડમાં અમરેલી, જૂનાગઢ, રાજકોટ, ગીર-સોમનાથ જિલ્લામાં અડધાથી લઇને બે ઇંચ જેવો વરસાદ નોંધાયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણેક ઇંચ જેટલો વરસાદ પડયાનું પણ જાણવા મળે છે. ત્યારે હજુ એક બે દિવસ વરસાદી વાતાવરણ સક્રિય રહે અને નવરાત્રીમાં પણ બીજા-ત્રીજા નોરતાએ વર્ષારાણીની પધરામણી થાય તેવી શકયતા છે.
રાજકોટ: આજે સાંજે અડધોથી પોણો કલાકમાં જ ધોધમાર સ્વરૂપે પહેલાં વરસાદમાં એક ઇંચ જેવું પાણી વરસી ગયું હતું. પશ્ચિમ અને સેન્ટ્રલ ઝોનમાં 21 મીમી તથા બેડીપરા ઝોનમાં 15 મીમી પાણી વરસ્યું હતું. આ સાથે પશ્ચિમ ઝોનનો કુલ વરસાદ 1418 મીમી (56.72 ઇંચ), સેન્ટ્રલ ઝોનનો 1344 (53.76 ઇંચ) અને બેડીપરા ઝોનનો 1126 મીમી એટલે કે (45.04 ઇંચ) થયો છે.
રાજકોટ જિલ્લાના તાલુકા મથકોએ આજે પડેલાં વરસાદના આંકડામાં ઉપલેટા- 10 મીમી, કોટડાસાંગાણી- 24 મીમી, ગોંડલ- 47 મીમી, જેતપુર- 14 મીમી, ધોરાજી- 28 મીમી, લોધિકા- 18 મીમી નોંધપાત્ર વરસાદના અહેવાલ છે. અન્યત્ર ઝાપટાથી 7 મીમી વરસાદ નોંધાયો છે.
બાબરા: તાલુકામાં બપોર બાદ ભારે ઉકળાટ વચ્ચે શરૂ થયેલાં વરસાદમાં જોતજોતામાં 30 મીમી પાણી વરસી ગયું હતું. છેલ્લા 30 વર્ષની સરેરાશ કરતા વધુ મોસમનો કુલ વરસાદ 762 મીમી નોંધાઇ ગયો છે. ગ્રામ્ય વિસ્તારના સિંચાઇના ડેમો ઓવરફલો થયાં છે. જયારે બાબરાનું જૂનું તળાવ 4 ફુટ ભરાવુ બાકી છે.
માધવપુર ઘેડ: બપોરના બે વાગ્યે વાતાવરણમાં પલટો આવતા ભારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો અને બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો.
કોડીનાર: આ પંથકમાં આજે ફરી પલટાયેલાં વાતાવરણ વચ્ચે બપોરે 12 થી 2 વાગ્યા દરમિયાન બે કલાકમાં જ 30 મીમી પાણી વરસી ગયું હતું.
ગોંડલ: શહેર તથા આસપાસના ગ્રામ્ય પંથકમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. લાંબા વિરામ બાદ ગોંડલમાં બે ઇંચ વરસાદ પડયો હતો. આ વરસાદને કારણે લાલપુર પાસે પાણી ભરાયા હતાં અને કોલેજ ચોક પાસે જાણે તળાવ ભરાયું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી.
સાવરકુંડલા: બીજા દિવસે પણ અહીં મેઘમહેર યથાવત રહી હતી. બપોરના સમયે ધોધમાર અડધો ઇંચ વરસાદ પડી ગયો હતો. હજુ પણ વાદળછાયુ વાતાવરણ હોય વધુ વરસાદની શકયતા છે.
અમરેલી: જિલ્લામાં સાર્વત્રિકપણે ઉતરેલી મેઘસવારીમાં બાબરામાં સવા ઇંચ, બગસરા, લીલીયા, વડિયામાં એક ઇંચ, ખાંભા-સાવરકુંડલા- ધારીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. ગ્રામ્ય પંથકમાં સારા વરસાદને કારણે સુરવા ડેમ ઓવરફલો થયો હતો.
માળિયાહાટીના: અહીં એક જ કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડી ગયો હતો. શેરીયાખાણ ગામે બે જગ્યાએ વીજળી પડતા મકાનને નુકશાન થયાના અહેવાલ છે. મોસમનો કુલ વરસાદ 43 ઇંચ થયો હતો. રાજુભાઇ મગનભાઇ મેઘપરાની વાડીમાં અને મેરખીભાઇ ગલચરના બે માળના મકાન પર વીજળી પડતા સ્લેબ તૂટી ગયો હતો.
ચોટીલા: અહીં સાંજના માત્ર અડધા કલાકમાં જ પોણો ઇંચ વરસાદ પડી ગયો હતો. સાંજે 6.45 થી 7.15 દરમિયાન પડેલા વરસાદની શરૂઆત કરાંથી થઇ હતી. થાન પંથકમાં પણ સારો વરસાદ હોવાનું જાણવા મળે છે.
જૂનાગઢ: જિલ્લામાં ચાર દિવસની વરાપ બાદ વાતાવરણમાં આજે પલટો આવતાં સાર્વત્રિક એક થી દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. કેશોદ, મેંદરડા અને માળિયામાં દોઢ ઇંચ, જૂનાગઢ, માંગરોળ, માણાવદર અને વંથલીમાં એક ઇંચ તથા ભેંસાણમાં અડધો અને વિસાવદરમાં માત્ર ઝાપટાં પડયા હતાં.
ધોરાજી: આજે અહીં અડધો કલાકમાં જ ભારે પવન સાથે અડધો ઇંચ વરસાદ પડી ગયો હતો. તોફાની અંદાજમાં પડેલાં વરસાદે થોડી મિનિટો સુધી વાવાઝોડા જેવી સ્થિતિ નિર્માણ કરી હતી અને દિવસના બે રાઉન્ડમાં 28 મીમી પાણી વરસી ગયું હતું.
વેરાવળ: ગીર-સોમનાથ જિલ્લામાં બપોર બાદ શરૂ થયેલાં તોફાની અંદાજ સાથેના વરસાદમાં કોડિનારમાં 30 મીમી, ગીરગઢડામાં 21 મીમી, તાલાલામાં 18 મીમી, વેરાવળમાં 22 મીમી પાણી વરસ્યાનું નોંધાયું છે. જયારે સૂત્રાપાડા, ઉના વગેરે સ્થળોએ 2 થી 6 મીમી અને સૂત્રાપાડા ગ્રામ્ય પંથકમાં 2 થી 3 ઇંચ વરસાદ પડયાનું જાણવા મળે છે.
કયાં, કેટલો વરસાદ
રાજકોટ-        1
ઉપલેટા-        0ાા
કોટડાસાંગાણી-            1
ગોંડલ-          2
જેતપુર-         0ાા
ધોરાજી-         1
લોધિકા-         0ાાા
બાબરા-         1ાા
માધવપુર ઘેડ-             1ાા
કોડિનાર-        1ાા
સાવરકુંડલા-    0ાા
બગસરા-        1
લીલીયા-        1
વડિયા-          1
ખાંભા-          0ાા
ધારી-            0ાા
માળિયાહાટીના-           1ાા
ચોટીલા-        0ાાા
કેશોદ-           1ાા
મેંદરડા-          1ાા
જૂનાગઢ-       1
માંગરોળ-       1
માણાવદર-     1
વંથલી-          1
ભેંસાણ-         0ાા
ગીરગઢડા-      1
તાલાલા-        0ાાા
વેરાવળ- 1

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer