લક્ષ્યનો પીછો કરતા સમયે કોહલી પાવરધો

લક્ષ્યનો પીછો કરતા સમયે કોહલી પાવરધો
રનચેઝ સમયે સૌથી વધુ સરેરાશથી રન કરવાનો વિક્રમ ધરાવે છે કોહલી
નવી દિલ્હી, તા. 20 : 3 મેચની ટી20 સિરિઝના બીજા મુકાબલામાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા ઉપર સાત વિકેટે જીત મેળવી હતી. આ જીતમાં ભારતના હિરો રહેલા વિરાટ કોહલીએ 52 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી નોટઆઉટ 72 રન કર્યા હતા. આ દરમિયાન કોહલીએ ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. જેમાંથી એક લક્ષ્યનો પીછો કરતા સૌથી વધુ સરેરાશથી રન કરવાનો રેકોર્ડ છે.
આધુનિક ક્રિકેટમાં રન મશીન ગણાતા કોહલીની સરેરાશ લક્ષ્યનો પીછો કરતા સમયે જીતેલા ટી-20 મેચમાં 111.5નો છે. કોહલીએ 23 ઈનિંગમાં 1115 રન કર્યા છે. જેમાં સ્ટ્રાઈક રેટ 131.48 અને સર્વશ્રેષ્ઠ સ્કોર 82 રન છે. આ દરમિયાન 12 અર્ધસદી પણ ફટકારી છે. લક્ષ્યનો પીછો કરતા વિનિંગ મેચની વાત કરવામાં આવે તો ભારતીય બેટ્સમેનોમાં બીજો નંબર રોહિત શર્માનો છે. તેણે 34 મેચની 31 ઈનિંગમાં 4 વખત નોટઆઉટ રહીને 764 રન કર્યા છે. રોહિતની સરેરાશ 28.29 અને સ્ટ્રાઈક રેટ 132.82ની છે. રોહિતે લક્ષ્યનો પીછો કરતા 6 અર્ધસદી અને એક સદી ફટકારી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer