એટીએમ, વાહન અને ઘરફોડ ચોરીના 13 ગુનામાં સંડોવાયેલા બે શખસ પકડાયાં

એટીએમ, વાહન અને ઘરફોડ ચોરીના 13 ગુનામાં સંડોવાયેલા બે શખસ પકડાયાં
રાજકોટ, તા. 10: એટીએમ, વાહન,કેબીન અને ઘરફોડ ચોરીના 13થી વધુ ગુનામાં સંડોવાયેલા બે શખસને પોલીસે ઝડપી લીધા હતાં. આ બન્ને શખસે રાજકોટમાં છ અને નડિયાદ, આણંદ અને વિદ્યાનગરમાં સાતથી વધુ ગુના કર્યાનું ખુલ્યું છે.
એટીએમમાં ચોરી અને ચોરીના પ્રયાસ અને ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા શખસોને ઝડપી લેવા મળેલી સૂચનાના પગલે ક્રાઇમ બ્રાંચના ઇન્સ. ગઢવીના માર્ગદર્શન હેઠળ સબ ઇન્સ. ડી.પી.ઉનડકટ, પી.એમ. ધાખડા, વી.એ.પરમાર અને તેના મદદનીશો જે.પી.મેવાડા, મયુર પટેલ, યોગરાજસિંહ, કુલદીપસિંહ, સંજય રૂપાપરા વગેરેએ તપાસ શરૂ કરી હતી.  આ તપાસ દરમિયાન મળેલી ચોકકસ બાતમીના આધારે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી  અગાઉ રાજકોટમાં ક્રિસ્ટલ મોલ પાછળ ચાર માળિયા કવાર્ટરમાં રહેતા અને હાલ આણંદના સામરખા ગામે સ્થાયી થયેલા રીઢા શખસ અજય જગદીશભાઇ નાયકા અને સામરખા ગામના જીજ્ઞેશ  ઉર્ફે જીગો ગોરધનભાઇ રાઠોડને ઝડપી લેવાયા હતાં. પોલીસની પુછપરછમાં આ બન્ને શખસે રાજકોટના યુનિવર્સિટી, કાલાવડ રોડ સહિતના વિસ્તારમાં ઘરફોડ ચોરી તથા અટીકા ફાટક પાસે વિજય કોમર્શીયલ બેંકનું એટીએમ તોડવાનો પ્રયાસ કર્યા નું ખુલ્યું હતું. આ ઉપરાંત આણંદના અજજુરપુરા ગામે  દેના બેંકની એટીએમ તોડીને રૂ. પાંચ લાખની ચોરી કરી હતી. તેમજ નડિયાદમાં યુનિયન બેંક અને વિદ્યાનગરના  એટીએમમાં ચોરીનો પ્રયાસ,  ઇકો કાર અને બાઇકની ઉઠાંતરી તથા દુકાન અને કેબીનમાં મળીને 13થી વધુ ગુના કર્યાની કબુલાત આપી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓ ગેસ વેલ્ડીંગના બાટલાની ચોરી કરીને તેને સાથે લઇ જઇને એટીએમ તોડવાનો પ્રયાસ કરતાં હતાં. અજય નાયકા અગાઉ 20થી વધુ ઘરફોડ અને વાહન ચોરીના ગુનામાં પકડાયેલ છે જયારે જીજ્ઞેશ ઉર્ફેજીગો રાઠોડ અગાઉ 30થી વધુ  ઘરફોડ અને વાહન ચોરીના ગુનામાં પકડાયો છે. આ બન્ને સાથે રાજકોટનો અજય માધવસિંગ પરમાર નામનો શખસ પણ સંડોવાયેલ છે તેને ઝડપી લેવા પ્રયાસ ચાલે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer