આર્ષ ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે ફી પરત માગતા વાલીઓને ધક્કો

આર્ષ ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે ફી પરત માગતા વાલીઓને ધક્કો
આજીડેમ પોલીસ સ્ટેશને વાલી એકઠા થયા, સંચાલકો ન આવ્યા
રાજકોટ, તા. 10: રાજકોટની ભાગોળે ત્રંબા ખાતે આર્ષ ઈન્ટરનેશનલ સ્કૂલના સંચાલકોએ લાખો રૂપિયાની ફી ઉઘરાવ્યા બાદ એકાદ વર્ષથી સ્કૂલ બંધ કરી દીધી છે. જેથી મોટી રકમની ફી પરત મેળવવા વાલીઓ ધક્કા ઉપર ધક્કા ખાઈ રહ્યા છે. આજરોજ ફરી એક વખત આજીડેમ પોલીસ સ્ટેશને મોટી સંખ્યામાં વાલીઓ એકઠા થયા હતા. પોલીસે શાળા સંચાલકોને ફોન કર્યો હતો પરંતુ તેઓ હાજર ન થતા વાલીઓમાં રોષ ભભૂકી ઉઠયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ આર્ષ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકોએ શરૂઆતમાં વાલીઓને એવી ખાતરી આપી હતી કે એક વખત 1.60 લાખ રૂપિયા ભરી એડમિશન લીધા બાદ આગળનાં વર્ષોમાં બાળકની કોઈપણ ફી ભરવાની નહીં રહે તેમજ અધવચ્ચે જો બાળક શાળા છોડીને જવા માગે તો ફીની રકમ પરત કરાશે. આવી બાંયધરીથી આકર્ષાઈને અનેક વાલીઓએ પોતાના સંતાનને આ શાળામાં ભણવા મુક્યા હતા. બે વર્ષ સુધી સ્કૂલ સારી રીતે ચાલી હતી. જો કે એકાદ વર્ષથી શાળા બંધ છે. સંચાલકોએ કેટલાક વાલીઓને બાંયધરી પ્રમાણે પૈસા ચૂકવી આપ્યા છે પરંતુ હજુ એકસોથી વધુ વાલીઓને ફીની રકમ પરત મળવાને બદલે વાયદા અને ધક્કા મળી રહ્યા છે. અનેક વાલીઓને ચૂકવેલા ચેક પરત ફરી રહ્યા છે. આ મુદ્દે અગાઉ પોલીસ કમિશનરને રજૂઆત પણ કરાઈ હતી અને પોલીસની દરમિયાનગીરીથી વાલીઓને ચોક્કસ સમયમર્યાદામાં પૈસા ચૂકવી અપાશે એવો ભરોસો અપાવાયો હતો પરંતુ નિયત સમય થયા બાદ જ્યારે વાલીઓ ફીની રકમ મેળવવા ગયા ત્યારે આજે આજીડેમ પોલીસ સ્ટેશનથી સ્કૂલ સંચાલકોને હાજર થવા ફોન કરાયો હતો પરંતુ સંચાલકો નહીં આવતા વાલીઓમાં આક્રોશ ભભૂકી ઉઠયો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer