અદ્યતન સુવિધાયુક્ત શાળા નં.48નું આજે મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત

અદ્યતન સુવિધાયુક્ત શાળા નં.48નું આજે મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત
જિલ્લા ગાર્ડન નજીક નિર્માણ પામનારી મનપાની
પૃથ્વીરાજ ચૌહાણ  પ્રા.શાળામાં કોમ્પ્યુટર લેબ, મ્યુઝિક એન્ડ આર્ટસ રૂમ ઉપરાંત વરસાદી પાણીની બચત માટે રેઈન વોટર હાર્વેસ્ટીંગ વિકસાવાશે
રાજકોટ તા.10 : મ્યુનિ.તંત્ર દ્વારા ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટને ધ્યાનમાં લઈને જિલ્લા ગાર્ડન વિસ્તારમાં રૂ.3.03 કરોડના ખર્ચે નિર્માણ પામનારી પૃથ્વીરાજ ચૌહાણ પ્રાથમિક શાળા નં.48ના નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત આવતીકાલે સાંજે 4 કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવશે.
કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યાનુસાર ગ્રાઉન્ડ પ્લસ એક માળનું શાળાનું બિલ્ડીંગ ભૂકંપ પ્રતિરોધક ફ્રેમ સ્ટ્રક્ચર આધારિત હશે તેમજ ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટને ધ્યાનમાં લઈને તેનું પ્લાનીંગ કરવામાં આવ્યું છે. આશરે 1740 ચો.મીનું બાંધકામ ધરાવતી આ શાળામાં 9 અદ્યતન ક્લાસરૂમ, પ્રિન્સીપલ ઓફિસ, સ્ટાફ રૂમ, એડમીન ઓફિસની ઉપરાંત લાઇબ્રેરી, કોમ્પ્યુટર લેબ, મ્યુઝિક એન્ડ આર્ટસ રૂમની સુવિધા હશે. આ ઉપરાંત શાળા બિલ્ડીંગ માટેના જરૂરી બેઝીક ફર્નિચર સાથે વિશાળ મલ્ટી પર્પસ શેડ, સેલ્ફ સપોર્ટેડ સિસ્ટમ સાથે વિદ્યાર્થીઓના રમતગમત માટે પ્લે ગ્રાઉન્ડની વ્યવસ્થા, વિશાળ પ્લાન્ટેશન એરિયા, સિક્યુરિટી કેબીન, રેઈન વોટર હાર્વેસ્ટીંગ અને ફાયર સેફ્ટીની સુવિધા પણ શાળામાં ઉપલબ્ધ હશે. 
અત્રે ઉલ્લેખનીય છે કે, આવતીકાલે મુખ્યમંત્રીના હસ્તે મહાપાલિકા, જિલ્લા વહીવટી તંત્ર તેમજ રૂડાના વિવિધ પ્રોજેક્ટ મળી કુલ રૂ.592 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે જેમાં ન્યુ રાજકોટમાં મામલતદાર કચેરીનું લોકાર્પણ, સ્માર્ટ સિટી વિસ્તારમાં રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટએસએનકે સ્કૂલ પાછળ વોર્ડ નં.10માં અદ્યતન કોમ્યુનિટી હોલનું લોકાર્પણ, 6 વેક્યુમ રોડ સ્વિપીંગ મશીન અને 51 મિની ટીપરવાનનું લોકાર્પણ, રૂડા દ્વારા ઘનકચરાના વ્યવસ્થાપન અર્થે 3 રેફ્યુઝી કોમ્પેક્ટરનું લોકાર્પણ વગેરેનો સમાવેશ થાય છે.
કાર્યક્રમનું સયુક્ત ડાયસ સ્થળ વોર્ડ નં.10માં નિર્માણ પામેલા કોમ્યુનિટી હોલ પાસેના ગ્રાઉન્ડ, એસ.એન.કે.સ્કૂલ પાછળ રાખવામાં આવ્યું છે. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer