સંત વિવાદનો સુખાંત

સંત વિવાદનો સુખાંત
BAPS  અને વડતાલ ગાદીની શાંતિની અપીલ : ભવનાથમાં સનાતન ધર્મના વડાઓ-સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વચ્ચે બેઠકમાં સંયમ જાળવવાની અપીલ સાથે વિવાદનો અંત
 
રાજકોટ, તા.10: પેરિસની રામકથા દરમિયાન શ્રી મોરારિબાપુના વકતવ્યમાં એક-બે વાક્યોને પગલે સર્જાયેલાં વિવાદને આજે જૂનાગઢમાં યોજાયેલા સનાતન ધર્મ સંત સંમેલનમાં લેવાયેલા નિર્ણય તેમજ વડતાલ તથા બીએપીએસ સંસ્થા અમદાવાદ દ્વારા થયેલી શાંતિની અપિલ બાદ આ વિવાદનો સુખાંત આવ્યો છે. સાથે જ સંત વિવાદનું સમાધાન થયું છે.
જૂનાગઢમાં ભવનાથમાં આજે મોરારિબાપુની તરફેણમાં યોજાયેલાં સનાતન ધર્મ સંમેલનમાં માફી નહીં માંગવાનાં લેવાયેલાં નિર્ણય બાદ હરિભક્ત અને જૂનાગઢના મેયર ધીરૂભાઇ ગોહેલના પ્રયાસોથી કોઇએ માફી માંગવી નહીં તે મુદ્દે સંમતી સધાતા આ વિવાદ અંત
પામ્યો છે.
આ સંમેલનમાં કથાકાર તરીકે ઉપદેશ અપાતો હોય છે અને સાધુતાની ગરિમા અંગે નિર્દેશ કરાતો હોય છે. આવા સમયે બંધ બેસતી પાઘડી પહેરવાની ઘટનાથી જે વિવાદ સર્જાયો તે સાથે સનાતન ધર્મના સંતો, કલાકારો મોરારિબાપુની વ્હારે આવ્યાં હતાં.
પ્રેરણાધામમાં યોજાયેલા સનાતન ધર્મ સંમેલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત સાધુ-સંતોએ માફી ન માગવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો.
આ વિવાદ વેગ ન પકડે તે માટે જૂનાગઢના મેયર અને હરિભક્ત ધીરૂભાઇ ગોહેલે કરેલી વાટાઘાટો અને મધ્યસ્થીથી ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું.
મોડી સાંજે ભવનાથમાં ઇન્દ્રભારતીજીના આશ્રમે સંતો-મહંતો અને વડતાલના સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતોની બેઠક યોજાઇ હતી અને આગળનું બધું ભૂલી જવાની વાતમાં સહમતી સર્જાઇ હોય સુખદ સમાધાન થયું હતું. હવે પછી બન્ને પક્ષોએ શાબ્દિક ટીપ્પણીમાં સંયમ જાળવવા નિર્ણય કરાયો હતો.  દરમિયાન આજે સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી. જેમાં મોરારિબાપુના નિવેદન સંદર્ભે ચાલતા વિવાદનો અંત લાવવો જોઇએ અને સમસ્ત હિન્દુ સનાતન ધર્મના પરિપ્રેક્ષમાં વધુ વિખવાદ ન થાય તે તમામના હિતમાં હોવાનું જણાવી આ પ્રશ્ને ટીકા ટિપ્પણીથી દૂર રહેવા અપીલ કરાઇ હતી.
જ્યારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા-અમદાવાદ દ્વારા પણ બનવાકાળ બની ગયું એમ સૌ પ્રત્યે પ્રેમ-આદર ધરાવીએ છીએ, તેથી સંપ્રદાયના તમામ સંતો, ભક્તો તથા ધર્મપ્રેમી ભાવકોને વૈમનસ્ય ભૂલી વિવાદ-વિખવાદથી દૂર રહી સનાતન ધર્મની એકતા માટે પ્રવૃત્ત થવા અપીલ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer