ફૂલછાબ એ આચાર્ય કુળનું અખબાર છે : મોરારિબાપુ

ફૂલછાબ એ આચાર્ય કુળનું અખબાર છે : મોરારિબાપુ
-‘ફૂલછાબ - કુળ અને મૂળ’ પુસ્તકનો જામનગરમાં ભવ્ય વિમોચન સમારોહ સંપન્ન
-જેનું કુળ ઊજળું ને મૂળ ઊંડાં હોય એનો જ ઈતિહાસ હોય છે : કૌશિક મહેતા
-ગાંધીજીની પોલાદી વાણીનો રણકાર ફૂલછાબમાં સંભળાય છે : રાજુલ દવે
-ફૂલછાબનો શતાબ્દી મહોત્સવ જામનગરમાં પણ ઉજવાય : હસમુખ જેઠવા
 
રાજકોટ, તા. 10 : “અખબાર એ આચાર્ય છે. આચાર્ય દેવો ભવ: તું અખબારને દેવ માન! આજના કપરાકાળમાં શું માનવું એ નક્કી નથી થતું એવા કાળમાં આપણે જીવીએ છીએ અને કવિ રામધારીસિંહ દીનકર જેને આચાર્ય કહે છે એવું અખબાર ફૂલછાબ આપણી પાસે છે. ફૂલછાબ એ આચાર્ય કુળનું અખબાર છે.’’ ફૂલછાબનાં ઈતિહાસની તવારીખ વર્ણવતાં પુસ્તક ‘ફૂલછાબ-કુળ અને મૂળ’નાં વિમોચન સમારોહમાં મોરારિબાપુએ ફૂલછાબની સફરને આશીર્વચનથી વધાવી હતી. જામનગરના ટાઉનહોલ ખાતે યોજાયેલાં પુસ્તક વિમોચન સમારોહમાં જામનગરના મેયર હસમુખભાઈ જેઠવા,  પુસ્તકના સંકલનકાર રાજુલ દવે, પ્રવીણ પુસ્તક ભંડારના પ્રવીણભાઈ માકડિયા ઉપસ્થિત રહ્યા હતા. જન્મભૂમિ જૂથના સીઈઓ શ્રી કુન્દનભાઈ વ્યાસ મુંબઈના વરસાદી વિઘ્નનાં કારણે ઉપસ્થિત નહોતા રહી શક્યા.
મોરારિબાપુએ સંબોધન કરતાં જણાવ્યું કે, મારે બે મહિનાનું મૌન ચાલી રહ્યું છે પણ આ કાર્યક્રમ અગાઉથી નક્કી થઈ ગયો હોવાથી અહીં મંચ ઉપરથી બોલું છું પણ ફૂલછાબ મને વહાલું છે અને મેં અગાઉથી વચન ન આપ્યું હોત તો પણ ફૂલછાબના કાર્યક્રમ માટે મૌન તોડી નાંખત. અમુક અખબારોની મને સુગંધ આવે છે. ફૂલછાબનાં કુળ અને મૂળને ઊજાગર કરતો આ ગ્રંથ તૈયાર થયો, હું રાજી થયો. અમૃતલાલ શેઠ અને ઝવેરચંદ મેઘાણીજીને યાદ કરીને તેમની ચેતનાને વંદન કરું છું. આ પુસ્તકના લેખક જયમલ્લભાઈ પરમારને મળવાનું થયું છે. એમણે ફૂલછાબના પૂર્વ તંત્રી હરસુખભાઈ સંઘાણી અને જન્મભૂમિ જૂથના વર્તમાન મેનેજિંગ એડિટર કુન્દનભાઈ વ્યાસને પણ સંભાર્યા હતા.
મોરારિબાપુએ સંબોધનમાં જણાવ્યું કે, પુરાણોમાં એવા દ્રષ્ટાંતો મળે છે કે, ઘણાનું કુળ અને મૂળ સારું હોય છે પણ મૂળ સારું નથી હોતું. ઘણાનાં મૂળ અને કૂળ બન્ને સારાં હોય છે પણ કુકર્મના કારણે એમની યાત્રા ખરાબ થાય છે. રાવણનું કુળ ઉત્તમ છે, રાવણનું મૂળ પણ ઉત્તમ છે. કુળ પુલત્સ્ય ઋષિનું છે. રાવણનું મૂળ એ છે કે તે વૈકુંઠમાં દ્વારપાળનું પદ નિભાવતો હતો. દશાનન મહાન હોવા છતાં રાક્ષસ હતો. કુળ અને મૂળ ઉત્તમ હોવા છતાં યાત્રામાં ધ્યાન રાખવું પડે છે. ‘સૌરાષ્ટ્ર’ અખબારનો આરંભ ગાંધીજીના આશીર્વાદથી થયો. ગાંધીજીનું કુળ પણ ઊંચું વૈષ્ણવ કૂળ હતું. આજના વિષમકાળમાં પણ આ અખબાર સચવાઈ રહ્યું છે. ફૂલછાબના કર્મચારીઓએ એ સમયે પોતાના પગારમાંથી દસ ટકા આપી દીધા એ તમામ વંદનને પાત્ર છે. અખબાર આચાર્ય જેવું હોવું જોઈએ. આચાર્યમાં ત્રણ ગુણ હોવા જોઈએ અને એ જ ગુણ અખબારમાં પણ હોવા જોઈએ. આચાર્ય નિર્ભય, નિષ્પક્ષ અને નિર્વેર હોવો જોઈએ.
મોરારિબાપુએ કહ્યું કે, સંધ્યા સમયે આ ગ્રંથનું વિમોચન થવા જઈ રહ્યું છે. હું તો કહું છું કે, આ સમયે વિમોચન નથી કરતો પણ આરતી ઉતારું છું પણ એક વાત હૃદયથી કહું તો ફૂલછાબનો કાર્યક્રમ એ મને તલગાજરડાનો કાર્યક્રમ લાગે છે.
જામનગરના મેયર હસમુખભાઈ જેઠવાએ ફૂલછાબનાં ભૂતકાળને વાગોળ્યો હતો અને કહ્યું કે, સૌરાષ્ટ્રમાં ફૂલછાબ એ તંદૂરસ્ત અખબાર છે. 98 વર્ષ પૂરાં કરીને 99મા વર્ષમાં પ્રવેશ કરતું આ અખબાર સદી તરફ આગેકૂચ કરે છે તે નાની સુની વાત નથી. હું ઈચ્છું છું કે, ફૂલછાબનો શતાબ્દી કાર્યક્રમ રાજકોટની સાથે જામનગરમાં પણ યોજાય.
ફૂલછાબના વરિષ્ઠ પૂર્વ કર્મચારી અને ‘ફૂલછાબ-કુળ અને મૂળ’ પુસ્તકના સંકલનકાર રાજુલભાઈ દવેએ ‘સૌરાષ્ટ્ર’થી ‘ફૂલછાબ’ સુધીની સફર વિશે પુસ્તકોનાં પ્રકરણોનો ઉલ્લેખ કરી ચિતાર આપ્યો હતો. રાજુલભાઈએ જણાવ્યું હતું કે, મહાભારતના યુદ્ધ પૂર્વે કૃષ્ણ એટલે કે મોહનનો ઉપદેશ સાંભળીને એકે હજારા જેવો શ્રોતારૂપી અર્જુન કરિશ્યે વચનમ્ તવ: કરે છે અને એ ઘટનાનાં પાંચ હજાર વર્ષ પછી આજથી 100 વર્ષ પૂર્વે બીજા એક મોહનનો ઉપદેશ સાંભળીને લાખો નર-નારીઓમાંથી અમૃતલાલ શેઠ કરિશ્યે વચનં તવ: કરે છે. ગાંધીની વાણીમાં પોલાદી નક્કરતા અને તાંબાનો રણકાર છે. અમૃતલાલ શેઠ દેશના યુવાનોને દેશની સંસ્કૃતિ, દેશની રક્ષા માટે આહ્વાન કરે છે. રાજુલભાઈએ જેમણે ‘ફૂલછાબ’ નામ આપ્યું તે કક્કલભાઈ કોઠારી અને ગુણવંતભાઈ આચાર્યની વાત કરી તો ફૂલછાબના ત્રીજા તંત્રી નાથાલાલ શાહની પણ વાત કરી હતી. ફૂલછાબના ચોથા તંત્રી ઝવેરચંદ મેઘાણીએ લખેલા 270 ગીતો અને તેમાંથી માત્ર આઠ ટકા ગવાયેલાં લોકગીતોનો ઉલ્લેખ પણ કર્યો હતો.
રાજુલભાઈ દવેએ પુસ્તકના પ્રકરણોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, 1942 સુધી બ્રિટિશ શાસન સામે અડધો સંઘર્ષ પ્રજા લડતી અને અડધો સંઘર્ષ ફૂલછાબ લડતું. 1936માં જ્યારે ફૂલછાબ અને જન્મભૂમિ પર આક્ષેપો થયા ત્યારે આખો મામલો ગાંધીજી પાસે પહેંચ્યો. 1937ની એપ્રિલમાં તિથલમાં દેશ અને દુનિયાના પ્રશ્નો એકબાજુએ મૂકી ગાંધીજીએ બન્ને પક્ષોને સાત કલાક સુધી સાંભળ્યા. ગાંધીજી ભાગ્યે જ કોઈ કિસ્સામાં લવાદ થયેલા છે અને એમાં ફૂલછાબ અને જન્મભૂમિ પત્રોનો પણ સમાવેશ થાય છે. રાજુલભાઈએ પપ0 પાનાંનાં પુસ્તકમાં અલગ રીતે ઝવેરચંદ મેઘાણીનાં ગીતો, કચ્છમિત્ર અને જન્મભૂમિના અલગ પ્રકરણો સમાવી લેવામાં આવ્યા હોવાની વાત કરી હતી. તેમણે એમ કહ્યું કે, ફૂલછાબના શતાબ્દી મહોત્સવનું આજના આ પ્રસંગથી મંગલા ચરણ થાય છે.
ફૂલછાબના તંત્રી કૌશિકભાઈ મહેતાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું કે, ફૂલછાબ માટે રાજકોટ પછી મહત્ત્વનું કેન્દ્ર જામનગર છે. સંસ્કૃતનું સૌથી સારું શિક્ષણ અહીં હતું. સંગીત શાળાઓ હતી. જેનાં ઊજળા કુળ હોય અને ઊંડા મૂળ હોય તેનો જ ઇતિહાસ હોય. આ માત્ર ફૂલછાબનો નહીં પણ સમાજ જીવનનો પણ ઈતિહાસ છે. ગુજરાતી અખબારનાં ઇતિહાસનું પુસ્તક તૈયાર થયું હોય એવો આ પ્રથમ કિસ્સો છે. ફૂલછાબ નસીબદાર છે કે, બાપુ જેવા ચાહકો મળ્યા છે. બાપુએ એકવાર કહેલું કે, પાના ભલે ઓછા થાય પણ પન્નો ઓછો ન થવો જોઈએ. આજે પાનાં વધ્યાં છે પણ પન્નો ઘટયો નથી. ફૂલછાબ એ અખબારી ધર્મની સાથે સામાજિક ધર્મ બજાવતું આવ્યું છે. સમાજલક્ષી કાર્યમાં પણ પ્રજાએ ફૂલછાબ ઉપર વિશ્વાસ મુક્યો છે. કારગીલ યુદ્ધ વેળા શહીદ પરિવારો માટે ફૂલછાબને પોણા ચાર કરોડનો ફાળો મળ્યો હતો, એ લોકોનો ફૂલછાબ પરનો વિશ્વાસ કેટલો મજબૂત છે, તેનું દ્રષ્ટાંત છે.
પુસ્તક વિમોચન સમારોહના અંતમાં આભારવિધિ કરતાં ફૂલછાબના મેનેજર નરેન્દ્રભાઈ ઝીબાએ જણાવ્યું કે, ફૂલછાબ અને જામનગરનો સંબંધ વર્ષો પહેલાંનો છે. જ્યારે જામનગરમાં ફૂલછાબને પ્રવેશ નહોતો અપાયો ત્યારે તંત્રી ઝવેરચંદ મેઘાણીને જામનગર માટે આમંત્રણ અપાયું. એ વખતે ઝવેરચંદભાઈએ કહેલું કે ફૂલછાબ અને મેઘાણી અલગ નથી. જ્યાં ફૂલછાબ નથી ત્યાં મેઘાણી નહીં આવે. નરેન્દ્રભાઈએ જામનગરના શ્રેષ્ઠીઓ, શ્રોતાઓનો આભાર માન્યો હતો. કાર્યક્રમનું સુંદર સંચાલન ભરતભાઈ જોશીએ કર્યું હતું.
આ પુસ્તક વિમોચન સમારોહમાં ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, ભારતીય વિદ્યાભવન કેન્દ્રના ચેરમેન ભાનુભાઈ દોશી, ચિંતક-સાહિત્યકાર પ્રા. લાભશંકરભાઈ પુરોહિત, પદ્મશ્રી ડો. કે.એમ.આચાર્ય, જાણીતા ઉદ્યોગપતિ જયંતીભાઈ ચાંદ્રા, ‘નોબત’ના તંત્રી પ્રદીપભાઈ માધવાણી, રીલાયન્સના મીડિયા પર્સન પારીશ જોશી, પરેશ છાયા, ન્યારા રીફાઈનરીના પ્રફુલ્લ ટંકારિયા, અગ્રણી ઉદ્યોગપતિ જીતુભાઈ લાલ, ભાજપ જિલ્લા પ્રમુખ ચંદ્રેશ પટેલ, શહેર પ્રમુખ હસમુખ હિન્ડોચા, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, ચેમ્બરના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ મહેતા, વિકાસગૃહના માનદ્ મંત્રી કરસનભાઈ ડાંગર, સચેતાબેન ભાડલાવાલા, મુક્તાબેન કુંડલ, કચ્છમિત્રના મુકેશભાઈ ધોળકિયા, પ્રા. કિશોરભાઈ દવે, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વશરામભાઈ, અલિયાબાડાના ડો. ડોલરરાય માંકડ પરિવાર, બાપુની કથાના નિમિત્ત માત્ર યજમાનો રમેશભાઈ સચદે અને ચીમનભાઈ વાઘેલા, મનપા કોર્પોરેટરો, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનાં આયોજન અને વ્યવસ્થામાં ફૂલછાબના સર્ક્યુલેશન મેનેજર દીપકભાઈ જોબનપુત્રા, અમિતભાઈ શાહ, તંત્રી વિભાગના યશપાલ બક્ષી, એકાઉન્ટ વિભાગના સંજયભાઈ અજાગિયા, જામનગર ઓફિસના દિનેશભાઈ વોરા અને ટીમના સદસ્યો જોડાયા હતા.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer