જૂઠાણાંનો પટારો ખોલતું પાક.

જૂઠાણાંનો પટારો ખોલતું પાક.
ભારત ઉપર માનવ અધિકાર હનનનો આરોપ લગાવ્યો : યુનોની દરમિયાનગીરી માગી અને અણુયુદ્ધની પરોક્ષ ધમકી પણ ઉચ્ચારી
 
જિનીવા, તા.10: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનાં ભારત સરકારનાં પગલાં પછી બેબાકળાં બનેલા પાકિસ્તાને હવે સંયુક્તરાષ્ટ્રની માનવ અધિકાર પરિષદ (યુએનએચઆરસી)માં આ મુદ્દે જૂઠાણાં ફેલાવવાનાં પ્રયાસો કર્યા છે. પાકિસ્તાને આજે 11પ પાનાનાં ખોટા આક્ષેપોનાં પટારા સમાન દસ્તાવેજ સાથે યુએનએચઆરસીમાં કાશ્મીરની સ્થિતિ વિશે ભારત ઉપર આરોપ મૂક્યા હતાં. પાક.નાં વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ ભારત ઉપર માનવ અધિકારનાં હનનનો આરોપ લગાવતા કહ્યું હતું કે આ ભારતનો આંતરિક મામલો નથી અને તેમાં યુનોએ હસ્તક્ષેપ કરવો જોઈએ.
યુએનએચઆરસીનાં 42મા અધિવેશનમાં આજે કુરેશીએ ભારત ઉપર આક્ષેપો કરવામાં ભાજપનાં ઘોષણાપત્રનો ઉલ્લેખ પણ કરી નાખ્યો હતો. કુરેશીએ આરોપ લગાવ્યો હતો કે, તેમાં કાશ્મીરમાં બળજબરીથી મુસ્લિમોને લઘુમત બનાવવાની વાત કરવામાં આવી છે. કાશ્મીર ભારતનો આંતરિક મામલો નથી. ત્યાં અત્યારે કબ્રસ્તાન જેવી ભેંકાર શાંતિ છવાયેલી છે. ત્યાં નરસંહાર ચાલી રહ્યો છે.
તેમણે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરનાં લોકોનાં મૂળભૂત અધિકારોને ભારત દ્વારા કચડી નાખવામાં આવ્યા છે. ત્યાંના લોકોની મૌલિક સ્વતંત્રતાનો શિકાર થઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં 7થી 10 લાખ જેટલા સૈન્યદળો ખડકી દેવામાં આવેલા છે. છેલ્લા છ અઠવાડિયામાં ભારતે જમ્મુ-કાશ્મીરને દુનિયાનું સૌથી મોટું કેદખાનુ બનાવી નાખ્યું છે. ત્યાં જરૂરિયાતની પ્રાથમિક વસ્તુઓ પણ મળતી નથી. કાશ્મીરમાં છ હજારથી વધુ નેતાઓ ને સામાજિક કાર્યકરો ઉપરાંત વિદ્યાર્થીઓને પણ કેદ કરી લેવામાં આવ્યા છે. આટલું જ નહીં પણ કુરેશીએ તો રોહિંગ્યા અને ગુજરાતનાં કોમી તોફાનોનો ઉલ્લેખ પણ કરવામાં છોછ રાખ્યો ન હતો.
તેમણે ફરી એકવાર પરમાણુ યુદ્ધની પરોક્ષ ધમકી ઉચ્ચારતા કહ્યું હતું કે દક્ષિણ એશિયામાં અણુયુદ્ધ ખાળવું જ રહ્યું છે. પાકિસ્તાન માગણી કરે છે કે ભારત સરકાર કાશ્મીરમાં પેલેટ ગનનો ઉપયોગ અને કર્ફ્યુ સમાપ્ત કરે. આવું કહીને અનેકવાર માનવ અધિકાર ભંગનાં આરોપોમાં ઘેરાતા રહેલા પાકે. હવે આવા આરોપમાં ઉલટા ભારતને જ દંડિત કરવાની હાસ્યાસ્પદ માગણી પણ કરી હતી. આ ઉપરાંત તેમણે આંતરરાષ્ટ્રીય મીડિયાને કાશ્મીરની મુલાકાત લેવા દેવામાં આવે તેવી માગ પણ ઉઠાવી હતી.
 
 
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer