UNHRCમાં નાપાક જૂઠાણાં ફગાવતું ભારત

UNHRCમાં નાપાક જૂઠાણાં ફગાવતું ભારત
પાકિસ્તાનને આતંકનું કેન્દ્ર ગણાવીને ભારતે કહ્યું, કોઈને ભારતની આંતરિક બાબતમાં દખલનો હક્ક નથી
 
નવીદિલ્હી, તા.10: ભારતે સ્વિત્ઝર્લેન્ડનાં જિનીવામાં સંયુક્તરાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ (યુએનએચઆરસી)ની બેઠકમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા આક્ષેપો સામે સણસણતો જવાબી હુમલો બોલાવવામાં આવ્યો હતો. કાશ્મીરમાં માનવ અધિકારના ભંગના જે આક્ષેપો પાકિસ્તાન તરફથી કરવામાં આવ્યા હતા તેનું ખંડન કરતાં ભારતે પાકિસ્તાનને આતંકવાદનું કેન્દ્ર ગણાવ્યું હતું.
ભારતે પાકિસ્તાનને જવાબ આપતાં કહ્યું હતું કે, કાશ્મીરમાં જે નિયંત્રણો લાગુ કરવામાં આવેલા તે સાવધાનીના ભાગરૂપે કરવામાં આવેલી કાર્યવાહી હતી. તેમાં ઘણાં અંશે છૂટછાટ પણ આપવામાં આવેલી છે. વિદેશ મંત્રાલયના પૂર્વ સચિવ વિજય ઠાકુર સિંહે કહ્યું હતું કે, ભારતના આંતરિક મામલાઓમાં કોઈ દેશ ચંચૂપાત કરી શકે નહીં. મુશ્કેલીઓ છતાં જમ્મુ-કાશ્મીરમાં પ્રશાસને આવશ્યક ચીજોનો પુરવઠો ખોરવાવા દીધો નથી. પ્રતિબંધોમાં પણ રાહત અપાઈ રહી છે.
પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા તમામ આક્ષેપો વાંધાજનક દુષ્પ્રચાર અને ખોટા આરોપો છે. જમ્મુ-કાશ્મીરમાં ભેદભાવ દૂર કરવાનો નિર્ણય સંસદીય માર્ગે લેવાયેલો નિર્ણય છે પરંતુ દુનિયા જાણે જ છે કે આવાં બનાવટી ચિત્રો આતંકવાદનાં કેન્દ્રમાંથી ઉભા કરવામાં આવી રહ્યાં છે.
 
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer