સાવધાન, આગળ આકરો દંડ છે

સાવધાન, આગળ આકરો દંડ છે
-લોકરોષની સંભાવના ધ્યાને રાખીને કેન્દ્રની જોગવાઈ કરતાં અડધો દંડ લાગુ કરવા રાજ્ય સરકારનો નિર્ણય
- ટ્રાફિકના નવા નિયમોનો અમલ લોકોને હેરાન કરવા નહી પણ નાગરિકોની સલામતી માટે છે,  તા. 16મીથી કડક અમલ શરૂ થશે: રૂપાણી
 
અમદાવાદ, તા. 10 : કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એકટમાં  સુધારો કરીને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો પાસેથી  મોટી રકમનો દંડ વસુલવાનો કાયદો બનાવ્યો છે તેની સામે ઉઠેલા વિરોધના પગલે ગુજરાત સરકારે સાવધાની રાખીને દંડની રકમમાં રાહત આપી છે.
દંડની રકમમાં કરાયેલા ઘટાડા અંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, નવા નિયમોનો અમલ લોકોને હેરાન કરવા નહીં પરંતુ નાગરિકોની સલામતિ માટે છે, સામાન્ય વ્યકિતઓ પર નાણાકિય ભારણ ઓછુ પડે અને લોકો ટ્રાફિકના નિમયોનું પાલન કરતા થાય તે માટે નવા કાયદામાં કેન્દ્ર સરકારે જાહેર કરેલ દંડની રકમના 50 ટકા જેટલી રકમમાં ઘટાડો કર્યો છે. નવા કાયદાનો તા.16મીથી કડક અમલ શરૂ કરાશે.
તેમણે કહ્યુ કે, મોટર વ્હીકલ એકટ હેઠળના 18 જેટલા ગુનામાં દંડની જોગવાઇ કરી છે. તેમાં કોઇપણ વ્યકિત તેના સ્માર્ટફોનમાં ડિઝીટલ લોકરમાં આર.સી.બુક, લાયસન્સ, પીયુસી, ઇન્સ્યુરન્સ જેવા દસ્તાવેજોની નકલ રાખી હશે તો તે માન્ય ગણાશે. આ બાબતે ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગને સૂચના આપી દેવામાં આવી છે.
રાજ્ય સરકારે જાહેર કરેલા 18 ગુનામાં નવા દંડમાં મહત્વના એવા પુરઝડપે વાહન ચલાવવું, રજીસ્ટ્રેશન વગર કે ફીટનેશ વગર વાહન ચલાવવું, દારૂ કે નશામાં વાહન ચલાવવાના ગુનામાં કડક જોગવાઇ કરાઇ છે. ખાસ કરીને થર્ડ પાર્ટી વીમા વગર વાહન ચલાવવા જાહેર જગ્યામાં રેસ કરવી કે સ્પીડની ટ્રાયલ જેવા ગુનામાં કેન્દ્ર સરકારે જાહેર કરેલા દંડની રકમને યથાવત રાખી છે. થર્ડ પાર્ટી વીમા વગર વાહન ચલાવવાના  ગુનામાં પ્રથમ વખત રૂ. 2000 અને બીજી વખત રૂ. 4000નો દંડ, જાહેર સ્થળે રેસ કરવી કે સ્પીડની ટ્રાયલ જેવા ગુનામાં પ્રથમ રૂ. 5000 અને પછી રૂ. 10000નો દંડ લેવામાં આવશે.
પ્રજાને સ્પર્શતા ગુનામાં હેલ્મેટ ન પહેરી હોય તો પ્રથમ રૂ. 500, બીજીવખત પણ રૂ. 500નો દંડ ચુકવવાનો રહેશે. દ્વિચક્રી વાહનની પાછળ બેસનારને હેલ્મેટ પહેરવામાંથી મુકિત આપવામાં આવી છે. મોટરકારમાં સીટબેલ્ટ  ન બાંધ્યો હોય તો રૂ. 500નો દંડ, સીટબેલ્ટ ડ્રાઇવર અને ફ્રન્ટ સિટ પુરતો મર્યાદિત રહેશે. કારના કાચ પર ડાર્ક ફિલ્મ અંગે પ્રથમ રૂ. 500 અને બીજી વખત રૂ. 1000 દંડ પેટે ચુકવવા પડશે. આ ઉપરાંત લાયસન્સ, પીયુસી, આરસીબુક દસ્તાવેજો સાથે ન હોય તેવા ગુનામાં પ્રથમ રૂ. 500 અને બીજી વખત રૂ. 1000, અડચણરૂપ પાર્કિગ અંગે પ્રથમ રૂ. 500 અને બીજીવખત રૂ. 1000, ત્રણસવારીમાં રૂ. 100નો દંડ યથાવત રખાયો છે.
ભયજનક રીતે વાહન ચલાવવા અથવા રોંગ સાઇડમાં વાહન ચલાવવા અંગે થ્રી વ્હીલરને રૂ. 1500, એલએમવીના રૂ. 3000 અને અન્ય વાહનો માટે રૂ. 5000ના દંડની જોગવાઇ છે. ઓવરસ્પીટના ગુનામાં  ટુ, થ્રી વ્હીલર અને ટ્રેકટરને પ્રથમ રૂ. 1500 અને બીજી વખત રૂ. 2000 અને એલએમવીને રૂ. 2000 અને બીજીવખત રૂ. 3000 અને અન્ય વાહનોને રૂ. 4000 અને બીજી વખતના ગુનામાં છ મહિના માટે લાયસન્સ રદ્દ કરવામાં આવશે. ડ્રાઇવીંગ લાયસન્સ વગર વાહન ચલાવવા અંગે ટુ વ્હીલરના રૂ. 2000, થ્રી વ્હીલર અને ફોર વ્હીલર અને તેની ઉપરના વાહનમાં રૂ. 3000, રજીસ્ટ્રેશન વગરના વાહનમાં ટુ વ્હીલરને રૂ. 1000, થ્રી વ્હીલરને રૂ. 2000 અને ફોર વ્હીલરને રૂ. 3000 અન્ય વાહનને રૂ. 5000નો દંડ ચુકવવાનો રહેશે. પ્રદુષણયુકત વાહન અંગે ટુ વ્હીલર અને એલએમવીને રૂ. 1000 અને અન્ય વાહનને રૂ. 3000, અવાજનું પ્રદુષણ કરતા વાહનોને રૂ. 1000નો દંડ ચુકવવાનો રહેશે.
ઇમરજન્સી સેવા ગણાતી એમ્બ્યુલન્સ અથવા ફાયર ફાઇટર વ્હીકલ કે એવા કોઇ ઇમરજન્સીડયુટીવાળા વાહનોને સાઇડ ન આપવાના ગુનામાં રૂ. 1000નો દંડ ચુકવવો પડશે.
----------
જુદા જુદા માર્ગો પર વાહનની મહત્તમ ગતિ મર્યાદા પણ જાહેર
(ફૂલછાબ ન્યૂઝ) અમદાવાદ, તા.10: ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ આજે મોટર વ્હીકલ એક્ટની સાથે રાજ્યમાં આવેલા એક્સપ્રેસ હાઇવે, નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે, મ્યુનિસિપલ રોડ, નાના રસ્તા અને જિલ્લાના રોડ તેમજ ગ્રામ્ય રોડ એમ જુદા જુદા પ્રકારના માર્ગોની મહત્તમ ગતિ મર્યાદા જાહેર કરી છે. જે અનુસાર, એક્સપ્રેસ હાઇવે પર 8 થી ઓછી સીટ ધરાવતા વાહનો માટે મહતમ સ્પીડ  120 કિ.મી. અને 8 થી વધુ સીટ ધરાવતા વાહનો માટે પ્રતિ કલાકની 100 કિ.મી.ની સ્પીડ નક્કી કરવામાં આવી છે. જ્યારે માલવાહક ટ્રક માટે પ્રતિ કલાકની 80 કિ.મી., જ્યારે ચાર લેન રસ્તા અને નેશનલ હાઇવે પર 8 થી ઓછી સીટ ધરાવતા વાહનો માટે 100 કિ.મી. અને 8 થી વધુ સીટ ધરાવતા વાહન માટે 90 કિ.મી., માલવાહક ટ્રક માટે 80 કિ.મી., ટ્રેકટર માટે 40 કિ.મી. પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત 100 સીસી કરતા વધુ સીસીવાળા વાહનો માટે 80 કિ.મી. અને 100 સીસી વાળા વાહનો માટે 60 કિ.મી. , જ્યારે થ્રી વ્હીલર માટે 50 કિ.મી.ની ગતિ  પ્રતિ કલાક નક્કી કરાઇ છે.
આ સાથે રાજ્યસરકારના સ્ટેટ હાઇવે, મ્યુનિસિપલ રોડ, જિલ્લાના મુખ્ય માર્ગો, જિલ્લાના અન્ય માર્ગો અને ગ્રામ્ય માર્ગોના અનુક્રમે 8 થી ઓછી બેઠક ધરાવતા વ્હીકલ માટે 50 થી 80 કિ.મી.,  એ જ રીતે 8 થી વધુ બેઠક ધરાવતા વ્હીકલ માટે 50 થી 75 કિ.મી. પ્રતિ કલાક ગતિ નક્કી કરાઇ છે. માલવાહક ટ્રક  માટે 40 થી 70 કિ.મી., ટ્રેકટર માટે 30 થી 40 કિ.મી. પ્રતિ કલાક ગતિ રહેશે.  જ્યારે 100 સીસીથી ઉપરના વ્હીકલ માટે 50 થી 70 કિ.મી. જ્યારે 100 સીસીના વ્હીકલ માટે  40 થી 60 કિ.મી. પ્રતિ કલાક ગતિ નક્કી કરવામાં આવી છે. જ્યારે થ્રી વ્હીલર માટે 30 થી 50 કિ.મી. પ્રતિ કલાકની ગતિ બાંધવામાં આવી છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer