ધુનડામાં વીજળી પડતા યુવતીનું, લખતરમાં દીવાલ ધસતા બાળકનું મૃત્યુ

સરલા ગામે વીજળી પડતા બે ગાયના મોત
રાજકોટ, તા.10: સૌરાષ્ટ્ર પર ભારે વરસાદ અને ગાજવીજ સાથે પૂરની પરિસ્થિતિ સર્જાતા નુકસાની સાથે જાનહાની પણ શરૂ થઇ છે. આજે અનેક ઘટનાઓમાં વીજળી પડતા બે ગાય  અને એક યુવતી, તણાઇ જતાં બે ગાય અને દિવાલ ધસી પડતા એક બાળકનું મૃત્યુ થયાનું જાણવા મળે છે.
મૂળી: સરલા ગામે તા.9મીએ ભારે ગાજવીજ સાથે વરસાદ પડતા રબારી લધાભાઇ પોતાના માલઢોર ચરાવવા ગયા હતાં ત્યારે વીજળી પડતા બે ગાયના મોત થયાં છે. જ્યારે પાંડવરા ગામે પણ વૃક્ષ ઉપર વીજળી ત્રાટકી હતી.
મોરબી: જિલ્લામાં ગઇ કાલે ભારે ગાજવીજ સાથે વરસાદ પડયો હતો ત્યારે ધુનડા ગામે રીટાબહેન દિનેશભાઇ કોળી નામની 18 વર્ષીની યુવતી વાડીએથી પરત આવતી હતી ત્યારે વીજળી પડતા તેનું મોત થયું હતું. જ્યારે બે મહિલાનો બચાવ થયો હતો.
વઢવાણ: લખતરના ભાસ્કર પરામાં આજે ઘરના આંગણામાં રમી રહેલા સંદીપ જરાભાઇ ઉ.4।। વર્ષ પર મકાનની દીવાલ ધસી પડતા તેનું દબાઇ જવાથી મૃત્યુ થયું હતું.
સુરેન્દ્રનગર: ઉપરવાસના ભારે વરસાદથી ધોળીધજા ડેમ ઓવરફલો થતા નદીમાં ઘોડાપુર આવ્યું હતું. ત્યારે ભોગાવોના કોઝવે પર પસાર થતી ત્રણ ગાયો તણાઇ હતી. જેમાં ફાયરબ્રિગેડની ટીમે એક ગાયને બચાવી લીધી હતી. એકનું મોત  થયું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer