કેશોદમાં રૂા.20 લાખ રોકડાની ચોરીમાં દંપતીના નાર્કો ટેસ્ટની કોર્ટમાં માગણી

જૂનાગઢ, તા.10: કેશોદમાં સપ્તાહ પહેલા એક મકાનમાંથી રૂા.20 લાખ રોકડાની ચોરી પ્રકરણમાં પોલીસને કોઈ પુરાવા ન મળતા અંતે પોલીસે દંપતીનો નાર્કો ટેસ્ટ કરવા કોર્ટમાં માગણી કરી છે.
જૂનાગઢ પોલીસમાં ફરજ બજાવતા વિમલ દોમડિયાએ મકાન ખરીદવા માટે રૂા.20 લાખ એકઠા કરી કેશોદ રહેતા તેના કૌટુંબીક કાકા જમનભાઈ કુંભાણીને સાચવવા આપ્યા હતા તે ગત તા.3ના ચોરી થયાની જમન કુંભાણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ચોરીની તપાસ કરનાર પોલીસ અધિકારીને ચોરીના કોઈ પુરાવા ન મળતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનું ધ્યાન દોરતા આ મુદ્દે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા પોલીસે જમનભાઈ કુંભાણી અને તેમના પત્નીનો નાર્કો ટેસ્ટ કરવા કોર્ટમાં મંજૂરી માંગી છે. જરૂર જણાયે જેના નાણા હતા તે પોલીસમેન વિમલ દોમડિયાનો નાર્કો ટેસ્ટ માટે માગણી કરાશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer