હળવદના વેગડવાવમાં આકાશમાંથી શંકાસ્પદ વસ્તુ પડતા દોડધામ !

હળવદના વેગડવાવમાં આકાશમાંથી શંકાસ્પદ વસ્તુ પડતા દોડધામ !
પોલીસ તપાસમાં હવામાન વિભાગનું માપક યંત્ર હોવાનું ખૂલ્યું
હળવદ, તા.10: હળવદ તાલુકાના વેગડવાવ ગામે આવેલા એક વાડી વિસ્તારમાં ઉપરથી કોઈ શંકાસ્પદ વસ્તુ પડતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાને પગલે હળવદ પોલીસ અને મામલતદાર સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ કરતા હવામાન વિભાગનાં માપકયંત્રની વસ્તુ હોવાનું અનુમાન દર્શાવાયું છે.
હળવદ તાલુકાનાં વેગડવાવ ગામે આવેલી બળદેવભાઈ મનજીભાઈ દલવાડીની વાડીમાં વાવેલ કપાસમાં આજે વહેલી સવારના આકાશમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ પડી હતી. આ વસ્તુઓ ધ્યાને આવતાં ખેતરમાં લોકોનાં ટોળેટોળાં એકઠાં થઇ ગયાં હતાં. બાદમાં આ વસ્તુ પડયાની ગ્રામજનોને પોલીસ અને મામલતદારને જાણ કરી હતી. જેને પગલે પોલીસ અને મામલતદાર ઘટનાસ્થળે દોડી જઈને આ વસ્તુઓ અંગે તપાસ કરી હતી. ટીમની તપાસમાં  ખેતરમાં પડેલી આ વસ્તુઓમાં એક કેમેરો, એક સર્કિટ, બે થર્મોકોલના બે બોક્સ, ફુગ્ગો જોવા મળ્યા હતા. આ ફુગ્ગો હવામાન વિભાગ દ્વારા ઉપયોગમાં લેવાય છે તેવો હતો. આથી આ તમામ વસ્તુઓ હવામાન વિભાગના માપક યંત્રની હોવાનું હાલ પ્રાથમિક તારણ નીકળ્યું છે. હવામાન વિભાગની જ આ વસ્તુઓ નીકળતા ગ્રામજનોએ રાહત અનુભવી છે. જોકે હાલ હળવદ પોલીસ અને મામલતદારે આ બાબતે હવામાન વિભાગને જાણ કરીને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer