તાલાલા ખાંડ ફેકટરીમાં તસ્કર ટોળકીએ ત્રાટકી રૂા.1.65 લાખના સામાનની ચોરી કરી

રોયલ પાર્કના બંધ મકાનને નિશાન બનાવી રોકડ-સોનાના દાગીના મળી રૂા.1.20 લાખનો મુદ્દામાલ ચોરી ફરાર
તાલાલા, તા.10: તાલાલા વિસ્તારમાં આવેલી ખાંડની ફેકટરી, રોયલ પાર્કમાં આવેલા બંધ મકાનમાં અજાણ્યા તસ્કરોએ ત્રાટકી ફેકટરીમાંથી કોપર વાયર, વેલ્ડિંગ પેટી-2, બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના-રોકડ મળી બન્ને સ્થળો પરથી રૂા.2,85,000નો મુદ્દામાલ ચોરી કરી નાશી છૂટયા હતાં. જે ચોરીના બનાવ અંગે તાલાલા પોલીસ મંથકમાં બે ફરિયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ તાલાલા ગીરમાં સાસણ રોડ ઉપર આવેલી ખાંડની ફેકટરીનાં બંધ પ્લાન્ટનો દરવાજો ટપી અજાણ્યા તસ્કરોએ વેલ્ડિંગ પેટી નંગ-2, એક પેટીનો અડધો સામાન તથા મોટર બાંધવાનો કોપર વાયર તેમજ કેબલ સર્વિસ સહિત રૂા.1,65,000ની કિંમતી ચીજવસ્તુઓ ચોરી કર્યા અંગેની ફરિયાદ ફેકટરીના ઇન્ચાર્જ એમ.ડી.ચીનાભાઇ કામળિયાએ પોલીસ મંથકમાં નોંધાવી છે.
જ્યારે તાલાલા રોયલ પાર્કમાં રહેતા લોન્ડ્રીની દુકાન ધરાવતા દિનેશ પરસોતમ પરમાર (ઉ.વ.50) નામના ધોબી પ્રૌઢ રવિવાર સાંજે વેરાવળમાં સસરાના ઘરે ગયાં હતાં. જ્યાં વરસાદી માહોલ વચ્ચે બે દિવસ માટે ધોબી પરિવારે ટૂંકું રોકાણ કર્યું હતું. જે અરસામાં બંધ મકાનમાં અજાણ્યા તસ્કરોએ ત્રાટકી લોખંડની જાળીનું તાળું તોડી મુખ્ય બેડરૂમમાં ઘુસી તિજોરી તેમજ પતરાનો કબાટ તોડી સામાન-વેરવિખેર કર્યા બાદ રૂા.50,000 તેમજ સોનાના દાગીના રૂા.70,000  મળી કુલ રૂા.1,20,000ની ચોરી કરી નાશી છૂટયા હતાં. જે બનાવ અંગે મકાન માલિકને જાણ થતાં તાલાલા પોલીસ મંથકમાં અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer