વઢવાણના ફુલ ગામ પાસે કાર પલટી ખાઇ જતાં માતા-પુત્રના મૃત્યુ

ગાંધીનગરના તબીબ અને તેની પત્ની સહિત ત્રણને ઇજા
વઢવાણ, તા. 10: વઢવાણના ફુલ ગામ પાસે ગાંધીનગરના તબીબની કાર ઉંધી વળી જતાં માતા-પુત્રના મૃત્યુ નિપજ્યા હતાં. જ્યારે તબીબ, તેની પત્ની સહિત ત્રણને ઇજા
થઇ હતી.
આ બનાવમાં 85 વર્ષના અમુલાબહેન ભાવાભાઇ માથુકિયા અને તેમના 58 વર્ષના પુત્ર ચેતનભાઇના મૃત્યુ નિપજ્યા હતાં. જ્યારે તબીબ પટેલ સંકેતભાઇ ચેતનભાઇ માથુકિયા, તેની પત્ની સરોજબહેન સહિત ત્રણને ઇજા થઇ હતી.
ગાંધીનગરના ઉર્જાનગરમાં રહેતાં અને સીએમસીમાં ડૉકટર તરીકે ફરજ બજાવતા સંકેતભાઇ, તેની પત્ની સરોજબહેન, પિતા ચેતનભાઇ અને દાદી  અમુલાબહેન ભાવાભાઇ માથુકિયા કારમાં ગોંડલ ગામે ધાર્મિક ક્રિયા માટે ગયા હતાં. ત્યાંથી કારમાં પરત જઇ રહ્યા હતાં. ત્યારે વઢવાણના ફુલગામના પાટિયા પાસે કારના ચાલકે  સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા કાર પલટી ખાઇ ગઇ હતી અને તબીબના પિતા ચેતનભાઇ અને તેમના દાદી અમુલાબહેન માથુકિયાના મૃત્યુ નિપજ્યા હતાં. જ્યારે તબીબ, તેની પત્ની અને કારચાલકને ઇજા થઇ હતી. આ બનાવની જાણ થતાં જમાદાર રણજીતસિંહ ચૌહાણ અને કેશરીસિંહ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને જરૂરી કાર્યવાહી કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer