પાક.માંથી નાસેલા ઇમરાનના પક્ષના નેતાએ ભારતમાં આશ્રય માગ્યો

પાક.માંથી નાસેલા ઇમરાનના પક્ષના નેતાએ ભારતમાં આશ્રય માગ્યો
પાક.ના પૂર્વ ધારાસભ્ય બલદેવે કહ્યું, હિન્દુ- શીખો સલામત નથી
નવી દિલ્હી, તા. 10 : નયા પાકિસ્તાનનો દાવો કરનારા પાકના વડાપ્રધાન ઇમરાન ખાનના પક્ષના જ નેતા ખુદને સલામત માનતા નથી. પાકિસ્તાનની આરક્ષિત બેઠકથી અગાઉ ધારાસભ્ય બની ચૂકેલા તહેરિક-એ-ઇન્સાફના  બલદેવ કુમાર ભારત આવી ગયા છે. તેમણે પાકિસ્તાનમાં લઘુમતીઓને અસુરક્ષિત બતાવીને કહ્યું હતું કે, તેઓ હવે પાક પરત જવા માગતા નથી. તેમણે ભારત સરકાર પાસે રક્ષણની માગણી કરી છે. બલદેવકુમાર (43) પાકના પીએમ ઈમરાન ખાનના પક્ષ પાકિસ્તાન તહેરિકે ઈન્સાફના સભ્ય હતો, તેમને ખૂનના કેસમાં ભીડવી દેવાયા બાદ આરોપમુક્ત કરાયા હતા. ખૈબર પખ્તુનખ્વાની બારીકોટ (અનામત)ની પ્રાંતીય ધારાસભાના પૂર્વ સભ્ય છે.
બલદેવ કુમારે પાકમાં અસુરક્ષિત માહોલ હોવાનું જણાવીને કહ્યું હતું કે, પાકિસ્તાનમાં માત્ર લઘુમતીઓ જ નહીં, ખુદ મુસ્લિમો પણ સલામત નથી. અમે પાકિસ્તાનમાં બહુ ખરાબ માહોલનો સામનો કરી રહ્યા છીએ. હું ભારત સરકારને અનુરોધ કરું છું કે, તેઓ મને આ દેશમાં આશ્રય આપે. હું હવે પરત નહીં જાઉં. પાકિસ્તાનમાંથી હિન્દુઓ અને શીખો ભારત આવી શકે એ માટે મોદી સરકારે ખાસ પેકેજ જાહેર કરવું જોઇએ. પાકિસ્તાનમાં લઘુમતીઓને બહુ હેરાન કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિનાથી પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુ યુવતીઓનું અપહરણ કરીને  બળજબરીથી ધર્માંતરણની અનેક ઘટનાઓ બની ચૂકી છે.
બલદેવ ત્રણ મહિનાના વિઝા પર ભારત આવ્યા છે. તેઓ ખૈબર પખ્તુનવા વિસ્તારમાં લઘુમતીઓના અધિકારો માટે અવાજ ઉઠાવતા રહ્યા છે. તેઓ ઇમરાનના પક્ષ વતી બારીકોટથી ધારાસભ્ય બન્યા હતા પણ તેમનો કાર્યકાળ માત્ર બે દિવસનો રહ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer