ચીન-પાકના સંયુક્ત નિવેદનને ફગાવતું ભારત

ચીન-પાકના સંયુક્ત નિવેદનને ફગાવતું ભારત
કાશ્મીર મુદ્દા પર ચીન દ્વારા પાકિસ્તાનને સમર્થન અપાતાં ભારતનો રોષભેર વિરોધ
નવી દિલ્હી, તા. 10 : કાશ્મીર મુદ્દા પર ચીન દ્વારા પાકિસ્તાનને સમર્થન અપાતાં ભારતે તેનો રોષભેર વિરોધ કર્યો હતો. ભારત સરકારે ચીન અને પાકિસ્તાનના કાશ્મીર મુદ્દા પર સંયુક્ત નિવેદનને મૂળથી ફગાવી દીધું છે. વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર અંગે ચીન અને પાકિસ્તાનના નિવેદનને અમે ફગાવીએ છીએ. જમ્મુ-કાશ્મીર અમારો અભિનન્ન હિસ્સો છે. ઉલ્લેખનીય છે કે, ચીનના વિદેશ મંત્રીએ તેમના તાજેતરના પાકિસ્તાન પ્રવાસ વખતે બંને દેશોએ એક સંયુક્ત નિવેદન જારી કર્યું હતું.
ચીને ફરી એક વખત કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનને સમર્થન આપવાની પોતાની  પ્રતિબદ્ધતા દોહરાવતાં જણાવ્યું હતું કે તે કોઈ પણ એવી એકપક્ષીય કાર્યવાહીનો વિરોધ કરે છે જે ક્ષેત્રીય સ્થિતિને જટિલ બનાવી શકે છે. બંને દેશોએ એક સંયુક્ત નિવેદનમાં આમ જણાવ્યું હતું.
ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારત સતત ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર પર ચિંતા વ્યક્ત કરતું રહ્યું છે.
ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન અનુસાર ચીનના વિદેશમંત્રી વાંગ યીની બે દિવસની પાકિસ્તાન યાત્રાના સમાપન બાદ રવિવારે આ નિવેદન જારી કરવામાં આવ્યું હતું.
પોતાની યાત્રા દરમ્યાન ચીની વિદેશમંત્રીએ પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન, પોતાના સમકક્ષ શાહ મહમૂદ કુરૈશી, રાષ્ટ્રપતિ આરિફ અલ્વી અને સેના વડા જનરલ કમર જાવેદ સાથે વાતચીત કરી હતી.
નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ચીન પાકિસ્તાનની સંપ્રભુતા, ક્ષેત્રીય અખંડતા, સ્વતંત્રતા અને રાષ્ટ્રીય ગરિમાની રક્ષા માટે પોતાના સમર્થનની પુષ્ટિ કરે છે અને સાથોસાથ ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દામાં તેના સમર્થનની પ્રતિબદ્ધતાને દોહરાવે છે.
પાકિસ્તાનના પ્રવાસે આવેલા પ્રતિનિધિમંડળે કહ્યું કે, ચીન કાશ્મીરની વર્તમાન સ્થિતિ પર પણ ધ્યાન આપી રહ્યું છે. તેઓએ પુનરોચ્ચાર કર્યો હતો કે, આ મુદ્દો ઈતિહાસથી ચાલ્યો આવતો વિવાદ છે જેનું સમાધાન થયું નથી. ચીને કહ્યું કે આ વિવાદનો ઉકેલ દ્વિપક્ષીય રીતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવોના આધારે યોગ્ય અને શાંતિપૂર્ણ રીતે આવવો જોઈએ.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer