કરોગે યાદ તો હર બાત યાદ આયેગી...

કરોગે યાદ તો હર બાત યાદ આયેગી...
પદ્મવિભૂષણથી સન્માનિત ખય્યામ સાહેબની વિદાયથી સંગીત રાંક બન્યું
‘ઉમરાવ જાન’, ‘બાઝાર’, ‘કભી-કભી’, ‘નૂરી’, ‘િત્રશૂલ’ જેવી ફિલ્મોમાં પોતાનું સંગીત પીરસનારા સંગીતકાર પદ્મવિભૂષણથી સન્માનિત મોહમ્મદ જહૂર ખય્યામનું લાંબી બિમારી બાદ આજે 93 વર્ષની વયે નિધન થયું છે. ભાગ્યે જ કોઈને જાણ હશે કે, ખય્યામે પોતાની કારકિર્દીની શરૂઆત અભિનેતા તરીકે કરવા ઈચ્છતા હતાં પરંતુ ધીરે-ધીરે તેમની રૂચિ ફિલ્મી સંગીત તરફ વધવા લાગી અને અંતે એ સંગીતે જ તેમને ભારતીય સિનેમાના દિગ્ગજ સંગીતકાર બનાવ્યાં.
18 ફેબ્રુઆરી 1927ના રોજ પંજાબના જલંધર જિલ્લાના નવાબ શહેરમાં ખય્યામનો જન્મ થયો હતો. પૂરો પરિવાર શિક્ષિત-દિક્ષિત હતો. ચાર ભાઈ અને એક બહેન. ખય્યામ પોતાના પિતાના ચૌથા પુત્ર હતાં જે અભિનય અને સંગીતના શોખના કારણે પાંચ ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ ઘરેથી ભાગી છુટયાં હતાં. માત્ર ખય્યામના મામાને ગીત-સંગીતમાં રૂચિ હતી તેમણે જ મુંબઈમાં બાબા ચિશ્તી સાથે ખય્યામની મુલાકાત કરાવી જેઓ બીઆર ચોપડાની ફિલ્મ યે હૈ જિંદગી માટે સંગીત તૈયાર કરી રહ્યાં હતાં. બાબાએ તેમને પોતાના સહયોગી તો બનાવ્યાં પરંતુ એક રૂપિયો પણ ન આપ્યો અંતે બીઆર ચોપડાએ તેમને એકાઉન્ટન્ટ પાસેથી રૂ.25 અપાવ્યાં હતાં.
ખય્યામે એક તબક્કે સેનામાં જોડાવાનો પણ નિર્ધાર કર્યો હતો. વર્તમાનપત્રોમાં જાહેરાતો વાંચી કે ટ્રેનિંગ બાદ યુવા સૈનિકોને આકર્ષક વળતર મળશે. બે વર્ષ સુધી ખય્યામે સૈનિક તરીકે નોકરી કરી અને ઘણા નાણા પણ એકઠા કર્યા પરંતુ સંગીતનો શોખ ફરી તેમને મુંબઈ ખેંચી લાવ્યો. ખય્યામે પ્રથમવાર ફિલ્મ હીર રાંઝામાં સંગીત આપ્યું હતું પરંતુ મોહમ્મદ રફીના ગીત અકેલે મેં વહ ઘબરાતે હૈ થી તેમની ઓળખ પ્રસ્થાપિત થઈ હતી. ફિલ્મ શોલા ઓર શબનમે તેમને સંગીતકારના રૂપમાં પ્રસ્થાપિત કર્યા. 1982માં રિલીઝ થયેલી મુજફ્ફર અલીની ફિલ્મ ‘ઉમરાવ જાન’એ તેમને ખ્યાતનામ સંગીતકાર બનાવી દીધા.
ખય્યામે લતા મંગેશકર, આશા ભોસલે, કિશોર કુમાર, અનવર અલી, મુકેશ, શમશાદ બેગમ, મોહમ્મદ રફી જેવા શ્રેષ્ઠ ગાયકો સાથે કામ કર્યુ જો કે, લતા અને આશા બન્ને બહેનોના અવાજ સાથે તેમનું સંગીત ખુબ જ સફળ રહ્યું. ખય્યામના પત્ની જગજીત કૌર પણ શ્રેષ્ઠ ગાયિકા છે જેમણે ખય્યામ સાથે બાઝાર, શગૂન અને ઉમરાવ જાન જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતું. એક દિવસ યુવાન પુત્રના અકાળે નિધને ખય્યામને સંગીતથી દૂર કરી દીધા. ખય્યામ બોલીવુડના એક એવા સંગીતકાર હતાં જેઓએ ઓછી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું પરંતુ તેમના ગીતો અને ધૂન અમર છે.
ખય્યામના 10 શ્રેષ્ઠ ગીતે
(1) એ દિલે નાદાન - લતા મંગેશકર, ફિલ્મ-રઝિયા સુલ્તાન
(2) આંખો મેં હમને આપકે - કિશોરકુમાર ફિલ્મ- થોડી સી બેવફાઈ
(3) ફિર છિડી રાત -લતા મંગેશકર અને તલત અઝીઝ- ફિલ્મ બાઝાર
(4) કભી-કભી મેરે દિલ મેં - મુકેશ ફિલ્મ-કભી કભી
(5) કરોગે યાદ તો - ભાપિંદર સિંહ, ફિલ્મ- બાઝાર
(6) હઝાર રાહે - કિશોરકુમાર, ફિલ્મ-થોડી સી બેવફાઈ
(7) ઈન આંખો કી મસ્તી મેં - આશા ભોંસલે ફિલ્મ-ઉમરાવ જાન
(8) જૂસ્તજુ જિસકી થી - આશા ભોસલે ફિલ્મ-ઉમરાવ જાન
(9) તેરે ચહેરે સે નજર નહી - કિશોરકુમાર-લતા મંગેશકર, ફિલ્મ-કભી કભી
(10) જિંદગી જબ ભી તેરી - તલત અઝીઝ- ફિલ્મ ઉમરાવ જાન

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer