રાજકોટ મનપા ગરીબો માટે ‘શાનદાર’ આવાસો બનાવશે

રાજકોટ મનપા ગરીબો માટે ‘શાનદાર’ આવાસો બનાવશે
શોપીંગ સેન્ટર, ક્લબ હાઉસ, ગાર્ડન સુવિધા સાથે
ક્ષ     અદ્યતન હાઉસિંગ પ્રોજેક્ટ માટે દેશભરમાં રાજકોટ સહિત માત્ર 6 શહેરોની પસંદગી : ફ્લેટની કિમત માત્ર 5.50 લાખ
રાજકોટ તા.19 : રૈયા સ્માર્ટ સિટી એરીયામાં સ્થિત લેઈક-2 અને લેઈક-3ની  વચ્ચેની જગ્યામાં 40,000 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતી સુંદર સાઈટમાં કેન્દ્ર સરકારના સહયોગથી રાજકોટ મહાપાલિકા શોપીંગ સેન્ટર,કલબ હાઉસ અને બગીચા સાથેની સુવિધા ધરાવતી અનોખી આવાસ યોજનાનું નિર્માણ કરવા જઈ રહ્યું છે.
મ્યુનિ.કમિશનર બંછાનીધિ પાનીએ અદ્યતન હાઉસિંગ પ્રોજેક્ટ વિષે માહિતી આપતા જણાવ્યું હતું કે,મનપાએ હાઉસિંગ ક્ષેત્રે જે નવી પહેલ કરી છે તેને નજર સમક્ષ રાખતા કેન્દ્ર સરકારશ્રીએ (લાઈટહાઉસ પ્રોજેક્ટ્સ) દીવાદાંડીરૂપ એટલે કે માર્ગદર્શક પ્રોજેક્ટસ ઓળખી કાઢવા રાજકોટ સહિત કુલ છ શહેરોની ઓળખ કરી હતી. રાજકોટ માટે વધુ એક ગૌરવપૂર્ણ એવા એક ઘટનાક્રમમાં, રાજકોટ મનપાને તાજેતરના સમયમાં એફોર્ડેબલ અને ગ્રીન બિલ્ડિગ કન્સેપ્ટ સાથે સફળતાપૂર્વક પૂર્ણ કરી જે પ્રગતિ સાધી છે તેવા હાઉસિંગ પ્રોજેક્ટ્સની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે.
રૈયા સ્માર્ટ સિટી એરિયામાં નિર્માણ પામનારા આ લેટેસ્ટ હાઉસિંગ પ્રોજેક્ટ્સ વિશે વિસ્તૃત માહિતી આપતાં કમિશનરે ઉમેર્યુ હતું કે, વાર્ષિક રૂ. 3 લાખની આવક ધરાવતા આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકો માટે 13-13 માળના કુલ 11 ટાવરમાં 1,144 ફ્લેટનું નિર્માણ કરાશે જેમાં દરેક આવાસ માટે 40 ચોરસ મીટર કાર્પેટ એરિયા રહેશે. નાગરિકોને આ ફ્લેટ રૂ.5.50 લાખની કિંમતમાં પ્રાપ્ત થઇ શકશે. આ એક આવાસ બનાવવા માટે કુલ રૂ.10.50 લાખ જેવો ખર્ચ થવાનો અંદાજ છે. આ શાનદાર હાઉસિંગ પ્રોજેક્ટમાં બ્યુટીફુલ ગાર્ડન, ટુ ટાયર પાર્કિંગ, ડ્રેનેજ, પીવાનું પાણી, જેવી સુવિધાઓ ઉપરાંત મોલ ટાઈપ કોમર્શિયલ કોમ્પ્લેક્સ (શાપિંગ સેન્ટર), ક્લબ હાઉસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવશે.પ્રત્યેક ઘરના કિચનમાંથી ગાર્ડન વ્યુ જોઈ શકાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ સહિતના છ શહેરો રાંચી (ઝારખંડ), ઇન્દોર (મધ્યપ્રદેશ) ચેન્નઈ (તમિલનાડુ), અગરતલા (ત્રિપુરા) અને લખનઊ (ઉત્તર પ્રદેશ) માટેના હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે કેન્દ્ર સરકારશ્રીએ જે ગ્લોબલ ટેન્ડર પ્રસિદ્ધ કર્યા હતાં તેનું આવતીકાલે તા.20-9-2019 ના રોજ નવી દિલ્હી ખાતે યોજાનારી બેઠકમાં ટેકનિકલ મૂલ્યાંકન થનાર છે. કમિશનર બંછાનિધિ પાનીના માર્ગદર્શન હેઠળ સિટી એન્જીનીયર  અલ્પના મિત્રાએ સમગ્ર હાઉસિંગ પ્રોજેક્ટનું પ્લાનિંગ તૈયાર કરાવ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer