નાના એવા ડુંગર ગામે પર્વત જેવડી દેશદાઝ

નાના એવા ડુંગર ગામે પર્વત જેવડી દેશદાઝ
સાત હજારની વસતીના ગામમાં જમનાદાસ નાનચંદ મહેતા હાઈસ્કૂલના 88 પૂર્વ છાત્રો દેશના સીમાડાની રક્ષા કાજે ફરજરત !
ક્ષ     એક છાત્રે કારગિલમાં શૌર્ય દર્શાવી એવોર્ડ પ્રાપ્ત કર્યો છે, અક્ષરધામ હુમલામાં વીરગતિ પામનાર શહીદના પરિવારને એવોર્ડ એનાયત
શિવ રાજગોર
રાજુલા, તા.19: તાલુકાના 7 હજારની વસતી ધરાવતા નાના એવાં ડુંગર ગામમાં દેશદાઝ પર્વત સમાન ઊંચી છે. અહીંની હાઈસ્કૂલમાં ભણેલા વિદ્યાર્થીઓ પૈકીના 88 પૂર્વ છાત્રો હાલ દેશની સુરક્ષા કાજે આર્મિ, બી.એસ.એફ. અને કોસ્ટ ગાર્ડમાં ફરજ બજાવી દેશના દુશ્મનો સામે સામી છાતીએ લડવા સદાય તત્પર છે. કારગિલ યુદ્ધમાં અપ્રતિમ શૌર્ય દર્શાવનાર સૈનિક કારગિલ વિજેતા એવોર્ડ પ્રાપ્ત કરી ચુકયો છે. જ્યારે અક્ષરધામ હુમલા સમયે એક વીર જવાન શહાદતને વર્યો છે. ગામના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે હેતુથી બનાવવામાં આવેલી જમનાદાસ નાનચંદ મહેતા હાઈસ્કૂલમાં યોજાયેલા તેજસ્વી તારલાઓના સન્માન સમારંભમાં વીર જવાન અને વીર શહીદનાં પરિવારને પણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં હતાં.
ડુંગર ગામની વસ્તી હાલ સાત હજાર આસપાસ છે. વર્ષો પહેલા આ ગામના વણિક જમનાદાસ નાનચંદ મહેતાએ ડુંગર અને આજુબાજુના ગામોના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે તેઓએ અહીં એક સ્કૂલ બનાવી હતી. ગામ લોકોના અતિ આગ્રહ પછી આ શાળાનું નામ જમનાદાસ નાનચંદ મહેતા હાઈસ્કૂલ આપ્યું હતું. આ સ્કૂલના સભાખંડમાં  મુસ્લિમ યુવા સોશિયલ ગ્રુપ દ્વારા ધો.1 થી 12 અને કોલેજમાં અભ્યાસ કરતા તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો એક કાર્યક્રમ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને સ્થાનિક ધારાસભ્ય અંબરીષ ડેરની વિશેષ ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો.
આ પ્રસંગે આ શાળાના પૂર્વ વ્યાયામ શિક્ષક અરવિંદભાઈ જોષી અને મુસ્લિમ સોશિયલ ગ્રુપના મુસ્તાકભાઈ ગાહાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, ડુંગરની જમનાદાસ નાનચંદ મહેતા સ્કૂલના પૂર્વ 88 વિદ્યાર્થીઓ અત્યારે આર્મી, બી.એસ.એફ. અને કોસ્ટગાર્ડમાં ફરજ બજાવી રહ્યાં છે જે આ સ્કૂલનું ગૌરવ વધારે છે.
કારગિલના યુદ્ધમાં ડુંગર ગામના સંધી જ્ઞાતિના સાંઈ દાદ મીઠુભાઈ હાલેપોટા નામના સૈનિકે અપ્રિતમ શૌર્ય દાખવી આગલી હરોળમાં રહી પાકિસ્તાનના સૈન્ય સાથે મુકાબલો કર્યો હતો અને તેઓને કારગિલ વિજેતા એવોર્ડ પ્રાપ્ત થયો હતો. હાલ તેઓ જામનગર ખાતે નિવૃત્ત જીવન ગાળે છે.
અને તેનો પુત્ર ઇન્ડિયન એરફોર્સમાં પાયલોટ તરીકે ફરજ બજાવે છે. તેમની પુત્રી પણ ભારતીય આર્મીમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે.
ગાંધીનગર ખાતે અક્ષરધામમાં 25 સપ્ટેમ્બર 2002માં આતંકી હુમલાની ગોઝારી ઘટના વેળાએ ડુંગર ગામના અલારખા હાજીભાઇ ઉનડજામ નામના યુવાન આર્મી ફોર્સમાં ફરજ બજાવતાં હતાં. અક્ષરધામ હુમલા વેળાએ  અક્ષરધામ, સંતો અને પ્રવાસીઓની જાનની રક્ષા કરવા તેઓને ત્યાં આર્મીએ મોકલ્યા હતાં અને તેઓ આતંકીઓ સામે લડતાં લડતાં શહીદ થયા હતાં. ડુંગર ખાતે જ.ના.મહેતા સ્કૂલ ખાતે યોજાયેલાં તેજસ્વી તારલાઓના સન્માન પ્રસંગે આ શહીદ થયેલ યુવાનને મરણોત્તર એવોર્ડથી સન્માનિત કરવાનો કાર્યક્રમ રખાયો હતો. જેમાં શહીદી વ્હોરનાર સપુત અલારખા હાજીભાઇ ઉનડજામના લઘુબંધુ કે જેઓ ઉના મુકામે રહે છે તેઓને બોલાવાયા હતાં. તેઓને મરણોત્તર અને સન્માનિય એવોર્ડ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી અને સ્થાનિક ધારાસભ્ય અંબરીશ ડેરના હસ્તે અર્પણ કરાયો હતો.
એવોર્ડ સ્વીકારતી વેળાએ શહીદી વ્હોરનારના મોટાભાઇ ઇબ્રાહિમ હાજીભાઇ ઉનડજામ ભાવુક થયા હતાં. આ તકે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું હતું કે ખોબા જેવડા ડુંગર ગામમાંથી 88ની સંખ્યામાં અહિંના યુવાનો આર્મી અને આર્મીના વિવિધ વિભાગોમાં સેવા આપે છે હું તેમને અને તેમના માતા-પિતાને સલામ કરું છું. વધુમાં કહ્યું હતું કે, આજે અહિં તેજસ્વી તારલાઓને સન્માનિત કરાય છે તે વાત સરાહનિય છે તેઓએ ડુંગર ગામમાં વસ્તા તમામ સમાજના આગેવાનો અને દીકરા-દીકરીઓના વાલીઓને એવી હૃદયપૂર્વકની અપીલ કરી હતી કે તમે તમારા બાળકોને ભણાવજો. આ યુગ શિક્ષણનો યુગ છે. જો તમારા બાળકો શિક્ષિત હશે તો જ એની આવતીકાલ ઉજળી છે. બાળકોના અભ્યાસમાં ક્યાંક પણ વિઘ્ન આવે તો જરૂરથી કહેજો. આ પ્રસંગે ધારાસભ્ય અંબરીશ ડેરે પણ સંબોધન કરતાં કહ્યું હતું કે, દરેકે દરેક બાળકોમાં કંઇને કંઇક ટેલેન્ટ હોય છે વાલીઓએ બાળકના ટેલેન્ટને ઓળખી તેમા તેને જોડશે તો તે વિદ્યાર્થી કે વિદ્યાર્થિની અભ્યાસ ક્ષેત્રે પ્રગતિના શિખરો સર કરશે.
આ તકે સંઘી સમાજના યુવા નેતા ઉનાના મુન્નાભાઇએ પણ સમાજને એક સંપથી રહેવા અને બાળકોના અભ્યાસ અંગે ચિંતિત રહેવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં બીલાગામના મૌલાના સાહેબે શિક્ષણ ઉપર ભાર મુકતા કહ્યું હતું કે, તમે નમાઝ નહીં પઢો તો ચાલશે પણ તમે તમારા બચ્ચાઓને જરૂરથી શિક્ષિત બનાવજો. ખાસ કરીને દીકરીને તો ભણાવશો જ.
આજના આ કાર્યક્રમમાં ડુંગર ગામના સંધી સમાજના અને અન્ય સમાજોના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ આ શાળાના પૂર્વ આચાર્ય, શિક્ષકો અને અભ્યાસ કરી ગયેલા વિદ્યાર્થી ભાઇ-બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતાં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer